સુપ્રિયા શ્રીનેત: મહારાજગંજથી કૉંગ્રેસનાં લોકસભાના ઉમેદવાર ચર્ચામાં કેમ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

શુક્રવારે કૉંગ્રેસે 12 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી, જેમાં ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક ઉપરથી ઉમેદવાર સુપ્રિયા શ્રીનેતને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

અગાઉ કૉંગ્રેસે આ બેઠક ઉપરથી તનુશ્રી ત્રિપાઠીને ટિકિટ આપી હતી, જેમને અન્ય એક પક્ષે પણ ટિકિટ આપી હતી.

સુપ્રિયા તથા તનુશ્રીના પિતા રાજકારણમાં સક્રિય રીતે સંકળાયેલા હતા.

કોણ છે સુપ્રિયા શ્રીનેત?

સુપ્રિયા શ્રીનેત આર્થિક બાબતો અંગે સમાચાર આપતી અંગ્રેજી ચેનલ ઈટી નાઉનાં ઍક્ઝિક્યુટિવ ઍડિટર તથા ઍન્કર છે.

આ અંગેની જાહેરાત કરતા સુપ્રિયાએ ટ્વિટર ઉપર લખ્યું, "હું રાજકારણમાં પ્રવેશવા જઈ રહી છું."

"મહારાજગંજ બેઠક માટે મારી ઉપર વિશ્વાસ મૂકવા બદલ હું કૉંગ્રેસ, રાહુલ ગાંધી (કૉંગ્રેસ), પ્રિયંકા ગાંધી (પૂર્વ ઉત્તર પ્રદેશ માટે કૉંગ્રેસના પ્રભારી) તથા જ્યોતિરાદિત્ય સિંધિયાની આભારી છું."

"પિતાના વારસાને જીવિત રાખવો મારા માટે ગર્વની વાત છે, હું અર્થસભર પ્રદાન આપવા ચાહીશ."

આ પહેલાં શ્રીનેતે ચેનલમાં તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને સંસ્થા તથા સાથીઓનો આભાર માન્યો હતો.

સુપ્રિયાના પિતા હર્ષવર્ધન બે વખત સાંસદ રહ્યા હતા. વર્ષ 2016માં તેમનું નિધન થયું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તનુશ્રીને આપી હતી ટિકિટ

આ પહેલાં કૉંગ્રેસે મહારાજગંજ બેઠક ઉપરથી 27 વર્ષીય તનુશ્રી ત્રિપાઠીને ટિકિટ આપી હતી. તનુશ્રીને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)એ પણ ટિકિટ આપી હતી.

આ પાર્ટીની સ્થાપના યૂપીના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે કરી છે. પાર્ટીએ 50 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા હતા.

તનુશ્રીએ લંડન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં માસ્ટર્સ કર્યું છે.

ઉત્તર પ્રદેશની ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન નૌતનવા બેઠક ઉપર તનુશ્રીએ તેમના ભાઈ અમનમણિ માટે પ્રચાર કર્યો હતો.

તનુશ્રીના ભાઈ અમનમણિ ઉપર તેમની પત્ની સારાસિંહની હત્યા કરવાનો આરોપ છે.

તનુશ્રીના પિતા અમરમણિ પણ જેલમાં છે. અમરમણિની ઉપર યુવા કવિયત્રી મધુમિતા શુક્લાની હત્યા કરવાનો આરોપ સિદ્ધ થયો હતો.

આ બેઠક ઉપર ભાજપે વર્તમાન સાંસદ પંકજ પંકજ ચૌધરીને રીપિટ કર્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો