મોરબી પુલ દુર્ઘટના : 'મેં 15 મૃતદેહો દોરડાથી બાંધીને બહાર કાઢ્યા' મચ્છુ નદીમાંથી લોકોને બચાવનારની આપવીતી

મોરબી દુર્ઘટના

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ઇમેજ કૅપ્શન, મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે તૂટી પડ્યો છે, જેના પગલે અનેક સહેલાણીઓ મચ્છુ નદીમાં તણાયા હતા.

'મોરબીની મચ્છુ નદી પરનો પુલ તૂટ્યો, એની થોડી જ વારમાં અમે દોરડું લઈને આવી ગયા અને નદીમાંથી 15 મૃતદેહોને બાંધીને બહાર કાઢ્યા.' મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી એ સ્થળથી થોડે જ દૂર રહેતા રમેશભાઈ જિલરિયાના આ શબ્દો છે.

રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.

ગુજરાત સરકારના મંત્રી અને સાંસદો દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 60થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે.

મોરબીમાં આ ઘટના ઘટી એ વખતે કેટલાક લોકો ત્યાં હાજર હતા અને ઘટના બાદ તરત જ તેઓ બચાવકામગીરીમાં લાગી ગયા હતા.

જીવતા લોકોને બચાવવાની સાથે કેટલાક લોકોએ મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતા.

લાઇન
  • પાણીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ
  • મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાને મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
  • ગુજરાત સરકારના મંત્રીઓ બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવી દુર્ઘટનાસ્થળે પહોંચ્યા, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી જવા રવાના
  • એક સદી જૂનો પુલ સમારકામ બાદ દિવાળી પછી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર પહોંચ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
  • અધિકારીઓ મુજબ મોરબીનમાં ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી શકાય.
લાઇન
line

'દોરડાથી બાંધીને મૃતદેહો બહાર કાઢ્યા'

રમેશભાઈ જિલરિયા

ઇમેજ સ્રોત, Ani

ઇમેજ કૅપ્શન, મોરબી દુર્ઘટના બાદ લોકોને બહાર કાઢનારા રમેશભાઈ જિલરિયા

આ દુર્ઘટના બાદ પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢનાર રમેશભાઈ જિલરિયાએ બીબીસીના સહયોગી રાજેશ આંબલિયા સાથે વાત કરતા કહ્યું કે "હું અહીં પાસે જ રહું છું, સાંજે છ સાડા છ વાગ્યા આસપાસ મને ખબર પડી કે આવી દુર્ઘટના ઘટી છે."

"એટલે અમે તરત દોરડું લીધું અને અમે અહીં આવી ગયા, આ દોરડાની મદદથી અમે 15 જેટલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા."

તેઓ ઘટના બાદની સ્થિતિ વર્ણવતા કહે છે કે, "હું આવ્યો ત્યારે 50થી 60 લોકો તૂટી ગયેલા ઝૂલતા પુલ પર લટકી રહ્યા હતા, ધીમે-ધીમે એ લોકોને ઉપર મોકલ્યા હતા."

"એ પછી અમને જેમ-જેમ મૃતદેહો મળતા ગયા, એમ-એમ અમે તેમને દોરડાથી બાંધીને બહાર કાઢ્યા હતા."

"એમાંથી ત્રણ મૃતદેહ નાનાં બાળકોના હતા."

line

'પુલ તૂટ્યો અને અમે લોકોને કાઢવા કૂદી પડ્યા'

આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી સુભાષભાઈએ બીબીસીના સહયોગી રાજેશ આંબલિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "કામથી છૂટીને હું અને મારા મિત્રો અહીં બેઠા હતા."

"પુલ તૂટવાનો જોરદાર અવાજ આવ્યો અને અમે દોડીને આવ્યા અને લોકોને બચાવવામાં લાગી ગયા."

"કેટલાક લોકો તરીને જાતે બહાર આવી રહ્યા હતા પણ કેટલાક લોકો ડૂબી રહ્યા હતા."

"અમે સૌથી પહેલાં નાનાં બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું, એ પછી પાઇપ લીધી અને પાઇપની મદદથી અમે મોટા લોકોને પણ બચાવવાના પ્રયાસ કર્યા."

"અમે આઠ-નવ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને બે મૃતદેહોને બહાર કાઢ્યા હતા."

line

શું છે સમગ્ર ઘટના?

વીડિયો કૅપ્શન, મોરબી : મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં પડ્યા

એક સદી જૂનો મચ્છુ નદી પર ઝૂલતો પુલ રવિવારે તૂટી પડ્યો છે, જેના પગલે અનેક સહેલાણીઓ મચ્છુ નદીમાં તણાયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને વડા પ્રધાન સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા સહાય પેટે આપવાની જાહેરાત કરી છે.

સાંસદ મોહન કુંડારિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું છે કે 60 કરતાં વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની શક્યતા છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું છે કે દુર્ઘટના વખતે 150 લોકો પુલ પર હાજર હતા. સાંજે 6:30 વાગ્યે પુલ તૂટ્યો હતો, બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે.

પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે, "ખૂબ જ દુખદ ઘટના ઘટી છે. ભાજપ સરકાર સામે સવાલો ઊભા થાય છે કે વર્ષો જૂનો પુલ ઘણા સમયથી બંધ હતો."

"નગરપાલિકા અને અન્યોએ એને રિપેર કરવાની જવાબદારી નહોતી લીધી. કોણે જવાબદારી લીધી. કઈ રીતે જવાબદારી લીધી. રિપેરિંગ થયું, તેમાં તજજ્ઞોની ટીમ બનાવીને તેમનો અભિપ્રાય લીધો હતો કે નહીં, જો આવું કર્યું હોત તો આ ઘટના જ ન ઘટત. અને એ કામ નથી કર્યું અને એમાં સેંકડો લોકોના જીવ જવાની શંકા છે, ત્યારે ભાજપે જવાબો આપવા પડશે."

આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે, "મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને શ્રદ્ધાંજલિ તેમજ ઘાયલ વ્યક્તિ જલદી સ્વસ્થ થાય એવી પ્રાર્થના."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન