કૂતરું પાળવાથી લાંબા આયુષ્યની શક્યતા વધે છે!

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેટી સિલ્વર
- પદ, સ્વાસ્થ્ય રિપોર્ટર, બીબીસી
સ્વીડનમાં એક અભ્યાસ દરમિયાન તારણ મેળવવામાં આવ્યું છે કે શ્વાન પાળાનારાં લોકોને હૃદયરોગ અને અન્ય કારણોથી મૃત્યુ થવાનું જોખમ ઓછું હોય છે.
સ્વીડનમાં 34 લાખ લોકોનો સર્વેના આધારે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં કૂતરું ન પાળનારાં 40 વર્ષથી લઈ 80 વર્ષની વચ્ચેની ઉંમરનાં લોકોની સરખામણી એવા લોકો સાથ કરવામાં આવી હતી, જેમણે પોતાની નોંધણી કૂતરાંનાં માલિક તરીકે કરાવી હતી.
આ અભ્યાસનું તારણ છે કે, કૂતરાં પાળનારાં લોકોને હૃદયરોગનું જોખમ ઓછું હોય છે. તેમાં પણ શિકારી પ્રજાતિનાં કૂતરાનાં માલિકોને આ જોખમ સૌથી ઓછું હોય છે.
સામાન્ય રીતે એવી માન્યતા છે કે, કૂતરું પાળવાથી શારીરિક ગતિવિધિઓમાં વધારો આવે છે. શોધકર્તાઓનો એવો પણ મત છે કે, જે લોકો વધુ સક્રિય હોય છે તેઓ કૂતરું પાળવાનું પસંદ કરે છે.
આ સંશોધનનું કહેવું છે કે, કૂતરાંઓ તમને બીમારીથી બચાવે છે, કારણ કે કૂતરાંના કારણે તેના માલિકોનો સામાજિક સંપર્ક વધે છે અને તેઓ ખુશ રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
કૂતરાંના કારણે તેના માલિકોના માઇક્રોબાયોમમાં પરિવર્તન આવી શકે છે, જે હૃદયરોગનો જોખમ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. પેટમાં રહેતા સૂક્ષ્મજીવોના સમૂહને માઇક્રોબાયોમ કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ઘરમાં ફેલાતી ગંદકીમાં કૂતરાંઓના કારણે પરિવર્તન આવે છે, જેની અસર માલિકોના માઇક્રોબાયોમ પર પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૂતરાંના માલિકો એવા અન્ય બેક્ટેરિયાના સંપર્કમાં પણ આવે છે, જે તેમના માઇક્રોબાયોમ પર અસર કરી શકે છે.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે, કૂતરાંઓની અસર એકલા રહેતા લોકો પર વધુ થાય છે.
આ સંશોધનના મુખ્ય સંશોધક મ્વેનિયા મૂબાંગા 'ઉપાસલા યુનિવર્સિટી'માં અધ્યાપક છે.
તેઓ કહે છે, "સંશોધનના પરિણામો કહે છે કે એકલા રહી કૂતરું પાળનારા લોકોને મૃત્યુનું જોખમ કૂતરું ન પાળનારા લોકોથી 33 ટકા ઓછું હોય છે. હાર્ટ ઍટેકનું જોખમ પણ કૂતરું ન પાળનારા લોકોથી 11 ટકા ઓછું હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉના ઘણાં સંશોધનો તારણ આપતા આવ્યા છે કે, એકલાં રહેનારાં લોકોને હૃદયરોગનાં કારણે મૃત્યુ થવાનું જોખમ વધુ હોય છે.
'સાયન્ટિફિક રિપોર્ટ્સ' નામની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલા આ સંશોધન માટે વર્ષ 2001થી લઈને 2012 સુધીનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો.
સ્વીડનની હોસ્પિટલોમાં સારવાર માટે આવતા લોકોની માહિતી નેશનલ ડેટાબેઝમાં સંગ્રહિત કરવામાં આવે છે. કૂતરું પાળવા માટેની એક નોંધણીને વર્ષ 2001થી ફરજિયાત કરવામાં આવી હતી.
ટેરીયર, રિટ્રીવર અને સેન્ટ હાઉન્ડ્સ જેવા મૂળરૂપે શિકારી પ્રજાતિનાં કૂતરાં પાળવાથી હૃદયરોગના કારણે મૃત્યુનું જોખમ ઓછું રહે છે.

ઇમેજ સ્રોત, NICK TRIGGLE/AMBER EVANS
'બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન'ના ડૉક્ટર માઇક નેપટન કહે છે, "કૂતરું પાળવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. અગાઉના સંશોધનમાં પણ તારણ મેળવાયું છે, પરંતુ આ સંશોધનો કોઈ નિર્યાણક તારણ પર નહોતા પહોંચ્યા."
"આ સંશોધન અસરકારક છે કારણ કે તેમાં ઘણાં લોકોનો સર્વે કરવામાં આવ્યો છે."
ડૉક્ટર માઇક નેપટન કહે છે, "કૂતરાં પાળનારા લોકો એ વાત સ્વીકારશે કે કૂતરાં સાથે મજાક-મસ્તી કરવા માટે તેઓ કૂતરાં પાળે છે. તમે કૂતરું પાળો કે ન પાળો, જો તમે સક્રિય રહેતા હોય તો તમે સ્વસ્થ રહી શકો છો."
આ સંશોધનના વરિષ્ઠ સંશોધક ટોવ ફૉલ કહે છે, "આ સંશોધનને મોટી વસતિ સાથે જોડવામાં આવે તો તે નથી જાણી શકાતું કે ક્યા પ્રકારનાં કૂતરાંઓ બીમારોઓથી બચવામાં મદદરૂપ થાય છે."
તેઓ કહે છે, "એવું પણ બની શકે છે કે કૂતરું પાળનારાં અને ન પાળનારાં લોકોમાં પહેલાથી જ તફાવત હોય અને તેનો અસર આ સંશોધન પર પડી હોય."
"ઉદાહરણ તરીકે એવું શક્ય છે કે જે લોકો પહેલાંથી સક્રિય અને સ્વસ્થ છે, તેમણે જ કૂતરું પાળવાનો વિચાર કર્યો હોય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












