2014 પછી ગાઝામાં સૌથી ભયાનક હિંસા, 55 લોકો મૃત્યુ પામ્યા

પેલેસ્ટાઇનનો દેખાવકાર

ઇમેજ સ્રોત, Getty Images

પેલેસ્ટાઇનના અધિકારીઓના કહેવા પ્રમાણે, ગાઝા સરહદ પર ઇઝરાયલની સેના સાથે અથડામણમાં 55 પેલેસ્ટાઇવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે 2700થી વધુ ઘાયલ થયા છે. 2014ના ગાઝા યુદ્ધ બાદ આ અત્યારસુધીની સૌથી મોટી હિંસક અથડામણ છે.

જેરૂસલેમ ખાતે અમેરિકાની ઍમ્બેસીના ઉદ્ઘાટનથી પેલેસ્ટાઇવાસીઓ ઉશ્કેરાયા છે.

શહેરના પૂર્વભાગ પર પેલેસ્ટાઇન પોતાનો દાવો કરે છે.

વીડિયો લિન્ક દ્વારા કાર્યક્રમમાં હાજર મહેમાનોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું, "ઇઝરાયલ સ્વાયત રાષ્ટ્ર છે અને તેને પોતાની રાજધાની નક્કી કરવાનો હક છે. આ સ્વાભાવિક અધિકારને

માન્યતા આપવામાં વર્ષો નીકળી ગયા."

ટ્રમ્પે ઉમેર્યું હતું કે અમેરિકા 'સર્વગ્રાહી શાંતિ સંધિ'ની હિમાયત કરે છે.

પેલેસ્ટાઇનવાસીઓનું માનવું છે કે અહીં ઍમ્બેસી શરૂ કરીને અમેરિકાએ સમગ્ર શહેર પર ઇઝરાયલના પ્રભુત્વને માન્યતા આપી છે.

પેલેસ્ટાઇનના કહેવા પ્રમાણે, 1800 નાગરિક ઘાયલ થયા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇનના કહેવા પ્રમાણે, 2700 નાગરિક ઘાયલ થયા

અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા તથા જમાઈ એ પણ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લીધો. બંને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકારો પણ છે.

શું તમે આ વાંચ્યું?

14મી મેના દિવસે ઇઝરાયલે ખુદને સ્વાયત રાષ્ટ્ર જાહેર કર્યું હતું એટલે જ અમેરિકાએ આજના દિવસે ઍમ્બેસીને શરૂ કરવાની જાહેરાત કરી હતી.

છેલ્લા છ અઠવાડિયાથી હમાસ દ્વારા 'પરત ફરવાની મહાકૂચ' (Great March of Return) હાથ ધરવામાં આવી છે. જેમાં ઇઝરાયલની સેના સાથે હિંસક અથડામણો થઈ રહી છે.

પેલેસ્ટાઇન હિંસાની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇઝરાયલનો દાવો છે કે દેખાવકારો સરહદ પરની વાડને તોડવા પ્રયાસ કરી રહ્યા હતા અને લગભગ 35 હજાર પેલેસ્ટાઇનવાસીઓ હિંસક અથડામણમાં સંડોવાયેલા છે.

મળતી માહિતી પ્રમાણે, જેરૂસલેમ ખાતે અમેરિકાના દૂતાવાસની બહાર સેંકડો દેખાવકારોએ પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવ્યા હતા.

ઇઝરાયલ પોલીસે આવા અનેક દેખાવકારોની અટકાયત કરી હતી. પેલેસ્ટાઇનવાસીઓ દ્વારા ફાયરબૉમ્બ તથા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે.

line

પ્રતિક્રિયાઓ

હિંસામાં ઘાયલ પેલેસ્ટાઇનવાસીની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

  • ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઍમ્બેસીના ઉદ્ધાટન બાદના ભાષણમાં કહ્યું હતું, "આજનો દિવસ ભવ્ય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇતિહાસને માન્યતા આપીને ઇતિહાસ સર્જયો છે."
  • લેબનોનના વડા પ્રધાન સાદ હરિરીએ અમેરિકાના પગલાંને 'ઉશ્કેરણીજનક' ગણાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે, આમ કરવાથી તણાવ 'હજુ વકરશે.'
  • સંયુક્ત રાષ્ટ્રો ખાતે પેલેસ્ટાઇનના પ્રતિનિધિ રિયાધ મંસૂરે આ હુમલાને 'ક્રૂર હુમલો' ગણાવીને તત્કાળ સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માગ કરી છે.
  • સંયુક્ત રાષ્ટ્રોના હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ ઝૈદ રાદ અલ હુસૈને ગાઝામાં થયેલી હિંસા પ્રત્યે આઘાત વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે 'માનવાધિકારનો ભંગ કરનારાઓને સજા થવી જોઈએ.'
  • બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જોન્સનના કહેવા પ્રમાણે, ઍમ્બેસી ખસેડવાનો અમેરિકાનો નિર્ણય 'અયોગ્ય સમયનું અયોગ્ય પગલું' છે.
  • ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયના નિવેદન પ્રમાણે, સરહદ પર હિંસાને પગલે ઇઝરાયલના હવાઈ દળે હમાસના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
  • ઇજિપ્તના વિદેશ મંત્રાલયને નિવેદન બહાર પાડીને કહ્યું છે કે આ પ્રકારની હિંસાથી પેલેસ્ટાઇનમાં ભયાનક હદે સ્થિતિ વકરશે.
  • આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ઇઝરાયલની સેનાના બળપ્રયોગને 'આંતરરાષ્ટ્રીય નિયમોના છડેચોક ભંગ' સમાન ઠેરવ્યું છે.

નેતનયાહૂ માટે રાહત

પેલેસ્ટાઇનનો દેખાવકાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી મધ્યપૂર્વના સંપાદક જરેમી બોવનના કહેવા પ્રમાણે, "ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની રાજકીય કારકિર્દીમાં કદાચ સૌથી શ્રેષ્ઠ સપ્તાહ ચાલી રહ્યું છે.

"પહેલા અમેરિકાએ ઇરાન સાથેની પરમાણુ સંધિ રદ કરી અને હવે અમેરિકાએ તેની ઍમ્બેસીનું સ્થળાંતરણ કર્યું છે.

"જોકે, ઇઝરાયલ તથા અમેરિકાના અનેક મિત્ર રાષ્ટ્રો આ હિલચાલને વખોડી ચૂક્યા છે.

"પૂર્વ જરૂસલેમ તથા વેસ્ટ બેન્ક ખાતે નાનાપાયે અને ગાઝા પટ્ટી ખાતે મોટાપાયે હિંસા શરૂ થઈ છે."

શા માટે વિવાદ?

ગાઝાનો નકશો

જેરૂસલેમને ઇઝરાયલ પોતાની અવિભાજિત રાજધાની માને છે, જ્યારે પેલેસ્તાઇન પૂર્વ જેરૂસલેમ(જેના પર 1967માં અરબ-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઇઝરાયલે કબજો જમાવ્યો હતો)ને પોતાની રાજધાની માને છે.

પવિત્ર શહેર જેરૂસલેમ માટેનો ઇઝરાયયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે.

જેરૂસલેમ ઇઝરાયલ-આરબ વચ્ચેની તણાવ સૌથી વિવાદિત મુદ્દો પણ રહ્યો છે. આ સ્થળનું ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં મહત્ત્વનું સ્થાન રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો