ગુજરાત વિધાનસભા ચૂંટણી : NOTA એટલે શું અને ક્યારથી તેની શરૂઆત થઈ?

ઇમેજ સ્રોત, Getty Images

- નોટા એટલે નન ઑફ ધી એબાવ... એટલે કે આ પૈકીના કોઈ નહીં...
- વોટિંગ મશીનમાં આ નોટાનો વિકલ્પ લખેલો આપવામાં આવે છે જેના પર તેનું નિશાન પણ હોય છે
- નોટાના વિકલ્પનો સૌપ્રથમ વિચાર વર્ષ 1976માં અમેરિકામાં આવ્યો. જોકે તેનો અમલ આખા અમેરિકામાં ન થઈ શક્યો
- વર્ષ 2009માં નોટાને મતદાનમાં સામેલ કરવા માટે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે નોટાના ઉપયોગના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો

કેટલાંક વર્ષો પહેલાં ભારતમાં ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોમાંથી કોઈ પણ ઉમેદવાર જો મતદાતાને યોગ્ય નહોતા લાગતા તો તે પૈકીના કેટલાક મતદાતા મત આપવા જ નહોતા જતા, જેને કારણે ઘણા મતદાતાઓ પોતાના મતાધિકારથી વંચિત રહી જતા હતા.
પણ હવે ભારતના નાગરિકોને મતદાન કરતી વખતે નોટાનો વિકલ્પ આપવામાં આવે છે. નોટા એટલે નન ઑફ ધી એબાવ... એટલે કે આ પૈકીના કોઈ નહીં...
વોટિંગ મશીનમાં આ નોટાનો વિકલ્પ લખેલો આપવામાં આવે છે જેના પર તેનું નિશાન પણ હોય છે.

NOTAનો ઇતિહાસ
નોટાના વિકલ્પનો સૌપ્રથમ વિચાર વર્ષ 1976માં અમેરિકામાં આવ્યો. જોકે તેનો અમલ આખા અમેરિકામાં ન થઈ શક્યો. જોકે બાદમાં વિશ્વના ઘણા દેશોમાં તેનો કોઈના કોઈ પ્રકારે અને અલગ-અલગ નામે ઉપયોગ શરૂ થયો.

ભારતમાં NOTA
વર્ષ 2009માં નોટાને મતદાનમાં સામેલ કરવા માટે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેથી ભારતના મતદાતાઓને પણ જો અયોગ્ય હોય તો તેવા ઉમેદવારોને પસંદ ન કરવાની આઝાદી મળે.
ચૂંટણીપંચે ઇવીએમ સાથે નોટા વિકલ્પ જોડવાની વકીલાત કરી. જોકે તત્કાલીન સરકાર અને અન્ય કેટલાક રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો તેને કારણે તે વખતે ભારતના મતદાતાઓને આ વિકલ્પ ના મળી શક્યો.
પણ પછી વર્ષ 2013માં નોટાને લઈને સુપ્રીમ કોર્ટે નોટાના ઉપયોગના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો.
ત્યાર બાદ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેનો પહેલી વાર ઉપયોગ થયો અને તે વખતે 15 લાખ લોકોએ નોટાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. પછી વર્ષ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીથી તેનો ઉપયોગ આખા દેશમાં શરૂ થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

NOTAથી પરિણામ બદલાશે?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપંચે સ્પષ્ટ કરી દીધું છે કે નોટામાં ગમે તેટલા વોટ પડે પણ એ જ ઉમેદવાર જીતશે જેને સૌથી વધુ મતો મળ્યા છે.
જે ઉમેદવારને સૌથી વધુ મતો મળ્યા હોય તેના કરતાં પણ નોટાના વોટની સંખ્યા વધુ હોય તો પણ સૌથી વધુ મતો મેળવનાર ઉમેદવાર જ વિજેતા જાહેર થશે.

NOTAનું ચિહ્ન
ઇવીએમ પર જે મતપત્રક હોય છે તેમાં એક ક્રૉસનું ચિહ્ન હોય છે. જો નોટાનો ઉપયોગ કરવા માગતા હોય તેવા મતદાતા આ ક્રૉસના ચિહ્ન પર રહેલું બટન દબાવે છે.
આ ચિહ્નને 18 સપ્ટેમ્બર 2015ના રોજ ચૂંટણીપંચે પસંદ કર્યું હતું. તેની ડિઝાઇન અમદાવાદની જાણીતી સંસ્થા એનઆઇડીએ તૈયાર કરી હતી.

કયા કયા દેશોમાં લાગુ છે NOTA?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં અલગઅલગ નામોના માધ્યમથી આ વિકલ્પ મતદાતાઓને આપવામાં આવે છે.
અમેરિકામાં તે સીમિત છે. તો કોલંબિયા, યુક્રેન, બાંગ્લાદેશ, સ્પેન, ગ્રીસ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં તેને શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ ત્યાં તેનો ઉપયોગ નથી થતો. રશિયામાં તે શરૂ થયો હતો પરંતુ 2006માં આ ઉપયોગને બંધ કરી દેવાયો.

49-O અને NOTAમાં શું ફરક છે?
બૅલેટ પેપરથી મતદાન થતું હતું ત્યારે પણ જો મતદાતા કોઈને પણ વોટ ન આપવા માગતા હોય તો તેમની પાસે બૅલેટ પેપર ખાલી જોડવાનો અધિકાર હતો.
જો મતદાતા ચૂંટણીપંચના નિયમ 49-ઓનો ઉપયોગ કરવા માગે તો તેમણે ફૉર્મ 17એમાં પોતાની સહી કરવાની હોય છે અને પછી ચૂંટણી અધિકારીને એમ કહેવાનું હોય છે કે તેઓ પોતાનો મત નથી આપવા માગતા.
ત્યાર બાદ ચૂંટણી અધિકારીએ ફૉર્મ 17માં લખવાનું રહે છે કે મતદાતાએ મત આપવાનો ઇન્કાર કર્યો. ત્યાર બાદ ફરી મતદાતાએ તેના પર સહી કરવાની રહે છે.
જોકે આ 49ઓના ઉપયોગથી જે મતદાતા પોતાના મતાધિકારનો પ્રયોગ નથી કરવા માગતા તેમની ઓળખ છતી થઈ જતી હતી. તેની સરખામણીએ નોટાના ઉપયોગથી મતદાતાની ઓળખ છતી નથી થતી.
આમ નોટાનો વિકલ્પ મળવાથી એ લોકોને પોતાના મતનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો, જેઓ પોતાના પસંદના ઉમેદવાર ન હોવાને કારણે પોતાના મતાધિકારના ઉપયોગથી વંચિત રહી જતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













