You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આદિપુરુષ : 'સૈફ અલી ખાન ખીલજી જેવો વધારે લાગે છે,' ફિલ્મનો લોકો વિરોધ કેમ કરી રહ્યા છે?
ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં વિવાદ શરૂ થયો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણ, પ્રભાસ રામ અને કૃતિ સેનન સીતાની ભૂમિકામાં છે.
ફેસબુકથી માંડીને ટ્વિટર અને યૂટ્યૂબ પર સોશિયલ મીડિયા યૂઝર્સ ફિલ્મમાં દર્શાવાયેલા રાવણના લૂકની નિંદા કરી રહ્યા છે.
આમાં ભાજપ અને હિન્દુ મહાસભા સાથે જોડાયેલા નેતાઓ પણ સામેલ છે. ફિલ્મમાં રાવણનું કિરદાર સૈફ અલી ખાન નિભાવી રહ્યા છે, જેમને ક્રોધિત અને કાળા રંગના પોશાકમાં દર્શાવાયા છે.
ટીઝરના એક દૃશ્યમાં તેઓ ડ્રૅગન જેવા વિશાળકાય જીવની સવારી રહ્યા છે. સાથે જ રાવણની નગરી 'લંકા'ને પણ અંધારી અને ભયાવહ જગ્યા તરીકે દર્શાવાઈ છે, જેના પર લોકો વિરોધ કરી રહ્યા છે.
પૌરાણિક કથાઓમાં 'લંકા'ને સોનાની નગરીમાં રૂપમાં દર્શાવાઈ છે.
ફિલ્મ આદિપુરુષ પર એક નજર
- આદિપુરુષ ફિલ્મ તાનાજીના નિર્દેશક ઓમ રાઉતને નિર્દેશિત કરી છે
- આ ફિલ્મ આગામી વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે
- આ ફિલ્મમાં પ્રભાસ રામ, સૈફ અલી ખાન રાવણ અને કૃતિ સેનન સીતાની ભૂમિકામાં છે
- દક્ષિણપંથી રાવણના પાત્રને લઈને નારાજ છે
- ભાજપ અને વિહિપે કર્યો વિરોધ
- વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ. પ્રાચી સાધ્વીએ ફિલ્મના ટીઝરમાં દર્શાવાયેલા રાવણના લૂકની નિંદા કરી છે
ભાજપ પ્રવક્તા અજય સેહરાવતે પણ ટ્વિટર પર રાવણના લૂકની તુલના ઐતિહાસિક પાત્ર અલાઉદ્દીન ખીલજી સાથે કરીને સવાલ ઉઠાવ્યા છે.
તો અન્ય કેટલાક લોકોએ પણ રાવણના લૂક પર સવાલ ઉઠાવ્યા છે.
ટ્વિટર યૂઝર ગાયત્રી લખે છે કે "રાવણ એક બ્રાહ્મણ હતો, જ્ઞાની હતો, જેણે શિવતાંડવની રચના કરી છે. તેને વેદો અને જ્યોતિષનું જ્ઞાન હતું. સૈફ અલી ખાનની આ તસવીર રાવણના પાત્ર સાથે મેળ ખાતી નથી. એ સમયે દક્ષિણ ભારતીય બ્રાહ્મણ તેમના માથે ચંદન લગાવતો હતો... આ તૈમૂરની તસવીર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિન્દુ મહાસભાના અધ્યક્ષ ચક્રપાણિ મહારાજે ટ્વિટર પર લખ્યું, "ભગવાન શિવના અનન્ય ભક્ત લંકાપતિ રાવણની ભૂમિકામાં દક્ષિણ ભારતની ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાનનું ચિત્રણ એવું કરાયું છે, જેમાં ઇસ્લામિક ખીલજી કે ચંગેઝ ખાન કે ઔરંગઝેબ છે. માથા પર ન તિલક છે, ન તો ત્રિપુંડ. અમારાં પૌરાણિક ચરિત્રો સાથે છેડછાડ સહન નહીં થાય."
લોકો નારાજ કેમ છે?
હિન્દુ ધર્મની પૌરાણિક કહાણીઓ પર પુસ્તક લખનારા દેવદત્ત પટનાયકે આ વિવાદના મૂળનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "જો તમે રાવણને 'દુષ્ટ' અને 'ખરાબ' કે મોઘલના રૂપમાં દર્શાવતો તો બ્રાહ્મણો નારાજ થશે."
પૌરાણિક રીતે રાવણને એક શિવભક્ત, જ્ઞાની અને વેદોના જ્ઞાત બ્રાહ્મણના રૂપમાં દર્શાવાયા છે.
તુલસીદાસની 'રામચરિતમાનસ' અનુસાર, રાવણના મૃત્યુ પહેલાં રામ તેમના ભાઈ લક્ષ્મણને પણ તેમની પાસે જ્ઞાન લેવા માટે મોકલે છે.
રામનો રાવણ પર વિજય એ સત્યનો અસત્ય પર વિજયના રૂપમાં જોવામાં આવે છે. માટે જ દશેરાના દિવસે ભારતમાં ઘણી જગ્યાએ રાવણનું પૂતળાદહન કરવામાં આવે છે.
ટ્વિટર યૂઝર સુમિત તેના તરફ ધ્યાન દોરતા લખે છે, "કેવા દિવસો આવ્યા છે, માત્ર મૂર્ખ બોલીવૂડને કારણે આપણને દશેરા પર રાવણનો બચાવ કરવી પડી રહ્યો છે."
ભાજપ નેતા અને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રે આ ફિલ્મમાં પૌરાણિક દેવતા હનુમાનના લૂકનો વિરોધ કરતા કહ્યું, "આ ટીઝરમાં આપત્તિજનક દૃશ્ય છે. હનુમાનજીને ચામડાથી બનેલાં કપડાં પહેરેલા દર્શાવાય છે. આ પ્રકારનાં દૃશ્ય ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે. હું ઓમ રાઉતને પત્ર લખીને આ રીતના સીન હટાવવા માટે કહું છું. જો તેઓ આવું નહીં કરે તો અમારી કાયદાકીય કાર્યવાહી અંગે વિચારવું પડશે."
ફિલ્મના વીએફએક્સ પર પણ વિવાદ
ફિલ્મના વીએફએક્સ પર પણ સોશિયલ મીડિયામાં વિવાદ થઈ રહ્યો છે.
લોકો તેની તુલના વર્ષ 2011ની ફિલ્મ 'રા.વન' સાથે પણ કરી રહ્યા છે.
ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે પોતાના ટ્વીટમાં અજય દેવગણના વીએફએક્સ સ્ટુડિયો 'એનવાય વીએફએક્સવાલા'ના સહ-સંસ્થાપક પ્રસાદ સૂતરને પણ ટૅગ કર્યા છે.
સૂતર પણ છેલ્લા કેટલાક દિવસોથી આદિપુરુષ સંબંધિત ટ્વીટ્સને રીટ્વીટ કરી રહ્યા છે.
પરંતુ આદિપુરુષના વીએફએક્સની ટીકા થયા બાદ 'એનવાય વીએફએક્સવાલા'એ કહ્યું કે તેમણે આ ફિલ્મ પર કામ કર્યું નથી.
ફિલ્મ સમીક્ષક તરન આદર્શે ટ્વીટ કરીને આ સ્પષ્ટીકરણ આપ્યું છે.
તેમાં લખ્યું, "વીએફએક્સ સ્ટુડિયો એનવાય વીએફએક્સવાલાએ સ્પષ્ટીકરણ આપ્યું છે કે તેમણે આદિપુરુષના સીજી અને સ્પેશિયલ ઇફેક્ટ પર કામ કર્યું નથી અને ન તો કરી રહ્યા છે. તેમના તરફથી જારી નોટમાં દર્શાવાયું કે આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે અમને ઘણા મીડિયાકર્મીઓએ પણ આ સવાલ કર્યો છે."
આ સ્ટુડિયોમાં 'પદ્માવત', 'બાહુબલી 2', 'શિવાય', 'દંગલ' અને 'તાનાજી' જેવી ફિલ્મો માટે વીએફએક્સ તૈયાર કરાયા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો