મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્ય મંત્રી શિંદે પોતાનાં મૃત બાળકોને યાદ કરીને શું કહ્યું?

રવિવારથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર આયોજિત કરાયું છે. જેમાં શનિવારે સત્રમાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી કરાઈ હતી. તેમજ સોમવારે યોજાયેલ વિશ્વાસમતમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેને સફળતા સાંપડી છે.

એકનાથ શિંદેની સરકારને સત્તા ટકાવી રાખવા માટે જરૂર બહુમતી મળી ગઈ હતી. વિશ્વાસમત પ્રક્રિયામાં એકનાથ શિંદેની સરકારને 164 મત મળ્યા હતા. આ સિવાય શિવસેના માટે ધારાસભ્યો ગુમાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. વિશ્વાસમત પહેલાં જ ઉદ્ધવ ઠાકરેના પક્ષના એક ધારાસભ્ય એકનાથ શિંદેના જૂથ સાથે ભળી ગયા હતા.

નોંધનીય છે કે રવિવારે વિશેષ સત્રના પ્રથમ દિવસે યોજાયેલ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યોના ઉમેદવાર રાહુલ નાર્વેકર અધ્યક્ષ ચૂંટાયા હતા.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પાછલા ઘણા દિવસોથી શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધન અને ભાજપ અને શિવસેનાના વિદ્રોહી ધારાસભ્યો વચ્ચે સત્તાને લઈને ખેંચતાણ ચાલી રહી હતી.

જેના પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપતાં સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. જે બાદ એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્ય મંત્રી બનાવાયા હતા.

રાજ્યપાલની જાહેરાત પ્રમાણે સોમવારે એકનાથ શિંદેની સરકારે ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો. રાજનીતિના જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ વિદ્રોહી ધારાસભ્યો, અપક્ષ અને ભાજપના ટેકા સાથે તેઓ આ પડકાર સરળતાથી પાર પાડી દે તેવી શક્યતા હતી.

જોકે, વિદ્રોહી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલ અરજીની સુનાવણી થવાનું બાકી છે.

ઉદ્ધવ ઠાકરેના સમર્થકોને આશા છે કે સુપ્રીમનો ચુકાદો તેમની તરફેણમાં આવે તો આનાથી નવનિયુક્ત મુખ્ય મંત્રી એકનાથ શિંદેની મુશ્કેલી વધી શકે છે.

પરંતુ સામેની બાજુએ ભાજપ અને એકનાથ શિંદેનું જૂથ સુપ્રીમ કોર્ટમાં પણ એકનાથ શિંદે અને તેમનું જૂથ ખરી શિવસેના હોવાનો દાવો કરી ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાથી બચી જશે તે બાબતે આશ્વસ્ત દેખાઈ રહ્યું છે.

નોંધનીય છે કે વિશેષ સત્રના પ્રથમ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જે ભાજપ અને શિદે જૂથના ઉમેદવાર રાહુલ સુરેશ નાર્વેકર 164 મતો સાથે જીતી. જોકે, વિજય હાંસલ કરવા માટે તેમને માત્ર 145 મતો જ જોઈતા હતા.

સામેના પક્ષે શિવસેનાના નેતા અને મહાવિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વી સ્પીકરની ચૂંટણી હારી ગયા. સાલ્વીને 107 મતો મળ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાવુક થયા એકનાથ શિંદે, કહ્યું- પહેલાં જ મને સીએમ બનાવવાનો હતો

મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કર્યા બાદ એકનાથ શિંદેએ મુખ્ય મંત્રી તરીકે સદનમાં સોમવારના પોતાનું પ્રથમ ભાષણ આપ્યું.

તેમણે કહ્યું કે, "પહેલાંની સરકારમાં મંત્રી તરીકે મને ચૂંટવા માટે મેં દેવેન્દ્ર ફડણવીસનો આભાર વ્યક્ત કરું છું. હું સમૃદ્ધિ મહામાર્ગ પ્રોજેક્ટ પર કામ કરી શક્યો હતો. વર્ષ 2019માં તેઓ ડેપ્યુટી સીએમનું પદ શિવસેનાને આપવાના હતા."

એકનાથ શિંદેએ કહ્યું, "પહેલાં મને મહાવિકાસ અઘાડી સરકારમાં મુખ્ય મંત્રી બનાવવાનો હતો પરંતુ પછી અજિત દાદા (અજિત પવાર) અથવા કોઈએ કહ્યું કે મને મુખ્ય મંત્રી ન બનાવવો જોઈએ. મને તેની સામે કોઈ વિરોધ નથી એટલે મેં ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે હું તેમની સાથે છું. મને કોઈ પણ પદની લાલસા નહોતી."

ભાષણ આપતા શિંદેએ પોતાનાં બંને બાળકોને યાદ કર્યાં જેમનું મૃત્યુ થયું હતું. તેમનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા.

તેમણે કહ્યું, "તેમણે મારા પરિવાર પર હુમલો કર્યો. મારા પિતા જીવિત હતા પરંતુ મારાં માતાનું મૃત્યુ થયું. હું કામમાં વ્યસ્ત રહેતો. હું ક્યારેય તેમને વધારે સમય નહોતો આપી શક્યો. હું જ્યારે કામ પરથી પાછો આવતો ત્યારે ઘરે બધા સૂઈ ગયા હોતા."

"જ્યારે મારાં બંને બાળકોનું મૃત્યુ થયું આનંદ દીઘેએ મને હિંમત આપીને કહ્યું મારે રાજકારણમાં રહેવું જોઈએ અને પોતાના પરિવાર માટે કામ કરવું જોઈએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો