UP, પંજાબની હાર બાદ રાહુલ ગાંધીને લોકોએ કેમ કહ્યું, 'ટાટા, બાય બાય'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે આવેલાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ભાજપને માટે ખુશી લઈને આવ્યાં, પાર્ટીએ પાંચમાંથી ચાર રાજ્યમાં બહુમતી મેળવી છે. જોકે, કૉંગ્રેસ માટે પરિણામ અપેક્ષા મુજબ ન હતાં.

પંજાબમાં પાર્ટી સત્તા પર હતી, જ્યાં તેનો પરાજય થયો છે. ઉત્તરાખંડમાં ભાજપે ત્રણ-ત્રણ મુખ્ય મંત્રી બદલવા પડ્યા હતા, એટલે કૉંગ્રેસ માટે પ્રમાણમાં સારી સ્થિતિ માનવામાં આવતી હતી. આવી જ રીતે ગોવામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં કૉંગ્રેસની તકો ઉજ્જવળ હતી.

પંજાબમાં ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ કૅપ્ટન અમરિંદરસિંહને હઠાવીને ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. જેઓ બંને બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. રાહુલે અગાઉ ભાજપ સાથે જોડાયેલા નવજોતસિંહ સિદ્ધુને પાર્ટીની કમાન સોંપી હતી. તેઓ પણ પોતાની અમૃતસર પૂર્વની સીટ બચાવી શક્યા ન હતા.

ઉત્તર પ્રદેશમાં રાહુલ તથા તેમનાં બહેન પ્રિયંકા ગાંધીએ સામે આવીને ચૂંટણી લડી હતી. પરંતુ ત્યાં પાર્ટી પાંચ બેઠક પણ નથી મેળવી શકી.

ટ્વિટર પર રાહુલ ગાંધીના નેતૃત્વ અને કૉંગ્રેસના ભવિષ્યનો મુદ્દો છવાયેલો હતો. કેટલાક લોકોએ રાહુલ ગાંધીને સલાહ પણ આપી હતી.

દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા નરેશ બલિયાને બુધવારે લેવાયેલો રાહુલ ગાંધીનો ફોટોગ્રાફ રિટ્વીટ કર્યો હતો, જેમાં તેઓ આઇસ્ક્રીમ ખાતા જણાય છે. આ તસવીર તેમના મતવિસ્તાર વાયનાડમાં લેવામાં આવી હતી.

બલિયાને વ્યંગ કરતાં લખ્યું, "ન વિજયની ચિંતા, ન પરાજયનો અફસોસ, જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે. જે થશે તે પણ સારું જ થશે. તું ભૂતનો(કાળ) પશ્ચાતાપ ન કર. ભવિષ્યની ચિંતા ન કર. વર્તમાન ચાલી રહ્યો છે. તારું શું ગયું, તે તું રડે છે? તું શું લઈને આવ્યો હતો, જેને તે ગુમાવી દીધું?"

પત્રકાર તથા લેખક આનંદ રંગનાથે પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર ટિપ્પણી કરતાં લખ્યું, "આજનો દિવસ ભાજપ માટે સારો રહ્યો. બસ સાંજે કૉંગ્રેસનું નેતૃત્વ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પુનઃવિશ્વાસ વ્યકત કરી દે."

લેખક અર્નબ રેએ ગાંધી પરિવારના નેતૃત્વની પર વ્યંગ કરતાં લખ્યું, "કૉંગ્રેસસમર્થકો દ્વારા કહેવામાં આવે છે કે નેતૃત્વ બાબતે વિકલ્પ આપવામાં નથી આવતા. તેઓ આપે છે, રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી."

સ્વઘોષિત ભાજપસમર્થક ઋષિ બાગરેએ લખ્યું, "પ્રિયંકા ગાંધીએ જ્યાં-જ્યાં રૉડશૉ કર્યાં...ત્યાં-ત્યાં કૉંગ્રેસના ઉમેદવાર રસ્તા પર આવી ગયા!!! આને કહેવાય અસલી ચૂંટણીપ્રચાર."

પત્રકાર આદિત્યરાજ કૌલે પોતાના ટ્વીટમાં લખ્યું, "ભારતની જૂની અને ભવ્ય પાર્ટીને ધોઈ નાખ્યા બાદ આજે ફરી એક વખત ન્યૂઝ ચેનલો રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યની ચર્ચા કરશે. તેઓ 51 વર્ષના છે."

"તેઓ 75 વર્ષના થઈ જશે, ત્યારે પણ ભારતીય ન્યૂઝ ચેનલો અને રાજકીય નિરીક્ષકો ભારતીય રાજકારણમાં તેમના ભવિષ્ય અને તેમના "યુવા નેતૃત્વ" વિશે ચર્ચા કરતા હશે."

રાહુલ રોશને લખ્યું, "રાહુલ ગાંધીને બ્રૅક લેવા માટે એકદમ ઉપયુક્ત સમય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ શરૂ થઈ રહી છે." તેમનો ઇશારો રાહુલ ગાંધી પર લાગતા આરોપો પર છે કે જેમાં કહેવાય છે કે તેઓ ચૂંટણી પ્રત્યે રજાઓ ગાળવા માટે વિદેશ ઊપડી જાય છે .

આંધ્ર પ્રદેશ ભાજપના મહાસચિવ વિષ્ણુ વર્ધન રેડ્ડીએ રાહુલ ગાંધીના ચૂંટણીપ્રચારની એડિટેડ ક્લિપ ટ્વીટ કરી હતી. જેના કૅપ્શનમાં લખ્યું હતું, 'આ બાજુ ભારત કૉંગ્રેસનું...' આ વીડિયોમાં ગાંધીને, 'ખતમ. 'ટાટા, બાય-બાય, ગુડબાય બોલતા' સાંભળી શકાય છે.

લગભગ અઢી દાયકા સુધી બીજેપી કવર કરનારાં સબા નકવીએ ટ્વિટર પર લખ્યું, "વહાલા રાહુલ ગાંધી, ક્યારેક-ક્યારેક તમે ખૂબ સારું ભાષણ આપો છો અને ઇકૉસિસ્ટમ તમારાં વખાણ કરે છે."

"તમે પદ પર રહીને 2024માં ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરવા માગો છો કે બીજાને તક આપવી છે. જીત થઈ હોય કે હાર, પણ અન્ય પક્ષોએ જે ટક્કર આપી તે જુઓ અને પછી કૉંગ્રેસની પર નજર કરો..."

પત્રકાર વિનોદ કાપડીએ સાત ટ્વીટ દ્વારા પરિણામોનું વિશ્લેષણ કર્યું, જેમાં લખ્યું કે 'યુપી-ગોવા-પંજાબ તો છોડો, પરંતુ ઉત્તરાખંડ કે જ્યાં ભાજપે ત્રણ-ત્રણ વખત મુખ્ય મંત્રી બદલવા પડ્યા. ખુદ મુખ્ય મંત્રી પાછળ ચાલી રહ્યાં હોય. (પરિણામોમાં પરાજય થયો છે.) તો સ્પષ્ટ છે કે પાર્ટીમાં ઘણી બધી ગરબડ છે.'

'આ ખૂબ જ શરમજનક પરાજય છે અને પાર્ટીએ ગાંધી પરિવારમાંથી મુક્તિ અંગે વિચારવું જોઈએ.પાર્ટીએ આત્મમંથન નહીં, ગંભીરતાથી વિચારવું પડશે.'

'સાથે જ તેજસ્વી-અખિલેશ અને રાહુલે યાદ રાખવું જોઈએ કે ચૂંટણીના માત્ર છ મહિના પહેલાં ઍક્ટિવ થવાથી કશું નહીં મળે. તેમની લડાઈ એવા પક્ષ સાથે છે કે જે ચોવીસેય કલાક 365 દિવસ ઇલેક્શન મૉડમાં રહે છે.'

પાંચેય રાજ્યોમાં પાર્ટીના પરાજય અંગે પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર લખ્યું, "જનાદેશને વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. જેમનો વિજય થયો છે, તેમને અભિનંદન."

"સખત પરિશ્રમ કરવા બદલ કૉંગ્રેસના કાર્યકર્તા તથા સ્વયંસેવકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપણે બોધ લઈશું અને દેશની જનતાના હિત માટે કામ કરતા રહીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો