સીરિયા ઇદલિબ પર કેમિકલ ઍટેકની તૈયારીમાં, અમેરિકાએ આપી ચેતવણી

ઇમેજ સ્રોત, Reuters
સીરિયાની સરકાર બળવાખોરોને કબજા હેઠળના ઇદલિબ પ્રાંતમાં રાસાયણિક હુમલાની તૈયારી કરી રહી હોવાની શંકા અમેરિકાને છે.
સીરિયામાં અમેરિકાના નવા રાજદૂત જિમ જેફ્રીએ હુમલાની તૈયારીનાં 'ઘણા પુરાવા' હોવાનો દાવો કર્યો છે.
રાજદૂત તરીકે નિમણૂંક થયા પછીના પહેલા ઇન્ટરવ્યૂમાં જિમ જેફ્રીએ કહ્યું હતું, "રાસાયણિક હુમલાની તૈયારીનાં ઘણા પુરાવા અમારી પાસે છે. તેથી અમે ચેતવણી બહાર પાડી છે."
"હુમલો કરવામાં આવશે તો તેનું ગંભીર પરિણામ જોવા મળશે."
અલબત, પોતાની પાસે ક્યા પુરાવા છે તે જિમ જેફ્રીએ જણાવ્યું ન હતું.
જોકે, સીરિયાની સરકાર રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો સતત ઇન્કાર કરતી રહી છે.

બળવાખોરોનો છેલ્લો ગઢ

ઇમેજ સ્રોત, Reuters
સીરિયામાં બળવાખોરોને અંકુશ હેઠળનો છેલ્લો પ્રદેશ ઇદલિબ છે અને બશર અલ-અસદની સરકાર તેને બને તેટલા ઝડપથી પોતાના નિયંત્રણમાં લાવવા ઇચ્છે છે.
રશિયન વિમાનોએ મંગળવારે ઇદલિબના મુહમબલ અને જદરાયામાં હવાઈ હુમલા કર્યા હતા. તેમાં બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હોવાના સમાચાર આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
શુક્રવારે રશિયા, ઈરાન અને તુર્કી વચ્ચે સંમેલન યોજાવાનું છે ત્યારે તાજા હુમલાની તૈયારી કરવામાં આવી રહી છે.
રશિયા અને ઈરાન સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ટેકો આપે છે, જ્યારે તુર્કી બળવાખોર જૂથોની સાથે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે ઇદલિબ પર હુમલાથી માનવીય સંકટ સર્જાઈ શકે છે. બીજી તરફ તુર્કીને ડર છે કે લડાઈમાં ફસાયેલા ઇદલિબના લોકો તુર્કીમાં ઘૂસી જશે.

રાજદ્વારી પ્રયાસની અપીલ

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાના સંરક્ષણ પ્રધાને સોમવારે રાતે ચેતવણી આપી હતી કે સીરિયાની સરકાર તેની સહયોગીઓ સાથે મળીને રાસાયણિક હુમલો કરશે તો અમેરિકા તેનો જવાબ આપશે.
ઇદલિબ પ્રાંતમાં એપ્રિલ-2017માં રાસાયણિક હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 80થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
એ હુમલા પાછળ સરકારી સલામતી દળોનો હાથ હોવાનું સંયુક્ત રાષ્ટ્ર અને ઓપીસીડબ્લ્યૂએ જણાવ્યું હતું. જોકે, સીરિયાની સરકારે હુમલાનો ઇન્કાર કર્યો હતો.
જિમ જેફ્રીએ જણાવ્યું હતું કે સીરિયામાં સાત વર્ષથી ચાલી રહેલા આંતરવિગ્રહના અંત માટે મોટી "રાજદ્વારી પહેલ" કરવી પડશે.
તેમણે ઉમેર્યું હતું કે સીરિયામાં આઈએસઆઈએસનો ખાત્મો ન થઈ જાય અને સીરિયન સરકારનું સમર્થન કરતા ઈરાનના લડવૈયાઓ તેમના દેશમાં પાછા નહીં ફરે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ સીરિયા પર સતત નજર રાખતા રહેશે.

અસદના શાસનનો અંત?

ઇમેજ સ્રોત, AFP
જિમ જેફ્રીના જણાવ્યા મુજબ, સીરિયાનું શાસન "રાષ્ટ્રપતિ અસદના હાથમાં વધુ દિવસો સુધી નહીં રહે."
જોકે, અસદને પદભ્રષ્ટ કરવાનું કામ અમેરિકાનું ન હોવાની સ્પષ્ટતા જિમ જેફ્રીએ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે સીરિયામાં રાજકીય પરિવર્તનની પ્રક્રિયામાં અમેરિકા રશિયા સાથે મળીને કામ કરશે.
જિમ જેફ્રીએ કહ્યું હતું, "સીરિયાની સરકાર અત્યારે લાશોના ઢગલા પર બેઠી છે અને તેનો અરધા સીરિયા પર જ અંકુશ છે."

યુદ્ધનો આખરી પડાવ

ઇમેજ સ્રોત, AFP
સીરિયાની સરકારે તેના સહયોગી રશિયાના હવાઈ હુમલા અને ઈરાન સમર્થિત હજ્જારો લડવૈયાઓની મદદથી દેશના બાકીની હિસ્સામાંના વિદ્રોહીઓને ઉખેડી ફેંક્યા છે. તેથી ઇદલિબ સીરિયાના યુદ્ધનો આખરી પડાવ છે.
ઇદલિબમાં 30 હજારથી વધુ બળવાખોર અને જેહાદી લડવૈયાઓ હોવાનું માનવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, ઇદલિબમાં 29 લાખ લોકો રહે છે, જેમાં લગભગ 10 લાખ બાળકો છે. આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો બળવાખોરોના કબજા હેઠળના અન્ય વિસ્તારોમાંથી ભાગીને આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇદલિબ પરના હુમલાથી આઠ લાખ લોકો વિસ્થાપિત થઈ શકે છે. તેને પગલે મોટું માનવીય સંકટ સર્જાઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















