પુલવામા હુમલો : હાફિઝ સઈદના સંગઠન 'જમાત-ઉદ-દાવા' પર પાક.એ પ્રતિબંધ મૂક્યો

પાકિસ્તાન દ્વારા જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઇન્સાનિયત સંગઠનોને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યાં છે.

જમાત-ઉદ-દાવા હાફિઝ સઈદનું સંગઠન છે અને હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાના સૂત્રધાર ગણાય છે.

પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક ગુરુવારે યોજાઈ હતી. જેમાં આ સંગઠનો પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે વડા પ્રધાનની કચેરી ખાતે યોજાયેલી નેશનલ સિક્યૉરિટી કમિટીની મિટિંગમાં નેશનલ ઍક્શન પ્લાન અંગે સમીક્ષા કરી હતી.

આ મિટિંગ દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે ગેરકાયદેસર જાહેર કરાયેલાં સંગઠનો વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં ઉમેર્યું કે જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં વહી જતું ત્રણ નદીઓનું પાણી અટકાવાશે - ગડકરી

પુલવામા ઘટના બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પાકિસ્તાનને મળતું ભારતીય નદીઓનું પાણી અટકાવવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા ઘટના બાદ પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફૅવર્ડ નેશનનો દરજ્જો પરત લેવામાં આવ્યો છે અને એક્સાઇઝ ડ્યુટી પણ વધારવાનો નિર્ણય લેવાયો હતો.

ઉત્તર પ્રદેશના બાઘપતમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ કહ્યું, "આપણા દેશની ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાન જતું હતું. એ ત્રણ નદીઓ પર પ્રોજેક્ટ ઊભા કરીને એ પાણીને પરત યમુના નદીમાં લાવવામાં આવશે."

કેન્દ્રીય મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ત્રણ નદીઓ પર પ્રોજેક્ટ ઊભા કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દેવામાં આવશે.

ગુજરાતમાં એસટીની હડતાળ

ગુજરાત રાજ્ય પરિવહન નિગમના 45 હજાર કર્મચારીઓ આજથી હડતાળ પર છે.

સાતમા પગારપંચનો લાભ તેમજ ખાનગી બસ સેવાને કારણે નિગમને થઈ રહેલા નુકસાનના વિરોધ જેવા અન્ય પડતર મુદ્દાઓ લઈને કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે.

હડતાળને કારણે રાજ્યમા રાજ્ય પરિવહનની 8 હજાર જેટલી બસો થંભી ગઈ છે.

પરિવહન નિગમના ત્રણેય માન્ય સંઘોની સંકલન સમિતિના નેતૃત્વમાં આ હડતાળનું આયોજન કરાયું છે.

આ દરમિયાન મુખ્ય મંત્રી વિજય રુપાણીએ પરિવહન નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા અસમર્થતા દર્શાવી છે.

બિહાર કરતાં ગુજરાતમાં વધુ લોકોએ દારૂ ચાખ્યો : સરવે

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા હાથ ધરાયેલા એક સરવેમાં ગુજરાતમાં આલ્કૉહૉલના સેવનને લઈને એક ચોંકવનારી માહિતી સામે આવી છે.

સરવેમાં જણાવાયું છે કે ગુજરાતની સરખામણીએ બિહારમાં ઓછા લોકોએ દારૂ ચાખ્યો છે.

સરવેના આંકડા દર્શાવે છે કે બિહારમાં 7.4 ટકા લોકોએ દારૂ ચાખ્યો છે. જ્યારે ગુજરાતમાં 8.1 ટકા લોકોએ જીવનમાં એક વખત તો દારૂ ચાખ્યો જ છે.

નોંધનીય છે કે બિહારમાં વર્ષ 2016થી દારૂબંધી છે, જ્યારે ગુજરાતમાં દાયકાઓથી દારૂ પર પ્રતિબંધ લાગેલો છે.

આ સરવે ડિસેમ્બર 2017થી ઑક્ટોબર 2018 વચ્ચે હાથ ધરાયો હતો. જેને સોમવારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા જાહેર કરાયો હતો.

સરવેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જે રાજ્યોમાં આલ્કૉહૉલના સેવન પર પ્રતિબંધ છે, ત્યારે દારૂનું સેવન જોવા મળ્યું હતું.

હોદા મથાના : ટ્રમ્પે કહ્યું, ઇસ્લામિક સ્ટેટની મહિલા અમેરિકા પરત નહીં ફરી શકે

ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ'(આઈએસ)માં જોડાનારાં એક મહિલાને અમેરિકા પરત ના ફરવા દેવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યો છે.

ટ્વિટર પર ટ્રમ્પે જણાવ્યું કે તેમણે સૅક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પીયોને કહી દીધું છે કે 'હોદા મથાનાને દેશમાં પરત ના ફરવા દેવાય.'

પૉમ્પીયો આ પહેલાં જ કહી ચૂક્યા છે કે હોદા(ઉ.વ.24) અમેરિકન નાગરિક નથી અને અમેરિકા તેમને સ્વીકારશે નહીં. જોકે, તેઓ અમેરિકન નાગરિકત્વ ધરાવતાં હોવાનું તેમના પરિવારનો દાવો છે.

18 મહિનાના પુત્રનાં માતા હોદાએ આ પહેલાં કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાનો તેમને ભારે અફસોસ છે.

સોશિયલ મીડિયા પર ઇસ્લામિક સ્ટેટના ઉદ્દેશોનો પ્રચાર કરવા બદલ પણ તેમણે માફી માગી હતી. ઇસ્લામિક સ્ટેટના પ્રૉપેગૅન્ડા વીડિયોમાં પણ હોદા જોવાં મળ્યાં હતાં.

સીરિયામાં કુર્દો દ્વારા ચલાવવાઈ રહેલી નિરાશ્રિતો માટેની છાવણીમાં કુર્દ દળો સમક્ષ હોદાએ આત્મસમર્પણ કર્યું હોવાના અહેવાલો છે.

મોદીની વિનંતીને પગલે 850 ભારતીય કેદીઓને સાઉદી મુક્ત કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીને પગલે સાઉદી અરેબિયાના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન બિલ અબ્દુલ અઝીઝ અલ-સાઉદ સાઉદી અરેબિયાની જેલમાં બંધ 850 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ટ્વિટર પર સંબંધિત જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું, 'વધુ એક મોટો નિર્ણય.'

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પર સાઉદી અરેબિયાના યુવરાજે ભારતીય હજ યાત્રીઓની સંખ્યા વધારીને 2 લાખ કરી દીધી છે.'

નોંધનીય છે કે ભારતની મુલાકાતે આવેલા સાઉદી રાજકુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે વિવિધ બાબતો પર ચર્ચા થઈ.

મહત્ત્વપૂર્ણ છે કે ભારતની મુલાકાત લેતા પહેલાં સલમાન પાકિસ્તાન ગયા હતા. જ્યાં તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુદ્દાઓના સામાધાન માટે વાતચીતને જ એક માત્ર રસ્તો ગણાવ્યો હતો.

'લોખંડના ભંગારમાંથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવી', પરેશ ધાનાણી સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુદ્દે પક્ષ અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ 'લોખંડના ભંગારમાંથી સરદારની પ્રતિમા બનાવવા'ની વાત કહી હતી.

જેને પગલે તેમને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ધાનાણીના આરોપને ભાજપે સરદારનું અપમાન ગણાવી માફી માગવા કહ્યું હતું.

જોકે, પરેશ ધાનાણીએ માફી માગવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે ભંગારમાંથી પ્રતિમા તૈયાર કરવા બદલ વડા પ્રધાન અને સરકાર માફી માગે.

સત્ર દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અસ્પૃશ્યતા નિવારણ અંગે સરકાર ગંભીર ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

વિધાનસભામાં જિજ્ઞેશ મેવાણીએ એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સંશોધનનો હવાલો આપી રાજ્યમાં 1,589 ગામોમાં અસ્પૃશ્યતા હજુ બરકરાર હોવાની વાત કહી હતી.

જોકે, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મેવાણીના આક્ષેપોને પાયાવિહિન ગણાવ્યા હતા.

મહારાષ્ટ્રના ખેડૂતો આજે ફરીથી રસ્તા પર

પોતાની માગોને લઈને મહારાષ્ટ્રના ખેડૂતો આજે ફરીથી રસ્તાઓ પર ઊતરી રહ્યા છે.

'અખિલ ભારતીય કિસન સભા'ના નેતૃત્વમાં નાસિકથી મુંબઈ સુધીની 180 કિલોમીટરની માર્ચનું આયોજન કરાયું છે.

જેને પગલે નાસિકમાં 50 હજાર ખેડૂતો પહોંચી ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે. આ માર્ચમાં રાજ્યના 23 જિલ્લાના ખેડૂતો ભાગ લઈ રહ્યા છે.

રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા એક વર્ષમાં ખેડૂતોની આ બીજી માર્ચ છે.

બ્રેક્સિટ મામલે નવા ઍજન્ડા પર કામ શરૂ

બ્રિટનના વડાં પ્રધાન ટૅરેસા મૅએ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યુરોપિયન આયોગના અધ્યક્ષ જ્યાં ક્લાડ યંકર સાથે મુલાકાત કરી.

મુલાકાત બાદ મૅએ પત્રકારોને જણાવ્યું કે યંકર અને તેઓ આ મહિને ફરી એક વખત મળવા માટે સહતમ થયાં છે.

મૅએ કહ્યું, "યુરોપિયન આયોગના અધ્યક્ષ યંકર સાથે સફળ બેઠક કરાઈ છે. બ્રેક્સિટ બાદ થનારા કાયદાકીય ફેરફારો અંગે મેં તેમનું ધ્યાન દોર્યું."

"અમે બન્ને આ મામલે કામ કરવા તૈયાર થયાં છીએ. બ્રિટન જ્યારે યુરોપિયન સંઘમાંથી બહાર થાય ત્યારે એક નિર્ધારિત રીતે બહાર થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો