ગુજરાતી કૉમેડિયન પરાગ કંસારાનો આર્થિક સંકડામણે જીવ લીધો?

ઇમેજ સ્રોત, PARAG KANSARA/FACEBOOK
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- વડોદરાના રહેવાસી પરાગ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શોમાં આવતા પહેલાં તેમણે પોતાનું જીવન અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું. ઘરનો ખર્ચો ચલાવવા માટે તેમણે ગુજરાતના પ્રખ્યાત જાદુગર 'જાદુગર મંગલ' સાથે કામ કર્યું હતું
- તેમનાં પુત્રી ગ્રીવા ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલાં છે. થિયેટર અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમનો પુત્ર સંતુષ્ટ ડાન્સર છે
- તેમણે બાળકોના સારા ઉછેર માટે લોન લીધી, જેના માટે તેઓ દિવસ-રાત મહેનત કરતા રહ્યા. પરંતુ ધીમેધીમે તેમની તબિયત બગડતી ગઈ.

તાજેતરમાં જ જાણીતા હાસ્ય અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું હતું અને હવે ફરી એક વાર હાસ્યજગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. પોતાની અનોખી સ્ટાઇલથી લોકોને હસાવનાર જાણીતા હાસ્યકાર પરાગ કંસારા હવે આ દુનિયામાં નથી રહ્યા.
તેમના મૃત્યુના સમાચાર તેમના ચાહકો માટે આઘાતજનક છે. પરાગ કંસારાએ સૌથી પહેલા શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'ની પ્રથમ સિઝનમાં પોતાની કળાનો જાદુ બતાવ્યો હતો. આ શોથી જ તેમને ઓળખ મળી હતી.
વડોદરાના રહેવાસી પરાગ ખૂબ જ આનંદી વ્યક્તિ હતા, તેમના જોક્સ અને તેમની અનોખી શૈલી બધાને ગમતી હતી.
હાસ્ય અભિનેતા સુનીલ પાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમને યાદ કરતા કહ્યું, "પરાગજી મારા મોટા ભાઈ હતા. તેમની આ રીતે વિદાયથી ખૂબ જ દુઃખી છું. હાસ્યજગતને કોની નજર લાગી ગઈ, ખબર નથી પડતી."
"આપણે થોડા દિવસો પહેલાં જ 'ભાભીજી ઘર પર હૈ'ના અભિનેતા દીપેશ ભાન અને પછી સૌના પ્રિય રાજુભાઈને ગુમાવ્યા છે. આપણે એક પછી એક કૉમેડિયન ગુમાવી રહ્યા છીએ."

'પરાગ સારા જાદુગર પણ હતા'
સુનીલ પાલ કૉમેડિયન પરાગ કંસારાને યાદ કરતા કહે છે કે "પરાગજીએ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. તેમનું આખું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શોમાં આવતા પહેલાં તેમણે પોતાનું જીવન અત્યંત ગરીબીમાં વિતાવ્યું હતું."
"ઘરનો ખર્ચો ચલાવવા માટે તેમણે ગુજરાતના પ્રખ્યાત જાદુગર 'જાદુગર મંગલ' સાથે કામ કર્યું હતું."
જાદુગર મંગલના શોમાં તેઓ કૉમેડી કરતા હતા. ક્યારેક જાદુ બતાવવાનો પણ મોકો મળતો તો તેઓ જાદુ બતાવવાનું કામ પણ કરી લેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનીલ કહે છે કે તેઓ જેટલી સારી કૉમેડી કરતા હતા તેટલા જ સારા જાદુગર પણ હતા.
પરાગ કંસારાના પરિવારમાં તેમનાં પત્ની મીના અને તેમનાં બે બાળકો પુત્ર સંતુષ્ટ કંસારા અને પુત્રી ગ્રીવા કંસારા છે. પરાગ અને તેમનાં પત્ની મીનાની મુલાકાત જાદુગર મંગલને ત્યાં થઈ હતી. તેમનાં પત્ની પણ આ જ કામ કરતાં. તેઓ પણ જાદુના શો કરતાં હતાં.
'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શોમાં પહેલી વાર તેમને નેશનલ ટેલિવિઝનમાં પોતાનું કૌશલ્ય બતાવવાનો મોકો મળ્યો. આ શોથી તેમને ઘણી લોકપ્રિયતા મળી અને ઘરની સ્થિતિ સારી થઈ ગઈ. અહીંથી મળેલા પૈસાથી તેમણે વડોદરામાં મોટું ઘર બનાવ્યું, બાળકોનો સારો ઉછેર કર્યો.
તેમનાં પુત્રી ગ્રીવા ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલાં છે. થિયેટર અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પરાગના પુત્ર સંતુષ્ટ ડાન્સર છે.
સુનીલ પાલ કહે છે કે તેમનો આખો પરિવાર ખૂબ જ સાદગીપૂર્વક રહે છે.

લોનનું ભારણ?

ઇમેજ સ્રોત, @iSunilPal
સુનીલ પાલ કહે છે કે 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શોની સફળતા બાદ તેમને ઘણા લાઇવ શો મળ્યા હતા. તેમની લોકપ્રિયતા એ રીતે વધી કે દરેક તેમને મોટા કાર્યક્રમોમાં પર્ફૉર્મ કરવા માટે બોલાવતા હતા. તેમણે બાળકોના સારા ઉછેર માટે લોન લીધી, જેના માટે તે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. પરંતુ ધીમેધીમે તેમની તબિયત બગડતી ગઈ.
"ઘણા શોની ઑફર્સ આવી, કેટલાક કરી શક્યા અને કેટલાક ન કરી શક્યા. ધીમેધીમે કામ ઓછું થતું ગયું. તેઓ કોઈ કામની ના નહોતા પાડતા, દરેક કામ માટે તૈયાર રહેતા. જમીન સાથે જોડાયેલા હતા, કામ માટે બસમાં મુસાફરી કરતા હતા, ટ્રેનમાં જતા હતા. તેમનું વ્યક્તિત્વ ખૂબ સરળ હતું."
"તેઓ ગમે ત્યાં ગમે તે ખાઈ લેતા હતા. તેમણે પોતાના સ્વાસ્થ્યની કાળજી લીધી ન હતી. તેમની ઉંમર 60ની આસપાસની હતી. કામ માટે તેણે મને ફોન કર્યો હતો કે ભાઈ, ક્યાંય કામ હોય તો કહેજો. તેઓ હંમેશાં કામ માટે તૈયાર રહેતા હતા."
સુનીલ વધુમાં કહે છે કે એ વાતને નકારી શકાય તેમ નથી કે તે ખૂબ સિગારેટ પીતા હતા. તેમને કેટલી વાર મેં સમજાવ્યા. તેમને ખાવાનો ઘણો શોખ હતો. હવે કામ ઓછું મળી રહ્યું છે તેની તેમને ચિંતા થઈ હશે.
"મુંબઈના નવા કલાકારોને તક મળી રહી હતી, નવા કલાકારો તેમની આગળ નીકળી ગયા હતા. તેઓ ગુજરાતમાં રહેતા હતા એટલે બહુ કામ મળતું ન હતું, તેથી જ તેઓ કામની ચિંતા કરતા હતા અને જ્યારે મારી સાથે કામ વિશે વાત કરતા ત્યારે કહેતા હતા કે બસ કામ અપાવો, હું આવી જઈશ. મારા રહેવા, આવવા જવાનું અને ખાવાનું વિચારવાની જરૂર નથી. ફક્ત કામ જણાવો, હું બાકીનું બધું જોઈ લઈશ."
"તેણે મારી બે ફિલ્મો 'બૉમ્બે ટુ ગોવા' અને 'ભાવના કો સમજો'માં પણ કામ કર્યું હતું. મારા માટે પણ શો લાવતા રહેતા હતા, કહેતા હતા કે ભાઈ પૈસા ઓછા મળશે તો કરશે? હું તેને કહેતો હતો ભાઈ, હું તમારા માટે કરી શકું છું. તે એક એવી વ્યક્તિ હતી જેણે બધાને હસાવ્યા હતા. ગમે તેટલી તકલીફ હોય તે ક્યારેય કોઈને કહેતા નહોતા."
"આવી વ્યક્તિ જે પોતાના દરેક દુ:ખને છુપાવે છે અને માત્ર ચહેરા પર સ્મિત રાખે છે, તે અંદર ઘણું સહન કરે છે. કદાચ એટલે જ તેને હાર્ટ ઍટેક આવ્યો હશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














