જમ્મુ અને કાશ્મીર : કલમ 370ના એક અનુબંધમાં સંશોધનને મંજૂરી, આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકોને અનામત

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્રિય કૅબિનેટની ગુરુવારે રાત્રે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે જમ્મૂ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને એસસી, એસટી અને ઓબીસી અનામત લાગુ પડશે.
બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો કે નિયંત્રણ રેખાની નજીક રહેતાં લોકોને પણ સરહદ પર રહેતાં લોકોની જેમ અનામતનો લાભ મળશે.
બેઠક બાદ કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સરકાર તરફથી આ નિર્ણયોની જાણકારી કરી.
જેટલીએ કહ્યું કે કેન્દ્રિય મંત્રી મંડળે જમ્મુ-કાશ્મીર બાબતે બે અગત્યના નિર્ણય લીધા છે.
તેમણે જણાવ્યું, "2004ના જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન ઍક્ટ અંતર્ગત નિયંત્રણ રેખા પર રહેતા લોકોને અનામત મળતી હતી પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતાં લોકોને પણ અમનામત આપવાનો નિર્ણય લેવામા આવ્યો છે."
જેટલીએ એવું પણ જણાવ્યું કે કેન્દ્રિય મંત્રી મંડળે જમ્મૂ કાશ્મીરમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપવા માટે એક આદેશની મદદથી કલમ 370ના એક અનુબંધમાં પણ સંશોધન કરવાની મંજુરી આપી છે.

ટ્રમ્પ -કિમ જોંગની મંત્રણાને અપેક્ષિત સફળતા ન મળી

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રિ યોંગે કહ્યું છે કે જો અમેરિકા આગળના તબક્કાની વાતચીતનો પ્રસ્તાવ રજૂ કરે છે તો પણ તેમના વલણમાં કોઈ ફેરફાર નહીં થાય.
રિ યોંગ વિયેતનામમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની શિખર વાર્તા બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે ટ્રમ્પ અને કિમની વાત ગુરુવારે કોઈ જ સમજૂતી વિના પૂરી થઈ ગઈ.
ટ્રમ્પના મતે અમેરિકાએ ઉત્તર કોરિયા તરફથી પ્રતિબંધ હટાવવાની દરેક વાતને નામંજૂર કરી દીધી છે.
જોકે, મોડી રાત્રે મીડિયા સાથે વાત કરતાં યોંગે કહ્યું કે ઉત્તર કોરિયાએ પ્રતિબંધોને સંપૂર્ણ રીતે હટાવવાની માગ નહોતી કરી. તેમાં માત્ર આંશિક ફેરફાર કરવાની વાત જ કરી હતી.
યોંગે કહ્યું, "અમે વાસ્તવિક પ્રસ્તાવ મુક્યા હતા. તેમાં યંગબિયંગ પરમાણુ અનુસંધાન કેન્દ્રને અમેરિકન પર્યવેક્ષકોની દેખરેખ હેઠળ સંપૂર્ણ રીતે બંધ કરવાનો પ્રસ્તાવ પણ હતો."
તેમના મતે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનું હાલમાં વિશ્વાસનું સ્તર જોતાં આ પ્રસ્તાવ પરમાણુ હથિયાર હટાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય હતો
ટ્રમ્પે જમાવ્યું છે કે મુલાકાત દરમિયાન તમામ વાતો માત્ર પ્રતિબંધને લઈને જ થઈ હતી અને ઉત્તર કોરિયા એને હટાવવા ઇચ્છતું હતું.
જોકે, ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયાને વિશ્વાસ અપાવ્યો હતો કે ઉત્તર કોરિયા સાથે વાતચીત આગળ પણ ચાલુ રહેશે.

ભ્રષ્ટાચારના આરોપ વિરોધીઓનો દુષ્પ્રચાર : નેતન્યાહુ

ઇમેજ સ્રોત, AFP
ઇઝરાયલના ઍટૉર્ની જનરલે કહ્યું કે તેઓ વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ પર છેતરપિંડી, વિશ્વાસઘાત અને લાંચ લેવાના મામલે આરોપ મૂકવાનો વિચાર કરી રહ્યા છે.
નેતન્યાહુ પર આક્ષેપ છે કે તેમણે મોટા અને સંપન્ન વેપારીઓ પાસેથી મોંઘી ભેટો સ્વીકારી.
જોકે, વડા પ્રધાન આ આક્ષેપને ખોટા ગણાવે છે. તેઓ આ આક્ષેપોને એપ્રિલ મહિનામાં યોજાનારી ચૂંટણી માટેનો દુષ્પ્રચાર ગણાવે છે.
એક ટીવી ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "મારા પર અત્યાર જે આક્ષેપ થયા છે તે આવનારા સમયમાં પત્તાંના મહેલની જેમ પડી જશે."
ઇઝરાયલના વડા પ્રધાન પાસે અંતિમ સુનાવણી દરમિયાન પોતાનો પક્ષ મૂકવાની તક હશે. આ સુનાવણી ચૂંટણી પછી થાય તેવી પણ શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












