કેદારનાથ દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ છોકરીઓનાં મોત, હેલિકૉપ્ટર કેવી રીતે ક્રૅશ થયું?

  • પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાનનાં દર્શન માટે ગઈ હતી
  • ભાવનગરમાં રહેતી યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતાં શોકનો માહોલ છવાયો છે
  • આ હેલિકૉપ્ટર આર્યન કંપનીનું છે અને કેદારનાથથી મુલાકાતીઓને લઈને પરત ફરી રહ્યું હતું

ઉત્તરાખંડમાં કેદારનાથ પાસે ગરુડચટ્ટીમાં મંગળવારે એક હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ઘટનામાં પાઇલટ સમેત સવાર બધા સાત લોકોનાં મોત થયાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ રુદ્રપ્રયાગ જિલ્લા આપતા પ્રબંધન અધિકારીઓના હવાલાથી કહ્યું કે હેલિકૉપ્ટરમાં સવાર બધા સાત લોકોનાં મોત થયાં છે.

આ હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ છોકરીનાં પણ મોત થયાં છે. બે પિતરાઈ હતી, જેમાં એકનો આજે જન્મદિવસ હતો.

ભાવનગરથી બીબીસીના સહયોગી નીતિન ગોહેલ જણાવે છે કે જે શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે તેમાં ત્રણ યુવતી ભાવનગરની હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગરમાં રહેતી યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતાં શોકનો માહોલ છવાયો છે.

આ દુર્ઘટના અંગે તંત્ર દ્વારા યુવતીઓના પરિવારજનોને જાણ કરવામાં આવી અને વાત સાંભળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર પાંચ સેકંડ બાદ જ હેલિકૉપ્ટર આગળનો ગોળો બની ગયું હતું.

નજરે નીહારનારે મનોહરસિંહે આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું, "કેદરાનાથમાં ટેકઑફ કર્યાની પાંચ-છ સેકંડમાં આ દુર્ઘટના ઘટી હતી અને કેદારનાથથી બે કિલોમીટર દૂર જઈને એ પર્વત સાથે અથડાઈ ગયું હતું. ભારે ધુમ્મસ હતું એટલે કંઈ દેખાઈ નહોતું રહ્યું. પણ જેવો જ અકસ્માતનો અવાજ આવ્યો કે બધા લોકો એ તરફ દોડ્યા."

એમણે હેલિકૉપ્ટરને આગના ગોળામાં ફેરવાતું પણ જોયું હોવાનો દાવો કર્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાનનાં દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકૉપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી.

કેદારનાથમાં હેલિકૉપ્ટર દુર્ઘટના અંગે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વીટ કરીને દુર્ઘટનામાં અવસાન પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત પરત લાવવા રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે.

તેમજ દુર્ઘટનામાં અવસાન પામેલા ભાવનગરના મૃતકોના પરિજનોને રૂ. ચાર લાખની સહાય આપવાના રાજ્ય સરકારના નિર્ણયનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ લખ્યું, "ઉત્તરાખંડમાં હેલિકૉપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના."

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, કેદારનાથ હેલિપેડ પર તહેનાત સુરક્ષાકર્મી મનોહરસિંહે જણાવ્યું કે હેલિકૉપ્ટર ટેક-ઑફની પાંચથી છ સેકન્ડની અંદર હિમાલય મંદિર પાસે ક્રૅશ થઈ ગયું.

તેમણે કહ્યું કે આર્યન એવિએશન પ્રાઈવેટ લિમિટેડનું હેલિકૉપ્ટર ગાઢ ધુમ્મસની વચ્ચે એક ટેકરી સાથે અથડાયું હતું. ટેક-ઑફની સેકન્ડોમાં હેલિકૉપ્ટર કેદારનાથથી લગભગ બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે ક્રૅશ થયું હતું.

મનોહરસિંહે કહ્યું કે આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે કંઈ દેખાતું નહોતું, પરંતુ દરેક એ દિશામાં ભાગતા હતા, જ્યાંથી અકસ્માતનો જોરદાર અવાજ સંભળાયો હતો. ધુમ્મસ દૂર થયા પછી હેલિકૉપ્ટર જ્વાળાઓમાં દેખાયું અને તેનો કાટમાળ ગરુડચટ્ટીના ઢોળાવ પર વિખરાયેલો હતો.

ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડૅવલપમૅન્ટ ઑથૉરિટી (UCADA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સી. રવિશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં હેલિકૉપ્ટરના પાઇલટ અનિલસિંહનું પણ મૃત્યુ થયું છે. આ સિવાય હેલિકૉપ્ટરમાં સવાર અન્ય છ લોકોનાં પણ મોત થયાં છે.

દેહરાદૂનથી બીબીસીના સહયોગી રાજેશ ડોબરિયાલે માહિતી આપી છે કે આ હેલિકૉપ્ટર આર્યન કંપનીનું છે અને કેદારનાથથી મુલાકાતીઓને લઈને પરત ફરી રહ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો