બીબીસી ગુજરાતીને મળ્યા બે ઇએનબીએ ઍવૉર્ડ, બીબીસીને ફાળે કુલ પાંચ ઍવૉર્ડ

બીબીસી ગુજરાતી સેવાને ઇએનબીએ ઍવૉર્ડમાં બે ગોલ્ડ ઍવૉર્ડ્સ મળ્યા છે.

30 એપ્રિલ 2022ના રોજ આયોજિત ઇએનબીએ ઍવૉર્ડ સમારોહમાં બીબીસીની ભારતીય ભાષાઓની સેવાને કુલ પાંચ ઍવૉર્ડ્સ મળ્યા હતા.

ચાર ઍવૉર્ડ્સ બીબીસીની અલગ-અલગ ભાષાના ટીવી કાર્યક્રમોને અને એક ઍવૉર્ડ વર્કલાઇફ ઇન્ડિયા કાર્યક્રમને મળ્યો હતો. જે પૈકી ઇએનબીએ ઍવૉર્ડ સમારોહમાં બીબીસી ગુજરાતીને બે ગોલ્ડ ઍવૉર્ડ્સ મળ્યા હતા.

બીબીસી ગુજરાતીનાં ઍંકર બ્રિજલ શાહને ઇએનબીએનો બૅસ્ટ ઍન્કર (વેસ્ટર્ન રિજિયન)નો ગોલ્ડ ઍવૉર્ડ મળ્યો છે.

આ ઍવૉર્ડ માટે સમાચાર સામગ્રી અને માધ્યમની આંતરિક સમજ અને જ્ઞાનને પ્રમુખ આધાર માનવામાં આવે છે.

બીજો ગોલ્ડ ઍવૉર્ડ બીબીસી ગુજરાતીના સમાચાર બુલેટિન 'બીબીસી સમાચાર'ને મળ્યો હતો.

બીબીસી સમાચારનો શો સોમથી શુક્રવાર રાત્રે આઠ વાગ્યે ગુજરાતી ન્યૂઝ ચેનલ જીએસટીવી પર આવે છે. જેમાં મહત્ત્વના સ્થાનિક સમાચારની સાથે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર આપવામાં આવે છે.

બીબીસી ગુજરાતીની યૂટ્યૂબ ચેનલ પર પણ તમે બીબીસી સમાચાર બુલેટિન જોઈ શકો છો.

30 એપ્રિલ 2022ના રોજ આયોજિત ઇએનબીએ ઍવૉર્ડ સમારોહમાં બીબીસી સંસ્થાને કુલ 5 ઍવૉર્ડ્સ મળ્યા હતા. તેમાંથી બીબીસીની અલગ-અલગ ભાષાઓના ટીવી કાર્યક્રમોને ચાર ઍવૉર્ડ્સ અને એક ઍવૉર્ડ વર્કલાઇફ ઇન્ડિયાને મળ્યો હતો.

ક્લાઇમેટ ચૅન્જ સહિતના સામાજિક નિસબત ધરાવતા મુદ્દાઓના કવરેજ માટેનો ગોલ્ડ ઍવૉર્ડ બીબીસી હિન્દીને મળ્યો હતો. ક્લાઇમેટ ચેન્જની આ સીરિઝ તમે બીબીસી હિન્દી સેવાના 'બીબીસી દુનિયા' કાર્યક્રમમાં જોઈ શકો છો.

'બીબીસી દુનિયા' હિન્દી ન્યૂઝ ચેનલ એનડીટીવી પર રાત્રે 10 વાગ્યે પ્રસારિત થાય છે. તેમાં દુનિયાભરના આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક બાબતોના સમાચાર રજૂ કરવામાં આવે છે.

બીબીસી હિન્દીની યૂટ્યૂબ ચેનલ પર પણ તમે બીબીસી દુનિયા બુલેટિન જોઈ શકો છો.

'બીબીસી ક્લિક' અને 'વર્કલાઇફ ઇન્ડિયા'ને ઍવૉર્ડ

ટેકનૉલૉજીના કવરેજ માટે પણ ગોલ્ડ ઍવૉર્ડ 'બીબીસી ક્લિક'ને મળ્યો હતો.

'બીબીસી ક્લિક' બીબીસી ભારતીય ભાષાઓનો ટેકનૉલૉજી શો છે જેમાં વિશ્વભરની હાઈટૅક ટેકનૉલૉજી, ભારતના ગામડાઓમાં વપરાતી અનોખી ટેકનૉલૉજીની વાત કરવામાં આવે છે.

બીબીસી તામિલની યૂટ્યૂબ ચેનલ પર પણ તમે 'બીબીસી ક્લિક' તેલુગુ બુલેટિન જોઈ શકો છો.

અંગ્રેજી ભાષામાં સમાચાર અને સાંપ્રત ઘટનાઓની ચર્ચા માટેના 'બેસ્ટ ટૉક શો'ની શ્રેણીમાં 'વર્કલાઇફ ઇન્ડિયા'ને બ્રૉન્ઝ ઍવૉર્ડ મળ્યો હતો.

રવિવારની રાત્રે યોજાયેલા 14માં વાર્ષિક સમારોહમાં મીડિયા જગતની જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.

ઍક્સચેન્જ ફૉર મીડિયાએ 2008માં ટેલિવિઝન સમાચારમાં શ્રેષ્ઠ પ્રતિભાને સન્માનિત કરવા અને ભારતમાં ટેલિવિઝન બ્રૉડકાસ્ટિંગના ભાવિને આકાર આપવા માટે જવાબદાર એવા બ્રૉડકાસ્ટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ન્યૂઝ બ્રૉડકાસ્ટિંગ ઍવૉર્ડ્સ આપવાની શરૂઆત કરી હતી.

દરેક કૅટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ એમ ત્રણ ઍવૉર્ડ રાખવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો