સિંહ પાળવો મોંઘો પડ્યો, જીવ દઈને કિંમત ચૂકવવી પડી

સિંહ

ઇમેજ સ્રોત, ZDENEK NEMEC / MAFRA / PROFIMEDIA

ચેક રિપબ્લિકના વતની માઇકલ પ્રાસેફે વિચાર્યું પણ નહીં હોય જે સિંહને તેમણે પાળ્યો છે અને સરકારની વિરુદ્ધ જઈને પણ પોતાની પાસે રાખ્યો છે તે જ તેમનો જીવ લેશે.

33 વર્ષના માઇકલ પ્રાસેફનો મૃતદેહ તેમના વ્હાલા સિંહના પાંજરામાંથી જ મળ્યો.

માઇકલ પ્રાસેફે પોતાના ઘરની પાછળ એક સિંહ અને એક સિંહણને પાળ્યાં હતાં. તેઓ 2016માં આ સિંહને લાવ્યા ત્યારે સિંહની ઉંમર 9 વર્ષ હતી.

ત્યાર બાદ પ્રજનન માટે તેઓ ગયા વર્ષે એક સિંહણ પણ લઈ આવ્યા.

જ્યારે માઇકલ સિંહણને લાવ્યાં ત્યારે આસપાસના લોકોએ વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે સિંહ અને સિંહણ લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

આ પ્રાણીઓથી જોખમ હોવા છતાં માઇકલ તેમને જીડીશોફના પોતાના ઘરની પાછળના વાડામાં રાખતા હતા.

સરકારે પણ તેમને આ જંગલી પ્રાણીઓને રાખવાની મંજૂરી નહોતી આપી.

પહેલાં તેમને પાંજરાં બનાવવાંની મંજૂરી મળી નહોતી. પછી તેમને ગેરકાયદેસર પ્રજનન માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

ચેક રિપબ્લિકમાં પ્રાણીઓને રાખવાં માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે તેમજ આ પ્રાણીઓની હેરાનગતિના કોઈ પુરાવા ન હોવાથી તેમને ન હટાવી શકાયાં.

આ રીતે તેમને સિંહને રાખવાની મંજૂરી મળી ગઈ. પરંતુ ગયા ઉનાળામાં માઇકલ તેમના સિંહને લઈને વૉક પર ગયા હતા અને એક સાઇકલસવાર તેમની સિંહણ સાથે અથડાયો હતો. આ ઘટના બાદ માઇકલ ચર્ચામાં આવ્યા હતા.

આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને તેને માત્ર એક માર્ગ અકસ્માત માની લેવામાં આવ્યો હતો.

પણ પછી એ દિવસ આવ્યો જ્યારે માઇકલના સિંહે પોતાના જ માલિકને મારી નાખ્યા. માઇકલના પિતાને પુત્રનો મૃતદેહ સિંહના પાંજરામાં મળ્યો.

તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પાંજરું અંદરથી બંધ હતું. ઘટનાસ્થળ પર હાજર પોલીસે બંને પ્રાણીઓને મારી નાખ્યાં.

એક પોલીસ પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે માઇકલ પ્રાસેફને બહાર કાઢવા માટે પ્રાણીઓને ગોળી મારવી જરૂરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો