'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નાં જૂનાં અંજલિભાભીએ એવું શું કહ્યું કે કંપનીએ જવાબ આપવો પડ્યો?

છેછેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અગાઉ અંજલિનું પાત્ર ભજવનારાં નેહા મહેતાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક ચોંકાવનારો દાવો કર્યો છે.

પોતાને છ મહિનાની ફી ના મળી હોવાનો આરોપ નેહા મહેતાએ લગાવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઇમેજ સ્રોત, Neha Mehta/Instagram

ઇમેજ કૅપ્શન, નેહા મહેતા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણેનેહાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિરિયલના નિર્માતાઓએ તેમની છ મહિનાની ફી ચૂકવી નથી.

તેમણે 'બૉમ્બે ટાઇમ્સ'ને આ ઇન્ટરવ્યૂ આપો હતો.

નેહા મહેતાએ વર્ષ 2020માં સિરિયલ છોડી હતી. એ વાતને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમને અંતિમ છ મહિનાની ફી ચૂકવાઈ નથી.

તેમણે કહ્યું, "મેં આ સિરિયલ 12 વર્ષ બાદ 2020માં છોડી હતી પણ મને છેલ્લા છ મહિનાની ફી મળી નથી. આ વિશે કેટલીક વખત ફોન કર્યા હતા પણ મને આ રીતે ફરિયાદ કરવી પસંદ નથી પણ એ મારી મહેનતની કમાણી છે."

તેમણે આગળ કહ્યું, "હું ઘણું પ્રતિષ્ઠિત જીવન જીવું છું. મને કોઇ પણ વસ્તુ વિશે ફરિયાદ કરવી પસંદ નથી. આશા છે આ મુદ્દે પણ ટૂંક સમયમાં સકારાત્મક ઉકેલ આવશે."

અન્ય એક અહેવાલ પ્રમાણે, નેહા મહેતાના આ નિવેદન બાદ સિરિયલના નિર્માતાઓએ એક નિવેદન જાહેર કર્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે સિરિયલ છોડતી વખતે કંપની પૉલિસી પ્રમાણે યોગ્ય કાર્યવાહી પૂર્ણ ન કરી હતી. જેના લીધે તેમનું 'ફૂલ ઍન્ડ ફાઇનલ સૅટલમેન્ટ' બાકી છે.

નિવેદનમાં કહેવાયું છે, "તેમણે આ રીતે આરોપો મૂકવાની જગ્યાએ અમારા ઇમેઇલ અને ફોનનો જવાબ આપવો જોઈએ. તેઓ સિરિયલ છોડતી વખતે પણ કોઇને મળ્યા વગર જતા રહ્યા હતા."

line

અંગત કારણોસર છોડી હતી સિરિયલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઇમેજ સ્રોત, Neha Mehta/Instagram

નેહા મહેતાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાના પત્ની અંજલિ મહેતાનું પાત્ર ભજવ્યું હતું. 2020માં અંગત કારણોસર તેમણે સિરિયલ છોડી દીધી હતી.

તે સમયે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ અભિનયના ક્ષેત્રે અન્ય તકો ફંફોસવા ઇચ્છતાં હોવાથી તેઓ સિરિયલ છોડી રહ્યા છે.

ત્યાર બાદથી તેઓ કોઇ સિરિયલમાં તો નહોતાં દેખાયાં પણ તેમની એક ફિલ્મ 'હલ્કી ફૂલ્કી' ગયા વર્ષે જ રીલિઝ થઈ હતી.

ફિલ્મ રીલિઝ થતાં પહેલાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે "પોતાની પ્રથમ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ગર્વની બાબત છે. વર્ષો સુધી સિરિયલ, થિયેટર જેવાં જુદાંજુદાં માધ્યમોથી કળા પીરસતી આવી છું. હવે આ નવા માધ્યમથી કળા રજૂ કરવાની તક મળશે."

આઈએમડીબી પ્રમાણે, તેઓ 2001થી 2020 સુધીમાં છ ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે.

2001માં હિન્દી સિરિયલ 'ડૉલર બહુ', 2002થી 2003માં 'ભાભી', 2002માં ગુજરાતી સિરિયલ 'સો દ્હાડા સાસુનાં', 2004માં 'રાત હોને કો હૈ', 2012થી 2013માં 'વાહ, વાહ, ક્યા બાત હૈ' અને 2008થી 2020 દરમિયાન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કામ કર્યું છે.

આ સિવાય તેમણે ચાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે.જે પૈકી ત્રણ ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો સમાવેશ થાય છે.

line

ઘણા કલાકારોએ તાજેતરમાં છોડી સિરિયલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઇમેજ સ્રોત, Neha Mehta/Instagram

2020માં અંજલિનું પાત્ર ભજવનારાં નેહા મહેતાએ સિરિયલ છોડ્યા બાદ છેલ્લા થોડાક સમયમાં ઘણા કલાકારોએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ છોડી છે.

થોડા સમય પહેલાં પુત્રનો જન્મ થયા બાદ દયાબહેનનું પાત્ર ભજવનારાં દિશા વાકાણીએ સિરિયલ છોડી દીધી હતી. ત્યાર બાદથી નવા દયાબહેન કોણ હશે તેને લઇને ઘણી ચર્ચા થતી આવે છે.

આ અંગે તાજેતરમાં બીબીસી સાથેની વાતચીતમાં સિરિયલના નિર્માતા અસિત મોદીએ કહ્યું, "અમે પણ ઈચ્છીએ છીએ કે જૂનાં દયાબહેન પાછાં આવે. પરંતુ હવે તેમનાં લગ્ન થઈ ગયાં છે. પરિવારની જવાબદારી છે. એક ખુશીની વાત એ છે કે તેમના પરિવારમાં એક દીકરી હતી. હવે એક દીકરો આવ્યો એટલે આખો પરિવાર થઈ ગયો છે."

"પરિવારની જવાબદારીને લીધે તેઓ ન આવી શકે, તો અમે બીજાં દયાબહેનને શોધીશું. હું તમને વચન આપું છું કે મને અને મારી ટીમને જે પણ મળશે તે દર્શકોને ગમશે. અમે એક સારું મનોરંજન આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું."

તેમનાં પહેલા સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનારા શૈલેષ લોઢાએ પણ સિરિયલ છોડવાની જાહેરાત કરી હતી.

શૈલેષ લોઢાનું સિરિયલ છોડીને જવા વિશે અસિત મોદીએ કહ્યું હતું, "જે લોકો શો છોડી ગયા છે તેનાથી હું નારાજ નથી. જ્યાં સુધી તેઓ ત્યાં હતો ત્યાં સુધી તેણે સારું કામ કર્યું. મેં તેમને ઘણું સમજાવ્યું કે તમે જોડાયેલા રહો."

"જે લોકો છોડીને ગયા છે તેઓનો હું આભારી છું કારણ કે તેઓએ શોમાં યોગદાન આપ્યું છે. તેમણે શો છોડવો ન જોઈએ એમ હું હંમેશાં કહીશ. પરંતુ ઠીક છે, જે નવા લોકો આવે છે તેઓ વધુ ઊર્જા સાથે આવે છે. બહુ મહેનત કરે છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન