ફોટોગ્રાફર સામે કેસ હારી દુલ્હન, લાખોનો ભરવો પડશે દંડ! શું હતું કારણ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેનેડાના એક જજે એક દુલ્હન પર એ માટે હજારો ડોલરનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે કેમ કે તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું જેના કારણે તેમના વ્યવસાયને અસર પડી હતી.

કોર્ટે એમિલી લિયાઓને આદેશ આપ્યા છે કે તેઓ ફોટોગ્રાફર વિરુદ્ધ ઑનલાઇન કેમ્પેઇનના કારણે થયેલા નુકસાન માટે તેમને 1.15 લાખ ડોલર (આશરે 74 લાખ 99 હજાર 276 રૂપિયા)ચૂકવે.

એમિલીએ પોતાનાં લગ્નમાં ફોટોગ્રાફી માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. લગ્ન પહેલાં લેવામાં આવેલી પોતાની તસવીરોની ગુણવત્તાથી તેઓ ખૂબ નિરાશ હતાં.

તેમનું માનવું છે કે તેમની સાથે સારી રીતે વર્તન કરવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમણે આખા વર્ષ દરમિયાન એ કંપની વિરુદ્ધ ઑનલાઇન પોસ્ટ મૂકી.

22 ફેબ્રુઆરીના રોજ કોર્ટે સંભળાવેલા નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે એમિલી પોતાની નિરાશાને સાચી સાબિત કરી શક્યાં નથી.

તેમનું કહેવું હતું કે એમિલીનાં ફોટોગ્રાફર વિરુદ્ધ ઑનલાઇન અભિયાન બાદ તેમના કારોબારમાં ઘટાડો થવો તે સંયોગ નથી. એ ફોટોગ્રાફરે જાન્યુઆરી 2017માં પોતાનો કારોબાર બંધ કરવો પડ્યો હતો.

કોર્ટના દસ્તાવેજ અનુસાર એમિલીએ અંગ્રેજી તેમજ ચીની ભાષામાં સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર એ આરોપ લગાવ્યા કે 'અમારા વેડિંગ' તેમજ તેમનાં માલિક કિટી ચાન ગ્રાહકોને જૂઠી વસ્તુઓ દેખાડીને ભ્રમિત કરે છે, ગંદી રણનીતિનો ઉપયોગ કરે છે અને ખોટું બોલે છે.

line

પૂરી રકમની ચૂકવણી પણ કરી નથી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દસ્તાવેજો અનુસાર એમિલી અને તેમના પતિએ ફોટોશૂટ માટે નક્કી કરવામાં આવેલી બાકી રકમની ચૂકવણી કરી નથી.

જોકે, 'અમારા વેડિંગ'ના આધારે તેમણે લગ્ન માટે મેકઅપ, ફોટોગ્રાફી, ફૂલ અને સમારોહની બીજી સેવાઓ પણ આપી હતી.

સમારોહ બાદ ચાને નવદંપતિને કહ્યું હતું કે જો તેઓ બાકી રકમની ચૂકવણી નહીં કરે તો તેમને તસવીરો મળશે નહીં.

કોર્ટના રેકોર્ડ પ્રમાણે, તેમણે પૈસાની ચૂકવણી કરવાથી ઇનકાર કરી દીધો હતો.

ત્યારબાદ ચાને પોતાની બાકી બચેલી રકમનો દાવો કરી દીધો.

ઓગસ્ટમાં એમિલીએ ચાનની કંપની દ્વારા લેવામાં આવેલી તસવીરો અને લગ્ન સંબંધિત સેવાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

નવદંપતિનો પૈસા માટે કરવામાં આવેલો દાવો ઓક્ટોબર 2016માં રદ્દ કરી દેવાયો પરંતુ ચાન પોતાના દાવાને જીતી ગયા.

એક અઠવાડિયા બાદ એમિલીએ ફેસબુક, વીબો અને બીજા સોશિયલ મીડિયા નેટવર્ક પર માફીની પોસ્ટ મૂકી હતી.

પરંતુ ચાને આ અઠવાડિયે સીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે તેમના વેપારને ખૂબ નુકસાન પહોંચ્યું છે.

તેમણે કહ્યું, "મેં જે ખોયું તે હવે જઈ ચૂક્યું છે એટલે હું વિચારું છું કે તેની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી."

"હું લોકો સમક્ષ એ સાબિત કરવા માગતી હતી કે જ્યારે ઇન્ટરનેટ પર લોકો કંઈક કહે છે તો તેનાં પરિણામ પણ તેમણે ભોગવવા પડે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો