ગુજરાતમાં હીટ વેવની આગાહી : માર્ચ મહિનામાં આટલી ભારે ગરમી કેમ પડી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો કેર શરૂ થઈ ગયો છે અને હવામાનવિભાગે બે દિવસ માટે હીટ વેવની આગાહી કરી છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીના મધ્યગાળાથી જ ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસની ઉપર જતો રહ્યો હતો. આ વચ્ચે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે થોડાક સમય માટે ગરમીમાંથી આરામ અપાવ્યો હતો. પરંતુ હવે આગામી બે દિવસ સુધી હીટ વેવની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.
આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ કચ્છ, મહારાષ્ટ્ર અને કોકણના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ માટે ઍલર્ટ જાહેર કરવી પડી હતી.
તે સમયે જ આગાહી કરવામાં આવી હતી કે માર્ચ મહિનાના પ્રારંભિક દિવસોમાં ઘણા વિસ્તારોમાં હીટ વેવ જોવા મળી શકે છે.
ત્યારે ગુજરાતમાં માત્ર 15 દિવસના ગાળામાં કમોસમી વરસાદ અને બાદમાં હીટ વેવ માટેની ઍલર્ટના શું કારણો હોઈ શકે અને આવનારા દિવસોમાં તેની શું અસર જોવા મળશે?

ગુજરાતમાં ગરમી વહેલી કેમ શરૂ થઈ ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી મહિનાથી જ ઉનાળા જેવી ગરમી પાછળનું સૌથી મોટું કારણ નબળાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ભારતમાં ચોમાસા બાદ થયેલો ઓછો વરસાદ છે.
ભૂમધ્ય સાગર પરથી ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી થઈને હવામાનની જે સિસ્ટમો ભારત સુધી પહોંચે છે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે.
ભારતના હવામાન વિભાગે આ મામલે જાણકારી આપતાં કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં મજબૂત રીતે સક્રિય હોય તેવાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યાં ન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્કાયમેટ વેધરના મહેશ પલાવતનું કહેવું છે કે આ સિસ્ટમો સતત આવી રહી છે પરંતુ નબળી હોવાને કારણે તેની અસર વધારે થતી નથી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સહિત હિમાલયના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે છે. જો આ સિસ્ટમ ખૂબ મજબૂત હોય તો ગુજરાતમાં પણ માવઠું થાય છે. જે આ વર્ષે થયું નહીં અને જેના કારણે ઉત્તર ભારતમાં વરસાદ ઓછો પડ્યો.
ઓછી બરફવર્ષા અને ઓછો વરસાદ તો બીજી તરફ સ્વચ્છ આકાશને કારણે સૂર્યનાં કિરણો સતત જમીન પર પડતાં રહ્યાં જેના કારણે જમીન તપતી રહી અને ગરમીની શરૂઆત વહેલી થઈ ગઈ.
બીજું કારણ એ છે કે થોડા દિવસો પહેલાં જ એક ઍન્ટિસાયક્લૉન સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર હતી. આ સિસ્ટમમાં પવનો ઘડિયાળના કાંટાની જેમ ગોળ ગોળ ફરે છે. જેના કારણે જમીન પરથી આવતા પવનો ગુજરાત તરફ આવ્યા.
ગુજરાતમાં પવનની દિશામાં ફેરફારો થયા. એટલે કે જે પવનો ઉત્તર ભારત તરફથી ગુજરાત પર આવતા હતા તે બંધ થયા અને પાકિસ્તાન તરફથી ખુલ્લી જમીન પરથી પવનો આવતા થયા.
આ ગરમ પવનોને કારણે ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ. બીજી તરફ ઉત્તર ભારતના બર્ફીલા પ્રદેશો પરથી પવનો આવ્યા જ નહીં એટલે ગરમી એટલી વધી ગઈ કે ગુજરાતમાં ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો.

