ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુખ્ય ચહેરા, કોણ આગળ, કોણ પાછળ?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ આજે પરિણામ આવશે.

ભાજપ, કૉંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ખૂબ જોર લગાવ્યું છે. આમ તો ભાજપે નરેન્દ્ર મોદીના ચહેરા પર મુખ્યતવે ચૂંટણી લડી, કૉંગ્રેસમાં રાહુલ ગાંધીએ બહુ જ સીમિત પ્રચાર કર્યો અને આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્ય મંત્રીપદનો ચહેરો જાહેર કર્યો, પરંતુ ગુજરાતમાં અનેક મુખ્ય ચહેરાઓ છે જેમની પર સૌની નજર છે.

મોટા ચહેરાઓની સ્થિતિ

ખંભાળિયા બેઠક પરથી 'આપ'ના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી વારંવાર આગળ-પાછળ ચાલતા આખરે 16 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.

આ બેઠક પર કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવાર આહિર સમાજના હોવાથી અને આહિર જ્ઞાતિના વર્ચસ્વવાળી બેઠક હોવાથી શરૂઆતના તબક્કે ઈસુદાનને ફાયદો થયો હતો.

વિરમગામ બેઠક પર હાર્દિક પટેલની જીત પાક્કી, 34 હજાર જેટલા મતે આગળ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 39 વિરમગામ બેઠક હાઈપ્રોફાઈલ બેઠક બની ગઈ હતી.

આ બેઠક પર પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દીક પટેલ ભાજપનો ચહેરો બન્યા હતા.

મજુરા બેઠકના ભાજપના ઉમેદવાર અને સૌથી નાની ઉંમરે ગુજરાત સરકારમાં મોટી ભૂમિકા સંભાળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી એક લાખ કરતાં વધુ મતે આગળ છે. બપોરે એક વાગ્યા સુધીના વલણ અનુસારનું આ વલણ છે.

તેમણે 1 લાખ 32 હજાર કરતાં વધુ મતો મેળવ્યા છે.

જ્યારે બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવી શર્માને 16 હજાર કરતા વધુ મળ્યા છે.

કતારગામ બેઠક પર 'આપ' પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પાછળ

પાટીદાર પ્રભુત્વવાળી મનાતી સુરતના કતારગામ વિધાનસભાની ચૂંટણી પર સૌની નજર હતી. કેમકે અહીંથી 'આપ' પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા લડી રહ્યા હતા. જોકે તેઓ હારવા તરફ વધી રહ્યા છે.

બપોરના ત્રણ વાગ્યાના વલણ અનુસાર, ગોપાલ ઈટાલિયાને 55 હજાર મતો મળ્યા હતા. જ્યારે વિજેતા બનવા જઈ રહેલા વિનોદ મોરડિયાને 1 લાખ 20 હજાર કરતા વધુ મતો મળ્યા હતા. વિનોદભાઈનો મત હિસ્સો 58 ટકા કરતા વધુ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાનો મત હિસ્સો માત્ર 27 ટકા જેટલો રહ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો