રખાઈનમાં ખાતે હિંદુઓની સામુહિક કબર મળી-મ્યાનમાર સરકાર

મ્યાનમાર સરકાર જણાવ્યા મુજબ દેશના રખાઈન પ્રાંતમાં એક સામૂહિક કબર મળી આવી છે.

આ કબરમાં 28 લોકોના મૃતદેહો છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે.

મ્યાનમારનો આ એજ રખાઈન પ્રાંત છે જ્યાંથી હાલના સમયમાં રોહીંગ્યા મુસલમાનો હિજરત કરી રહ્યા છે.

સરકારના જણાવ્યા મુજબ કબરમાં રહેલા મૃતદેહ હિંદુઓના છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની હત્યા રોહિંગ્યા ઉગ્રવાદીઓએ કરી છે.

મ્યાનમારના રખાઈન પ્રાંતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયેલો છે અને મ્યાનમાર સરકાર દ્વારા કરવામાં આવેલા આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

મ્યાનમારમાં આશરે એક મહિના અગાઉ રોહીંગ્યા ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા. જે બાદ મ્યાનમારની સેનાએ તેમની સામે ઓપરેશન શરૂ કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે સેનાના આ અભિયાનને 'જાતીય હિંસા' તરીકે વર્ણવી હતી.

લશ્કર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે ચાર લાખ ત્રીસ હજારથી પણ વધારે રોહિંગ્યા મુસલમાનો મ્યાનમારમાંથી હિજરત કરી ગયા છે અને બાંગ્લાદેશમાં આશરો લીધો છે.