અરબ સાગરમાં થયેલો ફેરફાર જેણે ગરમી વધારી

દક્ષિણ ગુજરાત પર રહેલી ઍન્ટિસાયક્લૉન સિસ્ટમ આગળ વધીને અરબ સાગર સુધી પહોંચી ગઈ અને તે વિખેરાઈ નહીં. જેથી અરબ સાગર પરની એ સિસ્ટમે પણ ગુજરાતમાં ગરમી વધારી.
હવામાન વિભાગનું કહેવું છે કે 13-20 ફેબ્રુઆરીના એ ગાળામાં સી બ્રિઝ, ગુજરાતીમાં જેને આપણે દરિયાઈ લહેરો કહીએ છીએ તે નબળી હતી. બીજી તરફ લૅન્ડ બ્રિઝ એટલે કે જમીની લહેરો મજબૂત હતી જેથી ગરમીમાં વધારો થયો.
જમીન વધારે ગરમ હોય ત્યારે હવા ઉપર ઊઠે છે અને તે તરફ દરિયા પરથી હવા આવે છે. આ હવા એટલે કે દરિયાઈ લહેરો ગરમીમાં રાહત આપે છે.
પરંતુ આ વખતે તે નબળી હોવાના કારણે મહારાષ્ટ્ર, કોકણ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીમાં રાહત મળી નહીં. બીજી તરફ ગુજરાતમાં જે સિસ્ટમ હતી તેણે પણ ભાગ ભજવ્યો.

હીટ વેવ એટલે શું?

ઇમેજ સ્રોત, ANI
સરળ શબ્દોમાં સમજીએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં આપણે જેને લૂ પડવી કહીએ તે હીટ વેવ છે. જ્યારે તાપમાન જે વિસ્તારોમાં રહેતું હોત તેના કરતાં વધારે વધી જાય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે.
ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે.
હીટ વેવની જાહેરાત ત્યારે કરવામાં આવે જ્યારે સામાન્ય તાપમાનાં એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 4.5થી 6.4 ડિગ્રી સુધીનો વધારો જોવા મળે.
સિવર હીટ વેવ એટલે કે અતિ લૂની ચેતવણી ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે સામાન્ય તાપમાનમાં 6.4 ડિગ્રી કરતાં વધારે વધારો જોવા મળે.
ગુજરાતમાં 13થી 20 ફેબ્રુઆરીની વચ્ચે ભૂજમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જેના કારણે હીટ વેવની ચેતવણી જારી કરવી પડી હતી.

ગરમી જલદી આવતાં તેની શું અસર થશે?
ભારતનો હવામાન વિભાગ સમયાંતરે અનેક પ્રકારની ચેતવણી જારી કરતો હોય છે. જેમાં ખેડૂતો માટે પણ તે માર્ગદર્શન કે ચેતવણી જારી કરે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે વહેલી શરૂ થયેલી ગરમી ઘઉં જેવા પાકો પર ખૂબ અસર કરીશ શકે છે અને તેના કારણે ઘઉંના ઉત્પાદન પર પણ અસર કરી શકે છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં ઘઉંનો પાક વધારે લેવામાં આવે છે. આ સિવાય ખેતીના અન્ય પાકો પર પણ ભારે ગરમીની અસર થવાની સંભાવના છે.
હીટ વેવ લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે અને લૂ લાગવાથી અનેક લોકો બીમાર પણ પડી શકે છે.

લૂ કે હીટ વેવથી બચવા શું કરવું?

હીટ વેવ અથવા લૂ માણસ સહિત અનેક જીવોને અસર કરે છે. હીટ વેવના કારણે શરીરમાં પાણીની ઘટ, થાક લાગવો, નબળાઈ આવવી, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઊલટી, આંતરડામાં દુખાવો, પરસેવો થવો અથવા હીટ સ્ટ્રોક થઈ શકે છે.
હીટ વેવના કારણે માનસિક તણાવ પણ વધી શકે છે. લૂ લાગવાનાં લક્ષણોમાં ગરમીથી શરીર જકડાઈ જવાથી માંડીને તાવ પણ આવી શકે છે.
જો શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો ઍટેક આવી શકે છે અને માણસ કોમામાં પણ જઈ શકે છે.
ગરમીના કારણે શરીરમાંથી પ્રવાહી ખૂબ જ ઝડપથી ઓછું થાય છે. જેથી વધુ પાણી પીવું જોઈએ. ગરમીમાં વાસી ખોરાક ટાળીને તાજો ખોરાક લેવો જોઈએ. ચામડીની સુરક્ષા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ.
દિવસ દરમિયાન બહાર જવાથી બચવું જોઈએ. ગરમીના દિવસોમાં સૂર્યનાં કિરણો ખૂબ જ હાનિકારક હોય છે. હળવા રંગનાં સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ અને શક્ય હોય તો તડકામાં જવાનું ટાળવું જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














