પંડિત બિરજુ મહારાજ : પદ્મ વિભૂષણ વિજેતા કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું નિધન

પ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા.

પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી.

તેમણે લખ્યું, "અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે આજે અમે અમારા પરિવારના અમારા સૌથી પ્રિય સભ્ય પંડિત બિરજુજી મહારાજને ગુમાવ્યા છે. તેમણે 17 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ."

બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કરતા ગાયક અદનાન સામીએ ટ્વીટ કર્યું.

તેમણે લખ્યું, "મહાન કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજજીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. આપણે કલા ક્ષેત્રે એક અદ્વિતીય સંસ્થા ગુમાવી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે. તેમના આત્માને શાંતિ મળે.''

બિરજુ મહારાજ કથકનો પર્યાય બની ગયા

લખનૌના કથક પરિવારમાં જન્મેલા બિરજુ મહારાજના પિતા અચ્છન મહારાજ અને કાકા શંભુ મહારાજનું નામ દેશના પ્રખ્યાત કલાકારોમાં સામેલ છે.

તેમનું પ્રારંભિક નામ બ્રિજમોહન મિશ્રા હતું. નવ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. ત્યારબાદ તેમણે તેના કાકા પાસેથી કથક નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું.

થોડા સમય પછી કપિલા વાત્સ્યાયન તેમને દિલ્હી લઈ આવ્યા. તેમણે સંગીત ભારતી (દિલ્હી)માં નાના બાળકોને કથક શીખવવાનું શરૂ કર્યું અને પછી કથક કેન્દ્ર (દિલ્હી)નો હવાલો સંભાળ્યો.

તેમણે કથકમાં ઘણા પ્રયોગો કર્યા અને ફિલ્મો માટે કોરિયોગ્રાફી પણ કરી. તેમને ત્રણ પુત્રી અને બે પુત્ર છે.

ઘણા પુરસ્કારો ઉપરાંત, તેમને પદ્મ વિભૂષણ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માન અને ફિલ્મ 'વિશ્વરૂપમ' માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે દિલ્હીમાં 'કલાશ્રમ' નામની કથક સંસ્થાની સ્થાપના કરી.

શરૂઆત

બિરજુ મહારાજનું નામ પહેલા દુખહરન રાખવામાં આવ્યું હતું. જે હૉસ્પિટલમાં તેમનો જન્મ થયો હતો, ત્યાં તેમના સિવાય અન્ય તમામ છોકરીઓનો જન્મ થયો હતો, તેથી તેનું નામ બૃજમોહન રાખી દેવામાં આવ્યું હતું.

જેઓ પાછળથી 'બિરજુ' અને પછી 'બિરજુ મહારાજ' તરીકે પ્રખ્યાત થયા.

બિરજુ મહારાજને કથક નૃત્ય વારસામાં મળ્યું હતું. તેમના પૂર્વજો અલ્હાબાદના હાંડિયા તાલુકાના રહેવાસી હતા.

વર્ષ 1800માં અહીં કથક કલાકારોના 989 પરિવારો રહેતા હતા. આજે પણ અહીં કથક તળાવ અને સતી ચૌરા છે.

બિરજુ મહારાજનાં માતાને તેમનું પતંગ ઉડાવવાનું અને ગિલ્લી-દંડા રમવાનું બિલકુલ પસંદ ન હતું. જ્યારે માતા પતંગ માટે પૈસા નહોતાં આપતાં ત્યારે નાના બિરજુ દુકાનદાર બબ્બન મિયાં સામે નૃત્ય કરીને પતંગ મેળવી લેતા.

મધ્યકાળમાં કથકનો સંબંધ કૃષ્ણકથા અને નૃત્ય સાથે હતો. બાદમાં, મુઘલકાળના આગમન સાથે, આ નૃત્ય રાજ દરબારોમાં સમ્રાટોના મનોરંજન માટે કરવામાં આવતું હતું.

ગામમાં દુષ્કાળ પડતાં લખનૌના નવાબે તેમના પૂર્વજોને રાજ્યાશ્રય આપ્યો અને આ રીતે બિરજુ મહારાજના પૂર્વજ નવાબ વાજિદ અલી શાહને કથકની તાલીમ આપવા લાગ્યા.

ભારતના શાસ્ત્રીય નૃત્યોના આઠ પ્રકારોમાં કથક સૌથી જૂનું છે.

કથક સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ કથાકાર થાય છે. બિરજુ મહારાજને તબલા, પખાવજ, નાલ, સિતાર વગેરે જેવાં ઘણાં સંગીતસાધનો પર પણ નિપુણતા સાધ્ય હતી.

તેઓ ખૂબ સારા ગાયક, કવિ અને ચિત્રકાર પણ હતા.

ઠુમરી, દાદરા, ભજન અને ગઝલ ગાવામાં પણ બિરજુ મહારાજ બેજોડ હતા.

શક્ય એટલા વધુ લોકોને કથક શિખવવાના ધ્યેયથી પંડિત બિરજુ મહારાજે 1998માં કલાશ્રમ નામથી કથક કેન્દ્રની સ્થાપના કરી.

બિરજુ મહારાજે સત્યજીત રેની 'શતરંજ કે ખિલાડી'થી લઈને 'દિલ તો પાગલ હૈ', 'ગદર', 'દેવદાસ', 'દેઢ ઇશ્કિયા', 'બાજીરાવ મસ્તાની' સુધીની ઘણી ફિલ્મોની કોરિયોગ્રાફી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો