You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્તવ્યપથના ઉદ્ઘાટન બાદ PM મોદીએ કહ્યું, 'આજે રાજપથ ઇતિહાસ બની ગયો' - પ્રેસ રિવ્યૂ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ સાથે જ વર્ષો જૂનો રાજપથ હવે કર્તવ્યપથ બની ગયો. તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
કર્તવ્યપથનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે રાજપથ ઇતિહાસની વાત બની ગયો છે.
તેમણે કહ્યું, "આ ઐતિહાસિક ક્ષણ છે, અભૂતપૂર્વ છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે આ દિવસને જોઈ રહ્યા છીએ. આજથી રાજપથ ઇતિહાસ બની ગયો છે."
તેમણે કહ્યું,"દેશને આજે નવી પ્રેરણા મળી છે, નવી ઊર્જા મળી છે. આજે આપણે ગઈ કાલને છોડીને આવતીકાલની તસવીરમાં રંગ ભરી રહ્યા છીએ."
તેમણે કહ્યું, "ગુલામીનું પ્રતીક કિંગ્સવે એટલે કે રાજપથ આજથી ઇતિહાસની વાત બની ગયો છે. હંમેશાં માટે ભૂંસાઈ ગયો છે. આજ કર્તવ્યપથ સ્વરૂપે નવો ઇતિહાસ શરૂ થયો છે. હું તમામ દેશવાસીઓને આઝાદીના આ અમૃતકાળમાં ગુલામીની વધુ એક ઓળખમાંથી મુક્તિ મેળવવા માટે શુભેચ્છા પાઠવું છું."
આ દરમિયાન તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાના અનાવરણ વિશે કહ્યું, "ગુલામીના સમયે અહીં બ્રિટિશ રાજની સત્તાની પ્રતિમા લાગેલી હતી. આજે તે જ જગ્યાએ નેતાજીની પ્રતિમા મૂકવામાં આવી છે."
આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે, "26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસની પરેડ માટે સેન્ટ્રલ વિસ્ટાના પુનર્વિકાસ પરિયોજના પર કામ કરનારા તમામ શ્રમિકોને આમંત્રિત કરવામાં આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલીની ટી-20માં પ્રથમ સદી, અફઘાનિસ્તાન સામે 213 રનોનો પડકાર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારી છે.
કોહલીની આ પ્રથમ સદી એશિયા કપ 2022 દરમિયાન અફઘાનિસ્તાન સામેની મૅચમાં થઈ છે.
પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધની બે મૅચ હાર્યા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે અંતિમ મૅચ રમી રહી છે.
મૅચમાં ટૉસ જીતીને અફઘાનિસ્તાને ભારતને પહેલા બૅટિંગ કરવાની તક આપી હતી.
આ મૅચમાં ભારતીય ટીમના નિયમિત કૅપ્ટન રોહિત શર્મા રમી રહ્યા નથી. તેમની જગ્યાએ કે. એલ. રાહુલ કૅપ્ટનશિપ સંભાળી રહ્યા છે.
ભારત તરફથી બૅટિંગની શરૂઆત કૅપ્ટન કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીએ કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે શતકીય ભાગીદારી નોંધાવી હતી. કે. એલ. રાહુલે 41 બૉલમાં 62 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ પડી ત્યારે ભારતીય ટીમનો સ્કોર 119 રન હતો.
બાદમાં સૂર્યકુમાર યાદવ આવ્યા પરંતુ તેઓ છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
સૂર્યકુમાર યાદવ બાદ પિચ પર વિકેટકીપર ઋષભ પંત આવ્યા અને તેમણે વિરાટ કોહલી સાથે મળીને ત્રીજી વિકેટ માટે અણનમ 87 રનોની ભાગીદારી નોંધાવી હતી.
કોહલીએ અણનમ 122 રન બનાવ્યા, પંત 20 રન બનાવીને અણનમ રહ્યા હતા. કોહલીની આ શતકીય ઇનિંગ્સના કારણે ભારતે અફઘાનિસ્તાન સામે 213 રનોનું લક્ષ્ય મૂક્યું છે.
ગુજરાતના રાજ્યપાલે હિંદુઓ વિશે એવું તો શું કહ્યું કે વિવાદ થઈ ગયો?
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હિંદુઓ વિશે આપેલા એક નિવેદનના કારણે વિવાદમાં ઘેરાયા છે.
બુધવારે નર્મદા જિલ્લામાં યોજાયેલ 'પ્રકૃતિના ખોળે જૈવિક ખેતી' વિષય પર આયોજિત એક સેમિનારમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
આચાર્ય દેવવ્રતે હિંદુઓને ઢોંગી ગણાવ્યા અને કહ્યું, "તમે એમ તો બોલો છો કે ગોમાતાની પૂજા કરીએ છીએ, તિલક લગાવીએ છીએ, ઘંટ પણ વગાડીએ છીએ પણ જ્યારે એ (ગોમાતા) દૂધ નથી આપતી તો ઘરમાંથી કાઢી મૂકો છો. ન દૂધ પીઓ છો, ન ગાય પાળો છો પણ ગોમાતાનો જયજયકાર કરો છો. ગોમાતાને સમજો, જાણો એ જ સાચા અર્થમાં ગોમાતા છે. ભગવાને ગોમાતાના પેટમાં આંતરડામાં સૂક્ષ્મ જીવાણુઓની ફેકટરી લગાવીને મોકલી છે."
તેમણે કહ્યું, "લોકો પૂજા કરવા મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા જાય છે. પૂજા એટલા માટે કરે છે કે ભગવાન તેમને આશિર્વાદ આપે પરંતુ હું એ ઘોષણા કરું છું કે તમે પાકૃતિક ખેતી કરવાનું શરૂ કરી દો તો ભગવાન આપોઆપ ખુશ થઈ જશે. કેમ? હું પ્રમાણ સાથે કહું છું કે તમે જે રાસાયણિક ખેતી કરો છો તેનાથી તો પ્રાણીઓને મારવાનું કામ કરો છો અને પ્રાકૃતિક ખેતી કરશો તો પ્રાણીઓને જીવન આપવાનું કામ કરશો."
તેમણે આગળ જણાવ્યું, "આ મનુષ્યોથી ઢોંગી, પાખંડી વ્યક્તિ આ ધરતી પર કોઈ નથી."
નક્કી થયેલાં જાહેરસાહસોને બંધ કરવામાં ઝડપ કરો, મોદી સરકારની સૂચના
જે જાહેરસાહસોને બંધ કરી દેવા માટે કૅબિનેટની મંજૂરી મળી ગઈ છે, તેને બંધ કરી દેવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંબંધિત મંત્રાલયોને સૂચના આપી છે. તથા હજુ સુધી એ દિશામાં પગલાં કેમ ભરવામાં નથી આવ્યાં, તેના વિશે સવાલ પૂછવામાં આવ્યા છે.
આ અંગેની આ બેઠક 12 ઑગસ્ટે મળી હતી, જેની સાર્વજનિક થયેલી બેઠકનોંધના આધારે 'ધ પ્રિન્ટ'એ અહેવાલ પ્રકાશિત કર્યો છે.
સરકારના વરિષ્ઠ અધિકારીને ટાંકતાં વેબસાઇટ લખે છેકે સરકારી સંસાધનોનો વ્યય ન થાય તથા 'વર્ષ 2047' સુધીમાં ભારત વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાં સામેલ થાય તેવા લક્ષ્યાંક સાથે આવું કરવામાં આવી રહ્યું છે.
કમ્પટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલના અહેવાલ પ્રમાણે, 697 એવાં એકમ છે કે જેમાં સરકાર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે 51 ટકા કે એથી વધુ હિસ્સો ધરાવે છે.
ડિસેમ્બર-2021ના રિપોર્ટ અનુસાર, 31 માર્ચ 2020ની સ્થિતિ પ્રમાણે, ખોટ કરતા 181 એકમોએ (આગળનાં બે વર્ષની સ્થિતિ પ્રમાણે) રૂપિયા એક લાખ 55 હજાર 60 કરોડની કુલ ખોટ કરી હતી.
'કલાકમાં કરોડો રૂપિયા મળ્યા'
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે બુધવારે વડોદરા ખાતે ભાજપના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કરતી વખતે કહ્યું હતું કે ભાજપના નેતાઓ પાર્ટી માટે એક કલાકમાં કરોડો રૂપિયાની વ્યવસ્થા કરી શકે છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'નો અહેવાલ સીઆર પાટીલના ભાષણને ટાંકતા લખે છે, "રંજન ભટ્ટ (વડોદરાના સંસદસભ્ય) તથા ભાર્ગવ ભટ્ટે એક કલાકનો સમય માગ્યો હતો. મેં પૂછ્યું છે કે 'શું એક કલાકનો સમય થઈ રહેશે?' મને કહેતા ગર્વ થાય છે કે પાર્ટીના નેતાઓએ એક કલાકમાં રૂપિયા આઠ કરોડની વ્યવસ્થા કરી આપી હતી."
પાટીલે મંચ પરથી દાવો કર્યો હતો કે પાર્ટી કાર્યાલય માટે સુરેન્દ્રનગરના નેતાઓએ એક કલાકમાં સાડા આઠ કરોડ, કચ્છના નેતાઓએ રૂપિયા સાડા પાંચ કરોડ તથા સુરતના નેતાઓએ રૂપિયા 10 કરોડની વ્યવસ્થા કરી હતી.
પાટીલે સાથે જ ઉમેર્યું હતું કે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ માટે 'મૉડલરૂપ' છે.
'સ્વૈચ્છિક સંસ્થાઓ પર IT સરવે'
બુધવારે આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હીસ્થિત સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચ નામની થિન્ક ટૅન્ક, ઑક્સફામ તથા બેંગ્લુરુસ્થિત પબ્લિક-સ્પિરિટેડ મીડિયા ફાઉન્ડેશન (IPSMF)માં સરવે કર્યા હતા.
'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, આવકવેરા વિભાગના અધિકારીઓએ આ સંસ્થાઓ દ્વારા ફોરેન કૉન્ટ્રિબ્યૂશન રૅગ્યુલેશન ઍક્ટનું પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી 'સરવે' દરમિયાન કરી હતી. આ દરમિયાન હાજર રહેલા લોકોના ફોન લઈ લેવામાં આવ્યા હતા. દાનની રકમ, ખર્ચ અને ખર્ચની રસીદ વગેરે ચકાસવામાં આવ્યાં હતાં.
આ સિવાય પણ બે સંસ્થાઓમાં સરવે કર્યા હતા, પરંતુ તેનાં નામ સાર્વજનિક થયાં નથી. ઇરાદાપૂર્વક કે બિનઇરાદાપૂર્વકની ગેરરીતિને નિર્ધારિત કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવતા હોય છે.
પ્રકાશિત અહેવાલ મુજબ, ઑક્સફામ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઑક્સફામનું ભારતીય એકમ છે.
તે દેશમાં દલિત, મુસ્લિમ, આદિવાસી, મહિલા તથા છોકરીઓના અધિકાર માટે કામ કરે છે. ડિસેમ્બર-2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેનું એફસીઆરએ લાઇસન્સ રિન્યૂ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
અખબાર લખે છે કે તેણે ત્રણેય સંગઠનો પાસેથી પ્રતિક્રિયા લેવા માટે તેણે પ્રયાસ કર્યો હતો, પરંતુ અહેવાલ પ્રકાશન સુધી કોઈ પ્રતિક્રિયા આવી ન હતી.
વિયેતનામ : બારમાં આગ, 32નાં મૃત્યુ
વિયેતનામના થુઆન આન શહેરના કારાઓકે બારમાં લાગેલી આગને કારણે 17 પુરુષ તથા 15 મહિલા સહિત 32 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક રિપોર્ટ પ્રમાણે, આગ બીજા માળે લાગી હતી અને ત્રીજા માળે પહોંચી હતી, જેમાં ગ્રાહકો તથા બારનો સ્ટાફ ફસાઈ ગયા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આગ લાગી એ વખતે ત્યાં 60 જેટલા લોકો હાજર હતા.
આગથી બચવા માટે લોકો બાલ્કનીમાં એકઠા થયા, પરંતુ તેનું ઇન્ટિરિયર લાકડાનું બનેલું હોવાથી ત્યાં રહેલા લોકો માટે બચવું મુશ્કેલ બની ગયું હતું.
પોલીસ દ્વારા કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો