નાણાંથી ખુશી ખરીદી શકાય? હા. આ છે કિંમત!

ઇમેજ સ્રોત, Getty Images
શું નાણાંથી ખરેખર ખુશી ખરીદી શકાય? અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધન અનુસાર આવું શક્ય છે.
પણ આ બાબતનો આધાર કેટલાક પરિબળ પર રહેલો છે. વિશ્વમાં અલગ અલગ સ્થળે આ ખુશીની ખરીદ કિંમત જુદી જુદી છે.
આ માટે સંતુલન મહત્ત્વનું છે. વળી તમારે તે મેળવવા ઊંચી આવક ઊભી કરવી પડે છે જેની આડઅસર પણ થતી હોય છે.
એન્ડ્રુ જેબના નેતૃત્વમાં 'ગૅલપ વર્લ્ડ પોલ' દ્વારા આ મામલે એક સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં 164 દેશોના 17 લાખ લોકોના મત લેવામાં આવ્યા હતા.
વાર્ષિક 61 લાખ રૂપિયા તમારું જીવન ખુશ બનાવી શકે છે.
સંશોધકોના તારણ મુજબ સંતુષ્ટ જીવન આકલન માટે સરેરાશ વૈશ્વિક આવક 95000 અમેરિકી ડૉલર (લગભગ 61 લાખ રૂપિયા) છે.
તમને આ પણ વાંચવું ગમશે

જરૂરી આવકના સ્તરે પહોંચ્યા બાદ વધુ કમાવવાની બેચેની

ઇમેજ સ્રોત, Photographer: Leonardo Patrizi
જોકે, જેબ અને તેમની ટીમના નિરીક્ષણ મુજબ એક વખત જ્યારે આ જરૂરી આવક મળતી શરૂ થઈ જાય છે, ત્યાર બાદ જીવન ધોરણ વધુ ઊંચું લાવવાની ઈચ્છા જાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી નિષ્ણાતોના મતે એક વિપરીત અસર થાય છે. જેમાં સામાજિક સ્તરે અન્ય લોકો સાથે સરખામણી કરવામાં આવે છે.
આમ અન્યો સાથે સરખામણી કરવાનું શરૂ થઈ જતાં જીવન ધોરણ અન્ય લોકોની સરખામણીએ નીચું લાગવા લાગે છે.

ઇમેજ સ્રોત, RichVintage
જેબે કહ્યું, "આંકડા પરથી એક વાત જાણવા મળી કે એક સ્તરે નાણાં આપણી સ્વસ્થતા પર અસર કરે છે."
"એક સ્તરે લોકો પાતોની જાતને પૂછે છે કે હું કેટલું સારું જીવી રહ્યો છું? અને અન્ય લોકોની સરખામણીએ હું કેવું જીવન જીવું છું?"
"આપણે જે કંઈ પણ ટીવી અને જાહેરખબરોમાં જોઈએ છીએ તેમાં સંકેત આપે છે કે જ્યારે ખુશ રહેવા માટે નાણાંની જરૂર છે, તો તેની કોઈ મર્યાદા જ નથી."

વધુ ઊંચી આવકની આડઅસર

ઇમેજ સ્રોત, Getty Images
વળી તેમણે વધુ ઊંચી આવકની આડઅસર પર પણ વાત કરી.
"કેટલીક વાર ઊંચી આવક સમયની માંગ હોય છે. કામનો બોજ અને જવાબદારી સાથે પણ તેનો સંબંધ છે."
"આથી તેને કારણે હકારાત્મક અનુભવોની તક મર્યાદિત થી જાય છે. જેમકે નવરાશમાં કરવામાં આવતી પ્રવૃતિ."
ધનવાન વર્ગમાં ખુશ જીવન માટે આવકનું આ સ્તર ઊંચું હોય છે. પશ્રિમ યુરોપ અને સ્કેન્ડિનેવિયામાં તેનું સ્તર 1,00,000 અમેરિકી ડૉલર (લગભગ 65 લાખ રૂપિયા) છે.
જ્યારે ઉત્તર અમેરિકામાં તે 1,05,000 અમેરિકી ડૉલર (લગભગ 68 લાખ રૂપિયા) છે.

સૌથી ઊંચું સ્તર ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં

ઇમેજ સ્રોત, Getty Images
પણ ખુશી જીવન માટે આવકનું સૌથી ઊંચું સ્તર ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તથા મધ્ય પૂર્વમાં જોવા મળ્યું.
અહીં સ્તર અનુક્રમે 1,25,000 અમેરિકી ડૉલર (લગભગ 81 લાખ રૂપિયા) અને 1,15,000 અમેરિકી ડૉલર (લગભગ 74 લાખ રૂપિયા) નોંધાયું.
જેબે વધુમાં કહ્યું, "પરિણામ સૂચવે છે કે ખરેખર સંતોષી જીવન સાથે પ્રદેશની કુલ સંપત્તિ સંકળાયેલી છે."

ઇમેજ સ્રોત, Getty Images
"પણ તેના પરથી એક તારણ એવું પણ નીકળે છે કે વિશ્વમાં ખુશ જીવન માટે જરૂરી આવકનું સ્તર જુદું છે. એ માટે કેટલાક પરિબળો પણ અસરકર્તા છે."
"ખરેખર માત્ર ભોગવટો નહીં પણ તેના મૂલ્યોનું પણ વિશ્લેષણ મહત્ત્વનું છે. ખુશ જીવન માટે કયા પરિબળો જવાબદાર છે તે જોવું અગત્યનું છે."
વિશ્લેષકોના તારણ અનુસાર શૈક્ષણિક લાયકાત અને જાતિના આધારે પણ આવકનું સ્ત્તર અલગ અલગ હોય છે.
જેમાં મહિલાઓ માટે સરેરાશ આદર્શ આવક 1,00,000 અમેરિકી ડૉલર (લગભગ 65 લાખ રૂપિયા) જ્યારે વૈશ્વિક સ્તરે પુરુષો માટે તે 90,000 અમેરિકી ડૉલર (58 લાખ રૂપિયા) છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












