જયદેવ શાહઃ સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ મૅચ તથા સૌથી વધુ મૅચમાં કપ્તાની કરવાનો રેકૉર્ડ સર્જનાર ખેલાડી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર જયદેવ શાહ અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ છે
  • નિરંજન શાહની ક્રિકેટ કારકિર્દી તેમના પુત્ર જેટલી ઊજળી કહી શકાય નહીં પરંતુ જયદેવ શાહે ક્રિકેટના મેદાન પર જબરી કમાલ કરી છે
  • બીજો પણ એક યોગાનુયોગ એ છે કે બંને પિતા પુત્ર ડાબોડી બૅટ્સમૅન હતા
  • જયદેવ શાહે સૌરાષ્ટ્ર માટે 119 મૅચમાં પાંચ હજારથી વધારે રન કર્યા છે જેમાં 10 સદી અને 20 અડધી સદી ફટકારી છે

ભારતીય ક્રિકેટમાં ભૂતપૂર્વ ખેલાડીઓ શાસન સંભાળે તેવું બનતું આવ્યું છે, આપણે એ વાત કરવી નથી કે કેટલા ખેલાડી શાસક બન્યા અને તેમાંથી કેટલા નિષ્ફળ રહ્યા.

આપણે એ વાત કરવી છે કે એવા ખેલાડી જે સંચાલનમાં પણ અગ્રેસર હોય અને તેમાનું એક નામ તરત જ હોઠ પર આવે તે છે જયદેવ શાહ.

સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર જયદેવ શાહ અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ છે.

ઘણી વાર એવો સવાલ થાય કે જયદેવ શાહ માત્ર ક્રિકેટર જ રહ્યા હોત તો તેઓ આટલી નામના પ્રાપ્ત કરી શક્યા હોત? અથવા તો જયદેવ શાહ માત્ર સંચાલક જ રહ્યા હોત તો પણ આટલી પ્રસિદ્ધિ પામી શક્યા હોત? કદાચ આ સવાલનો જવાબ એવો હોઈ શકે કે બેમાંથી કોઈ એક ભૂમિકા અદા કરી હોત તો પણ તેઓ આટલા જ લોકપ્રિય હોત.

જયદેવ શાહના પિતા નિરંજન શાહ. પિતા પુત્ર બંને ક્રિકેટર અને પાછળથી બંને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના વડા બન્યા.

સૌરાષ્ટ્રના ક્રિકેટમાં આમ કહીએ તો આ શાહ પિતા-પુત્રની મળીને લગભગ સાડા ચાર દાયકાની કારકિર્દી અને તેમનાં થકી જે પરિણામો મળ્યાં છે તે અદભુત છે. બીજો પણ એક યોગાનુયોગ એ છે કે બંને પિતા પુત્ર ડાબોડી બૅટ્સમૅન હતા.

નિરંજન શાહની ક્રિકેટ કારકિર્દી તેમના પુત્ર જેટલી ઊજળી કહી શકાય નહીં પરંતુ જયદેવ શાહે ક્રિકેટના મેદાન પર જબરી કમાલ કરી છે.

107 મૅચમાં કપ્તાની

1983ના એપ્રિલમાં રાજકોટમાં જન્મેલા જયદેવ શાહે 2002-03ની સિઝનથી ડૉમેસ્ટિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું.

નવેમ્બર 2002માં નાગપુર ખાતે રમાયેલી વિદર્ભ સામેની રણજી ટ્રૉફી મેચમાં જયદેવ શાહને સૌરાષ્ટ્ર માટે પહેલી વાર રમવાની તક સાંપડી અને એ મૅચમાં તેમણે 76 રન ફટકારીને સૌને પ્રભાવિત કર્યા હતા.

જોકે ત્યાર બાદ બીજી અડધી સદી માટે જયદેવે બરાબર એક વર્ષ સુધી રાહ જોવી પડી, પરંતુ ત્યાર બાદ તેમની કારકિર્દીએ વેગ પકડ્યો. આગળ જતાં આ ખેલાડીએ સૌરાષ્ટ્ર માટે સૌથી વધારે મૅચ રમવાનો તથા સૌથી વધુ મૅચમાં કપ્તાની કરવાનો કીર્તિમાન સ્થાપિત કરી દીધો.

જયદેવ શાહ આજે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખપદે છે પરંતુ એક ક્રિકેટર તરીકે તેમના રેકૉર્ડ જ તેમની સફળતાની ચાડી ખાય છે. સૌરાષ્ટ્ર માટે 119 મૅચમાં 5 હજારથી વધારે રન, 10 સદી અને 20 અડધી સદી.

આ 119 મૅચમાંથી 107 મૅચમાં ટીમનું સુકાનીપદ વધારે મહત્ત્વનું છે, કેમ કે વેસ્ટ ઝોનની પાંચ ટીમમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમની ખાસ ગણતરી થતી ન હતી. એક સિઝન તો ઠીક પણ એક દાયકામાં આ બે ટીમ એકાદ બે મૅચ આઉટરાઇટ જીતે તો નવાઈ લાગતી હતી.

મોટા ભાગે તો બંને ટીમ એકબીજા સામે જીતતી આવતી હતી, બાકી મુંબઈ અને બરોડા જેવી મજબૂત ખેલાડીઓ ધરાવતી ટીમ સામે ગુજરાતને કે સૌરાષ્ટ્રને જીત મળે તેવું ભાગ્યે જ બનતું હતું. એવા સંજોગોમાં હવે પરિસ્થિતિ બદલાઈ છે અને હવે તો આ બંને ટીમ રણજી ટ્રૉફી ચૅમ્પિયન પણ બની ચૂકી છે.

ક્રિકેટમાં છેલ્લા એક દાયકામાં આવેલા પરિવર્તનની અસર સૌરાષ્ટ્રની ટીમ પર પણ થઈ છે. સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજા અનુક્રમે ભારતની ટેસ્ટ અને મર્યાદિત ઓવરની ટીમના મહત્ત્વના સભ્ય છે.

ઉપરાંત આ ગાળામાં જ સૌરાષ્ટ્રએ જયદેવ ઉનડકટ કે સિતાંશુ કોટક જેવા હોનહાર ક્રિકેટર પણ આપ્યા છે. કમનસીબે સિતાંશુ કોટકને ક્યારેય ટેસ્ટ રમવાની તક મળી ન હતી.

સૌરાષ્ટ્રની ટીમ ભાગ્યે જ રણજી મૅચ જીતી શકતી હતી ત્યારે જયદેવ શાહના આગમન બાદ સૌરાષ્ટ્રની ટીમ 34 મૅચ જીતી છે. જેની સરખામણીએ ટીમના પરાજયની સંખ્યા ઓછી છે.

દરેક ખેલાડીની સફળતાની કહાણીઓની માફક કેટલીક બૅકગ્રાઉન્ડ કહાણીઓ પણ હોય છે.

માત્ર શાહ અટકને કારણે સૌરાષ્ટ્રની ટીમમાં ટકી શકાશે નહીં તેવી કારકિર્દીના પ્રારંભે જ પિતા નિરંજન શાહની ટકોર બાદ જયદેવ શાહે જાતે જ મહેનત કરીને ટીમમાં સ્થાન ટકાવી રાખવાનું હતું.

લાગવગિયા ગણાવાનો ડર

જયદેવે કોઈ પક્ષપાતથી ટીમમાં સ્થાન હાંસલ કર્યું નથી પરંતુ પર્ફૉર્મન્સને આધારે ટીમમાં આવ્યા છે તે હંમેશાં પુરવાર કરવાનું રહેતું હતું. એક વાર જયદેવ શાહે કબૂલ્યું હતું કે કારકિર્દીની 100 જેટલી મૅચ રમ્યા બાદ પણ નિષ્ફળ રહું તો લોકો મને લાગવગિયો કહે તેવો ડર રહેતો હતો.

આ દબાણ એક સામાન્ય ક્રિકેટર ઉપર હોતું નથી પરંતુ ભૂતપૂર્વ ક્રિકેટર (અને સંચાલક પણ)ના પુત્ર હોવાને નાતે રોહન સુનીલ ગાવસ્કર, પ્રણોય પંકજ રૉયથી માંડીને અશોક વીનુ માંકડ કે સંજય વિજય માંજરેકર સહિત તમામ પર રહ્યું છે. કેટલાક તેમાંથી બહાર આવવામાં સફળ રહ્યા છે અને કેટલાક ફેંકાઈ પણ ગયા છે.

સુકાનીપદની જવાબદારી મળ્યા બાદ જયદેવની ખરી પ્રતિભા નીખરી આવી હતી, કેમ કે ભૌગોલિક રીતે સૌરાષ્ટ્ર (અને કચ્છ મળીને) મોટો પ્રાંત બની જાય છે અને તેમાં રમનારા ખેલાડીઓ અલગઅલગ પૃષ્ઠભૂમિ અને અલગ માનસિકતા લઈને આવતા હોય છે.

રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર અને ગોંડલ જેવાં સ્થળોએથી આવતા ખેલાડીઓને એક તાંતણે બાંધીને રાખવા માટે પણ આવડતની જરૂર પડે છે અને તે પ્રતિબદ્ધતા જયદેવ શાહે દાખવી ન હોત તો તેમના નામે 100 કરતા વધારે મૅચમાં કપ્તાનીનો રેકૉર્ડ ન હોત.

આ સંજોગોમાં ટીમના દરેક ખેલાડીને મેદાન પર કે મેદાન બહાર જે કાંઈ મદદની જરૂર હોય કે જે કાંઈ પડકારનો સામનો કરવાનો હોય તે માટે જયદેવ શાહ એકમાત્ર સંપર્કસૂત્ર બની રહ્યા હતા.

સામાન્ય રીતે આપણે ક્રિકેટર અને તેની મેદાન પરની કારકિર્દીની વાત કરતા હોઈએ છીએ પરંતુ ઘણી વાર એમ પણ બને છે કે તેમના ક્રિકેટ માટેના યોગદાનની વાત કરતા નથી.

જયદેવ શાહ વિશે કહી શકાય કે ક્રિકેટર તરીકે મેદાન પર તો સૌરાષ્ટ્રની ટીમને તેમણે સફળતા અપાવી અને સૌરાષ્ટ્રની ક્રિકેટની ગાડીને પાટા પર લાવી દીધી, પરંતુ ત્યાર બાદ રાજ્યમાં ક્રિકેટનું અસ્તિત્વ ટકી રહે અને ખેલાડીઓની નાની મોટી સમસ્યા કે આયોજનને લગતી બાબતોની તેમની સૂઝ પણ એટલી જ અસરકારક રહી છે.

વર્તમાન ક્રિકેટ માત્ર ફર્સ્ટ ક્લાસ મૅચો પૂરતું મર્યાદિત રહી ગયું નથી ત્યારે જયદેવ શાહ સૌરાષ્ટ્ર માટે 63 લિમિટેડ ઓવરની મૅચો પણ રમ્યા હતા જેમાં બે સદી અને એક હજારથી વધારે રન તેમણે ફટકાર્યા હતા.

ઉપરાંત આઇપીએલમાં પણ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં તેમની પસંદગી કરાઈ હતી. ક્રિકેટર તરીકે નિવૃત્ત થયા પછી તેઓ ભારતીય ટીમના મૅનેજર પણ રહી ચૂક્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો