You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : 'પાણીમાં ખાબક્યા અને અમે મોતનો નજારો જોયો', બચી ગયેલા યુવકની આપવીતી
"અમે સાંજના સમયે ત્રણ લોકો, હું અને મારા બે ભત્રિજા પુલ પર ફરવા માટે ગયા હતા. અમે પુલની વચ્ચે પહોંચ્યા ત્યારે પુલ માણસોથી ભરાઈ ગયો હતો. એવામાં પુલ હલવા લાગ્યો અને વચ્ચેથી તૂટતાં અમે બધા નીચે પાણીમાં જઈ પડ્યા. પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે અમે મોતનો નજારો જોઈ લીધો હતો. "
"હું હળવે હળવે ઉપર આવ્યો ત્યારે મારા હાથમાં તાર આવી ગયો હતો. એવામાં તરવૈયાઓએ આવીને મને બહાર કાઢ્યો હતો."
આ શબ્દો જિગર સોલંકીના છે. જિગર સોલંકી તો મોરબી પુલની દુર્ઘટનામાં જેમતેમ કરીને બચી ગયા પણ એમના ભત્રિજાની ભાળ નથી.
મોરબીમાં રવિવાર સાંજે જાણીતો ઝૂલતો પુલ તૂટી પડતાં 140થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને હજુ પણ બચાવકામગીરી ચાલુ છે. મોરબીના આ તૂટેલા પુલને 'ફિટનેસ સર્ટિફિકેટ' અપાયું નહોંતું. ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર આ બ્રિજના ઉપયોગ માટે જરૂરી એવું ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા સિવાય જ તેને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. સમારકામ બાદ ખુલ્લા મુકાયેલ પુલ પર દિવાળીની રજાઓના કારણે ભારે સંખ્યામાં લોકો આવ્યા હોવાની વાત સામે આવી હતી અને એવામાં આ ઘટના ઘટી હતી.
આ પુલને સાત મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં જ 26 ઑક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજની આપવિતી
તો રાજકોટના રહેવાસી દિનેશ પરમારે ઘટનાસ્થળે પહોંચી આંખે જોયેલું દૃશ્ય બીબીસીને વર્ણવતાં જણાવ્યું હતું, "મને મોરબીના પુલ તૂટવાના સમાચાર મળ્યા હતા. આ દુર્ઘટનામાં અમારા સંબંધીનો છોકરો સાગર સાગઠિયા પણ ગુમ થયો હોવાના એવા સમાચાર મળતાં અમે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. "
તેમણે ઉમેર્યું હતું, "પરિસ્થિતિ ઘણી ખરાબ છે, ઍમ્બ્યૂલન્સની અવર-જવર થઈ રહી છે. માણસો આમ-તેમ દોડી રહ્યા છે. કઈ વ્યક્તિને ક્યાં સારવાર માટે લઈ જવામાં આવી એની કોઈ જાણકારી નથી. કારણ કે પ્રશાસન પણ એટલું જ પાણીમાં ડૂબી ગયું છે એટલે એ લોકો પણ કોને શું કહેવું એ નક્કી કરી શકતા નથી."
'મોરબીના તમામ યુવાનો સ્વયંસેવકો બની ગયા છે'
ઘટનાસ્થળે પહોંચેલા કૉંગ્રેસ નેતા લલિત કગથરાએ બીબીસીને કહ્યું કે, "આ અત્યંત દુખદાયક ઘટના છે. રૂવાં ઊભાં કરી દે એવી, કાળજાં કપાવી નાંખે એવી ઘટના છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"નાનાં-નાનાં ભૂલકાઓ રજા માણવા ગયાં હતાં એ જતાં રહ્યાં છે. 2000ના વર્ષમાં જે ભૂકંપ આવ્યો હતો એ પરિસ્થિતિ આજે મોરબી ભોગવી રહી છે. મોરબીના તમામ યુવાનો સ્વયંસેવકો બની ગયા છે અને આ યુવાનો જેમ બને એમ બધાની મદદ કરી રહ્યા છે. "
આ ઘટનામાં બાળકોનાં પણ મૃત્યુ થયાં છે. આ ઘટનાના પગલે સમગ્ર વહીવટી તંત્ર મોરબીમાં બચાવ અને સહાય કામગીરીમાં લાગી ગયું છે.
શું છે સમગ્ર ઘટના?
એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે સાંજે અંદાજે સાડા છ વાગ્યે તૂટી પડ્યો, જેના પગલે અનેક લોકો મચ્છુ નદીમાં તણાયા હતા.
મીડિયા સાથે વાત કરતાં આઈજી અશોક યાદવે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 141 લોકોનાં મોત થયાં છે અને બે લોકોનો હજી પણ પત્તો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.
આ સાથે જ ગુજરાત સરકારે પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને માત્ર ચાર દિવસ પહેલાં 26 ઑક્ટોબરના જાહેર જનતા માટે રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો