ઇરમા અમેરિકા પર ત્રાટકવાની તૈયારીમાં

કેરેબિયન ટાપુઓ પર વિનાશ વેરનાર ચક્રવાતી તોફાન ઇરમાને લઇ હવે અમેરિકામાં ભયનો માહોલ છે. અમેરિકાના ફેડરલ ઇમર્જન્સી એજન્સીના પ્રમુખ બ્રૉક લૉન્ગએ કહ્યું છે કે ઇરમા ફ્લોરિડા અથવા તો તેના પાડોશી રાજ્યો માટે વિનાશક સાબિત થશે.

બ્રૉકે જણાવ્યું છે કે ફ્લોરિડાના કેટલાંક ભાગોમાં કેટલાક દિવસો માટે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. ફ્લોરિડામાં પાંચ લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે.

હવે ઇરમા પાંચમી શ્રેણીમાંથી ચોથી શ્રેણીનું વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે.

અમેરિકાના હવામાન વિભાગ અનુસાર ઇરમા ફ્લોરિડા પહોંચતા કલાક દીઠ 270 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

ફ્લોરિડા ગવર્નર રિક સ્કૉટે કહ્યું છે, "ઘર તમે ફરીથી બનાવી શક્શો, જીવન નહીં."

ઇરમાએ કેરેબિયન ટાપુઓ પર ભારે નુકસાન પહોંચાડ્યું છે. એક કરોડ 20 લાખ લોકો આ વાવાઝોડાંથી અસરગ્રસ્ત થયા છે.

ફ્રાંસના ગૃહ પ્રધાન ગેરાર્ડ કોલોંબે જણાવ્યું છે કે સેન્ટ માર્ટિનના ફ્રેન્ચ વિસ્તારમાં નવ લોકોના મૃત્યુ અને સાત લોકો ગુમ થયા છે.

ઇરમા હાલ ક્યાં અને આગળ ક્યાં જશે?

ટર્ક્સ એન્ડ કેઇકોસ ટાપુથી આગળ થઇ ડોમિનિકન રીપબ્લિક અને હૈતીમાં ઇરમાની અસર ભારે વરસાદ સાથે દેખાઈ છે. ક્યૂબા અને બહામાસમાં પણ અસર દેખાઈ છે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર ક્યૂબાથી આશરે 50 હજાર પ્રવાસીઓ જતા રહ્યાં છે અથવા જઇ રહ્યાં છે.

દક્ષિણ ફ્લોરિડામાં ઇરમાને કારણે ઘણાં અઠવાડિયા કે મહિનાઓ સુધી જીવન અસ્તવ્યસ્ત રહેવાની અમેરિકાના હવામાન વિભાગે આશંકા જતાવી છે.

ડૉનાલ્ડ ટ્રંપનો દાવો છે, "ફ્લોરિડા પૂરી રીતે તૈયાર છે, જોવાનું એ છે કે થાય છે શું"

ફ્લોરિડાના એટલાન્ટિક કિનારા બાદ ઇરમા જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં પહોંચવાની પણ પૂરી સંભાવના છે.

જ્યોર્જિયાના ગવર્નરે જણાવ્યું છે કે સ્થાનિક સમય અનુસાર શનિવારે રાજ્યના એટલાન્ટિકના કાંઠા ખાલી કરાવવાનું શરૂ કરાશે.

હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાઇ રહ્યાં છે એટલે રસ્તાઓ અને એરપોર્ટ પર ટ્રાફિક વધ્યો છે.

વધુ વાવાઝોડાનો છે ભય?

ઇરમા બાદ એટલાંટિકમાં શરૂ થયેલું હોસે વાવાઝોડું ચોથી શ્રેણીમાં પ્રવેશી ચૂક્યું છે. જેની સાથે 240 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

ઇરમાના રસ્તે જ તે આગળ વધી રહ્યું હોવાથી રાહતકાર્યમાં પણ પરેશાની થઇ રહી છે.

તો આ તરફ મેક્સિકો ખાડીમાં પણ ત્રીજું ચક્રવાત ઉદભવ્યું છે. પણ તે હોસે અને ઇરમા જેટલું શક્તિશાળી નથી.