You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પનામા પેપર્સના ઘટસ્ફોટની ફલશ્રુતિ શું?
2016માં પનામા પેપર્સ જાહેર કરવામાં આવ્યાં હતાં. એ ગુપ્ત દસ્તાવેજોનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ હતો.
વિશ્વમાં સૌથી ગુપ્ત રીતે કામ કરતી કંપનીઓમાં પનામાની કાયદા કંપની મોઝેક ફોન્સેકાનો સમાવેશ થાય છે. મોઝેક ફોન્સેકામાંથી 1.10 કરોડ દસ્તાવેજો લીક થયા હતા.
તમને આ પણ વાંચવું ગમશે :
આ સ્ટોરી દુનિયા સમક્ષ લાવેલા પત્રકારો સાથે બીબીસીએ વાત કરી હતી.
સૌથી પહેલી અસર શું થઈ હતી?
પનામા પેપર્સ બહાર પડ્યાં પછી સૌથી પહેલાં આઈસલેન્ડના વડાપ્રધાન સિગમંડુર ગનલોગસને રાજીનામું આપવું પડ્યું હતું.
ગનલોગસન અને તેમનાં પત્ની વિદેશમાં એક કંપની ધરાવતાં હોવાનું એ પેપર્સ દર્શાવતાં હતાં. સંસદમાં સોગંદ લેતા પહેલાં ગનલોગસને એ વિશે કોઈ માહિતી આપી ન હતી. એટલે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિન અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ મની લોન્ડરિંગમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ એ પેપર્સમાં કરવામાં આવ્યો હતો.
એ આક્ષેપને નકારી કાઢવા બન્ને નેતાઓએ તેમના રાષ્ટ્રો સમક્ષ ચોખવટ કરવી પડી હતી. બ્રિટનમાં તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરોન માટે રાજકીય શરમિંદગી સર્જાઈ હતી.
ડેવિડ કેમરોને કબૂલ્યું હતું કે તેમના સદગત પપ્પા ઈયાને કાયદેસર રચેલા વિદેશી ફંડમાંથી તેમના પરિવારને લાભ મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પનામા પેપર્સમાં જેમના નામો જાહેર કરવામાં આવ્યાં હતાં એ લોકોએ નિયમોનો ભંગ કર્યો હતો કે કેમ તેની તપાસ અમેરિકા અને યુરોપ તથા એશિયાને દેશોએ શરૂ કરી હતી.
આ સમગ્ર પ્રકરણ દરમ્યાન મોઝેક ફોન્સેકા ભારપૂર્વક જણાવતી રહી હતી કે તેણે કોઈ ગેરકાયદે કામ કર્યું નથી.
કઈ રીતે થયો હતો ઘટસ્ફોટ?
આ ઘટસ્ફોટના સુત્રધાર બેસ્ટિયન ઓબેરમેયર અને ફ્રેડરિક ઓબેરમાઈર નામના બે પત્રકાર હતા.
2014ની એક રાતે બેસ્ટિયન ઓબેરમેયર તેમના એક બિમાર બાળકની સંભાળ લઈ રહ્યા હતા ત્યારે તેમને એક સંદેશો મળ્યો હતો. તેમાં સવાલ કરવામાં આવ્યો હતો કે ''મહત્વની ડેટા (માહિતી) મેળવવામાં રસ છે?''
એ ડેટા મોઝેક ફોન્સેકા અને તેણે પૈસાદાર લોકો માટે રચેલી શેલ કંપનીઓ વિશેના લાખ્ખો દસ્તાવેજોનો હતો.
આ ઘટસ્ફોટ કરનારા (વ્હીસલબ્લોઅર) ખુદને જોન ડો તરીકે ઓળખાવતા હતા અને તેમની ઓળખ ગુપ્ત રહી હતી.
બન્ને પત્રકારોને એક દિવસ હજ્જારો ફાઈલો મળી હતી. વિદેશમાં સ્થાપવામાં આવેલી લાખો કંપનીઓ વિશેની માહિતી મળતાં બન્ને પત્રકારો ગદગદીત થઈ ગયા હતા.
તેમણે બીબીસી સહિતના પત્રકારોના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અને જગતભરના પત્રકારોની ટીમોને આ કામમાં સાંકળી હતી.
તેઓ શું માને છે?
પનામા પેપર્સ બહાર પાડ્યાના આઠ મહિના પછી બેસ્ટિયન અને ફ્રેડરિકને પૂછવામાં આવ્યું હતું કે આ ઘટસ્ફોટ વડે તમે શું હાંસલ કર્યું?
ફ્રેડરિક ઓબેરમાઈર બીબીસીને જણાવ્યું હતું, ''અમે ઈન્ટરનેશનલ કોન્સોર્શિયમ ફોર ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ (આઈસીઆઈજે) સાથે મળીને ફોલો-અપ કર્યું હતું.
અમને જાણવા મળ્યું હતું કે વિશ્વના 79 દેશોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. વિશ્વના 6,500 કરદાતાઓ અને કંપનીઓમાં તપાસ કરવામાં આવી હતી.
મોઝેક ફોન્સેકાએ તેની નવ ઓફિસો બંધ કરી દીધી હતી. મોઝેક ફોન્સેકાએ તેના પનામાસ્થિત વડામથકની બહારનું સાઈન બોર્ડ પણ ઉતારી લીધું હતું.''
ફ્રેડરિક ઓબેરમાઈરે જણાવ્યું હતું કે વિદેશમાં સ્થાપવામાં આવેલી શેલ કંપનીઓનો ઉપયોગ આતંકવાદની મદદ માટે કઈ રીતે થઈ શકે એ પનામા પેપર્સે દર્શાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, ''યુરોપોલે તેમની પોતાની ફાઈલ્સ અને પનામા પેપર્સ વચ્ચે 3,469 સંભવિત સમાનતા શોધી કાઢી હતી એ મારા માટે આશ્ચર્યજનક હતું.
એ પૈકીની 116 ઈસ્લામી આતંકવાદ વિશેના તેમના પ્રોજેક્ટને લગતી જ હતી.''
પૈસાદાર લોકો કરચોરી માટે માત્ર વિદેશમાંની શેલ કંપનીઓનો ઉપયોગ જ નથી કરતા એ આ લીકે પૂરવાર કર્યાની વાત સાથે તેઓ સહમત થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે ગુપ્ત શેલ કંપનીઓનો ઉપયોગ ગુનાઈત પ્રવૃત્તિ માટે પણ થઈ શકે છે પનામા પેપર્સે દર્શાવ્યું છે.
તેમણે કહ્યું હતું, ''પૈસાદાર લોકો કરચોરી માટે વિદેશમાંની શેલ કંપનીઓનો ઉપયોગ કરે છે એ જાણીને મને આઘાત લાગ્યો ન હતો.
ઘણા ગુના આચરવામાં આવ્યા હોવાની વાતથી મને આઘાત લાગ્યો હતો. કોઈક કંઈક છૂપાવવા માગતું હોય છે એ કારણે મોટાભાગની ઓફ્ફશોર કંપનીઓનો ઉપયોગ કરવામાં આવે છે.''
તેમણે એવી દલીલ કરી હતી કે પનામા પેપર્સ જાહેર થવાને કારણે નક્કર ફેરફાર થયા હતા.
તેમણે કહ્યું હતું, ''જર્મનીમાં ઘણું બદલાયું છે. અમારા નાણા પ્રધાને નવો પનામા કાયદો બનાવ્યો છે અને પનામા પણ વધારે ફેરફાર માટે તૈયાર થયું છે.
કેટલાક દેશોએ શેલ કંપનીઓના લાભાર્થીઓ માટે નોંધણીની જાહેરાત કરી છે અને કેટલાક અન્ય એ દિશામાં પહેલીવાર આગળ વધી રહ્યા છે.
કરચોરીનું સ્વર્ગ ગણાતા દેશો પર અભૂતપૂર્વ દબાણ છે અને એ પનામા પેપર્સ જાહેર થવાને કારણે થયું છે. પનામા પેપર્સે સમસ્યા પર પ્રકાશ ફેંક્યો છે.
અલબત, કરચોરોને મદદ કરતો ઉદ્યોગ હજુ ધમધમે છે. તેમાં કશું બદલાયું નથી. તેમની પાસે જબરી વગ, સત્તા અને લોબી ગ્રુપ્સ છે.
વિદેશમાં શેલ કંપનીઓ રચવાનો અંત આવે એવું અમે નથી માનતા, પણ એ પ્રક્રિયા મર્યાદિત થયાનું જરૂર લાગે છે.''
શું છે સંભવિત ઉકેલ?
કરચોરીના દૂષણ પર પૂર્ણવિરામ મૂકવા બન્ને પત્રકારો લાભાર્થી માલિકોનું વૈશ્વિક રજિસ્ટર બનાવવાની હિમાયત કરે છે. એક સંભવીત માલિક એક કંપની અને તેના નફા પર નોંધપાત્ર અંકુશ ધરાવે છે.
પત્રકાર અને 'ધ ગ્રેટ ટેક્સ રોબરી'ના લેખક રિચર્ડ બ્રૂક્સ પનામા પેપર્સ પત્રકારો કરતાં વધારે નિરાશાવાદી છે. તેમણે કહ્યું હતું, ''તમે ગમે તેવું રજિસ્ટર બનાવો. તમારે તેને કાયદેસરનું બનાવવું પડશે.
તેની તપાસ કરી શકે તેટલા સ્રોત ધરાવતી કાયદેસરની એજન્સીની રચના કરવી પડશે. મની લોન્ડરિંગ કરતા લોકો અને ગુનેગારો તેમાંથી છટકબારી શોધી જ કાઢશે.''
તેમણે ઉમેર્યું હતું, ''કરચોરીનું સ્વર્ગ બનેલા દેશોની ગુપ્તતાની જાળ ભેદવાના પ્રયાસોને પનામા પેપર્સને કારણે બળ જરૂર મળ્યું છે.
અલબત, એ પૂરતું નથી. કેટલાક પારોઠનાં પગલાં પણ ભરી રહ્યા છે. દાખલા તરીકે, બ્રિટનમાં કરચોરીનું સ્વર્ગ ગણાતા કેટલાક પ્રદેશોએ જ તેમની શેલ કંપનીઓની માલિકી વિશે કોઈ ખુલાસો કર્યો નથી.
માહિતીની આપલેના આંતરરાષ્ટ્રીય નિયમો સંપૂર્ણપણે પારદર્શક નહીં બને ત્યાં સુધી કરચોરીને પ્રોત્સાહન આપતા દેશો પર લગામ તાણવી શક્ય નથી.''
પારદર્શકતા સ્થાપવાના પ્રયાસોને હતોત્સાહ કરવામાં આવી રહ્યા છે.
દાખલા તરીકે, પોતાના વિવિધ સભ્ય દેશોના વિરોધ પછી યુરોપિયન યુનિયને સંભવિત માલિકોના પબ્લિક રજિસ્ટરની યોજના બાબતે સમાધાન કરવું પડ્યું છે.
પનામા પેપર્સના ઘટસ્ફોટને પરિણામે દુનિયાભરમાં લેવામાં આવી રહેલાં પગલાંઓની અસરકારકતા વિશે હજુ પણ શંકા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો