ગાંધીનગરમાં વિરોધપ્રદર્શન દરમિયાન માજી સૈનિકનું મૃત્યુ, પોલીસદમનનો આરોપ

ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગરમાં મંગળવારે માજી સૈનિકો દ્વારા વિરોધપ્રદર્શન દરમિયાન એક માજી સૈનિકનું મૃત્યુ થવાની ઘટના ઘટી છે અને પરિવારજનોએ આ માટે પોલીસદમનને જવાબદાર ઠેરવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 72 વર્ષીય કાનજીભાઈ મોઠાલિયા મંગળવારે માજી સૈનિકો દ્વારા યોજાયેલા વિરોધપ્રદર્શનમાં જોડાયા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેઓ ગુજરાતના સીનિયર આઈપીએસ ઑફિસર જે. આર. મોઠાલિયાના મોટા ભાઈ હતા.

આ વિરોધપ્રદર્શનમાં જોડાયેલા ગાંધીનગર કૉંગ્રેસના નેતા નિશિત વ્યાસે અખબારને જણાવ્યું, "મંગળવારે માજી સૈનિકો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન માજી સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણ દરમિયાન કાનજીભાઈ બેહોશ થઈ ગયા હતા. જેને પગલે તેમને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા."

સ્થાનિક પોલીસસ્ટેશનના પીઆઈ એમ. જી. જાડેજાએ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું કે માજી સૈનિકો આર્મી કૅન્ટોન્મેન્ટ પાસે વિરોધ કરી રહ્યા હતા. તેઓ ગાંધીનગર શહેર તરફ જવા માગતા હતા. શહેરમાં કલૅક્ટરે 144ની કલમ લાગુ કરી હોવાથી તેમને ત્યાં જઈને વિરોધ કરવાની પરવાનગી ન હતી. જેથી પોલીસ તેમને શહેરમાં આવાથી રોકતી હતી.

તેમણે આગળ કહ્યું, "વિરોધ દરમિયાન કાનજીભાઈ મોઠાલિયાની તબિયત લથડતાં તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા."

માજી સૈનિકોના યુનિયનના સભ્ય મગન સોલંકીએ 'ધ પ્રિન્ટ'ને કહ્યું, "અમે લોકો શાંતિથી વિરોધ કરી રહ્યા હતા અને આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓએ આવીને લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. તેમણે કાનજીભાઈને લાતો પણ મારી હતી."

ગાંધીનગર જિલ્લા પોલીસ અધીક્ષક તરુણ કુમાર દુગ્ગલે 'ધ પ્રિન્ટટને જણાવ્યું, "જ્યારે કાનજીભાઈના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ રહ્યું હતું. ત્યારે હું તેમના પરિવાર સાથે સિવિલ હૉસ્પિટલમાં હાજર હતો. પ્રાથમિક રિપોર્ટમાં તેમનું મૃત્યુ હાર્ટ ઍટેકના કારણે થયું હોવાનું લાગે છે. તેઓ વિરોધપ્રદર્શન દરમિયાન ગૂંગળામણ અનુભવતા હતા અને તેમને અન્ય તકલીફો પણ હતી. પોલીસ તરફથી કોઈ દમન ગુજારવામાં આવ્યું નથી."

તેમનાં મૃત્યુ બાદ પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુની નોંધ કરીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

પીઆઈ જાડેજા પ્રમાણે, તેમનાં મૃત્યુનું ચોક્કસ કારણ પૉસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.

line

માજી સૈનિકોની માગ

  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર તરફથી એક કરોડની સહાય
  • શહીદ સૈનિકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી
  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર તરફથી પૅન્શન
  • ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું શહીદસ્મારક
  • સરકારી નિમણૂકોમાં માજી સૈનિકોને મળતી અનામતનું ચુસ્ત પાલન
  • માજી સૈનિકના પરિવારને ખેતી માટે જમીન આપવાના નિયમનો અમલ
  • ભારતીય સેના દ્વારા અપાયેલી દારૂની પરમિટ માન્ય રાખવામાં આવે
  • કૉન્ટ્રેક્ટ પદ્ધતિ રદ કરીને સરકાર દ્વારા જ માજી સૈનિકોની નિમણૂક કરવામાં આવે
  • હથિયાર લાઇસન્સ રિન્યૂ કરવા અને નવા લાઇસન્સ લેવા ત્વરિત કાર્યવાહી
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકોનાં બાળકોને અનામત
  • માજી સૈનિકોનાં બાળકોના અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવે
  • માજી સૈનિકોને વ્યવસાયવેરામાંથી મુક્તિ આપવામાં આવે
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન