You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હેડ ક્લાર્ક પેપર લીક કેસ : ઈસુદાન અને ગોપાલ ઇટાલિયા સહિત છ સામે ફરિયાદ અને AAPના 70 લોકોની અટકાયત
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવાથી તપાસમાં ઢીલ વર્તાઈ રહી છે.
ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગુજરાત ભાજપના મુખ્યાલય 'કમલમ્'નો ઘેરાવ કર્યો હતો, જે દરમિયાન ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ પણ થયું હતું.
ગાંધીનગરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મયૂર ચાવડાએ આ મામલે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું તે કે આ મામલે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને 70 લોકોની અટકાયત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં ફરિયાદી પક્ષના લોકો અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેનો ઉલ્લેખ પણ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરો હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડની નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે.
કમલમનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ તથા અન્ય કાર્યકરો સામેલ હતા.
આમ આદમી પાર્ટીએ ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ પર 'સુપર સીએમ'ની જેમ વર્તવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવતાં કહ્યું કે તેમની મરજી વગર સરકારી કામ થતાં નથી.
પાર્ટીએ આરોપ મૂક્યો કે ગુજરાતમાં બિનસચિવાલય તથા તલાટીની પરીક્ષાનાં પણ પેપર લીક થયાં હતાં અને તેમાં પણ ભાજપના કાર્યકરોની સંડોવણી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું, તે આ પ્રકારનું નવમું કૌભાંડ છે.
આમ આદમી પાર્ટીએ કેટલીક માગો મૂકી છે, જેમાં તેમણે ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન અસિત વોરાને પદ પરથી હઠાવવાની માગ પણ કરી છે. પાર્ટીએ અસિત વોરાના કાર્યકાળમાં થયેલાં તમામ પેપર લીક કૌભાંડની તપાસ કરવાની માગ કરી છે.
સાથે આપે સરકાર પર પેપર લીક કેસમાં માત્ર એજન્ટો પર કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો છે અને સાથે જ બધા મુખ્ય આરોપીઓ પર કાર્યવાહી કરવાની માગ કરી છે.
પાર્ટીએ પેપર લીક કેસની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી નીમવાની માગ કરી હતી.
આપે અગાઉની તમામ પેન્ડિંગ ભરતીઓ પૂરી કરવાની પણ માગ કરી હતી.
'આપ આદમી પાર્ટીના નેતાઓએ સસ્તી લોકપ્રિયતા માટે આ હરકત કરી' - ભાજપ
ભાજપના કાર્યાલય કમલમ્ પાસે ઘેરાવ કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
તેમને ગાંધીનગરમાં પોલીસસ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. આપ નેતાઓએ આપેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ગોપાલ ઇટાલિયાને ઈજા થઈ છે. અન્ય નેતોઓને પણ ઈજા થઈ હોવાનું જણાવાય છે.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે ભાજપના નેતા ઋત્વિજ પટેલ સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે પેપર લીક કેસમાં પોલીસ કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે અને તપાસ ચાલી રહી છે.
ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ સસ્તી પ્રસિદ્ધિ માટે આ હરકત કરી છે.
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની આ હરકત લોકશાહીને ન શોભે તેવી છે. કમલમ્ 24 કલાક લોકો માટે ખુલ્લું હોય છે અને સુરક્ષાબંદોબસ્ત પણ હોય છે.
કમલમ્ ખાતે લોકોના આવવા પર કોઈ રોકટોક નથી, પરંતુ આટલી મોટી સંખ્યા આ રીતે લોકો પહોંચી જશે એવું ન વિચાર્યું હોય.
અરવિંદ કેજરીવાલે 'કથિત હુમલા'ની ટીકા કરી
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસની કાર્યવાહીને લઈને ટીકા કરી છે.
ગાંધીનગરમાં આજે આપ નેતાઓ અને કાર્યકરોએ ગુજરાત ભાજપના કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને તે દરમિયાન તેમની અટકાયત પણ કરવામાં આવી હતી.
આપના કેટલાક નેતાઓ અને કાર્યકરોને ઈજાઓ થઈ હોવાનું જણાવાયું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "આપના કાર્યકર્તાઓ પર ક્રૂરતાપૂર્ણ હુમલો નિંદનીય છે. જનતા ના અધિકાર માટે ઉઠાવેલો અવાજ લાઠીઓથી અથવા તાનાશાહીથી દબાવી ન શકાય."
આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે ભાજપના ગુંડાઓએ આપના કાર્યકરોને ખરાબ રીતે માર માર્યો હતો.
ત્યારે ભાજપની મહિલા કાર્યકરોએ પણ પોલીસમાં આપ કાર્યકરો પર અભદ્ર વર્તન કરવાનો આરોપ કર્યો છે.
ત્યારે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય મુજબ ગુજરાત ભાજપે આપ કાર્યકરો પર અસામાજિક તત્ત્વોની જેમ ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે પ્રવેશ કરવાનો આરોપ લગાવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો