મનસુખ માંડવિયા : સાઇકલ પર સંસદ પહોંચવાથી માંડીને ગુજરાતના CMની રેસ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
મનસુખ માંડવિયા, ગુજરાતના પાટીદાર નેતા જેમને કેન્દ્રીય કૅબિનેટમાં તાજેતરમાં જ આરોગ્યમંત્રીની અગત્યની જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી.
શનિવારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યના આગામી મુખ્ય મંત્રી તરીકે સંભવિત ઉમેદવારોની યાદીમાં સૌથી ટોચ પરનાં અમુક નામોમાં માંડવિયાનું નામ પણ સામેલ છે. તેથી તેમના વિશે ફરી એક વાર ચર્ચા શરૂ થઈ છે.
આ અહેવાલમાં અમે તમને તેમના રાજકીય અનુભવ અને બૅકગ્રાઉન્ડ વિશે જણાવીશું.
તાજેતરમાં થયેલ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં નવા સામેલ કરાયેલ ચહેરાઓ પૈકી ટૂંકી કારકિર્દીમાં કેન્દ્રીય મંત્રીમંડળ સુધી પહોંચનારા નેતા તરીકે મનસુખ માંડવિયાનું નામ લેવાય છે.
માંડવિયાએ તેમની રાજકીય કારકિર્દી 1996માં શરૂ કરી હતી, પાલિતાણા ભાજપના તાલુકા પ્રમખથી તેમની કારકિર્દી શરૂ થઈ અને હવે તેઓ કૅબિનેટ સુધી પહોંચી ગયા છે.
RSSના સ્વયંસેવક તરીકેની તેમની કામગીરીની નોંધ પક્ષમાં લેવાઈ હતી અને RSSના ગુજરાતના એક ચહેરા તરીકે સામે આવ્યા હતા. આ નેતા ઓછી વયના કૅબિનેટના મંત્રીઓમાંથી એક છે.

માંડવિયા ટ્રૉલ કેમ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં તેમને સામેલ કરાતાં તેમણે ભૂતકાળમાં અંગ્રેજીમાં કરેલાં તેમનાં ટ્વીટ્સને કારણે તેઓ ટ્રૉલ થઈ રહ્યા છે. લોકોએ તેમનાં જૂનાં ટ્વીટ કાઢીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યાં હતાં.
શિવાંગી તોમર નામનાં એક યૂઝરે માંડવિયાનાં જૂનાં ટ્વીટ શૅર કર્યાં અને કટાક્ષ કર્યો કે "આ આપણા નવા આરોગ્યમંત્રી છે." આ ટ્વીટમાં માંડવિયાએ independence અને tryના સ્પેલિંગ ખોટા લખ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો નવીન નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું, "હું તો બસ, મારા દેશના ભાગ્ય વિશે વિચારી રહ્યો છું. મને ગો કોરોના ગો અને થાળીઓ ખખડાવવાના દિવસો યાદ આવી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તો કેટલાક યૂઝર્સ મનસુખ માંડવિયાના સમર્થનમાં પણ આવ્યા હતા. લોકોનું કહેવું હતું કે માંડવિયાને તેમના કામને આધારે આંકવા જોઈએ, નહીં કે અંગ્રેજી ભાષાના આધારે.
જાણીતાં પત્રકાર બરખા દત્તે ટ્વીટ કર્યું, મહેરબાની કરીને નવા મંત્રીઓના અંગ્રેજીને નિશાન બનાવવાનું બંધ કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

લોકસંપર્ક અને નમ્ર સ્વભાવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભાવનગર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા માંડવિયાએ ભાજપમાં તેમની કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી શરૂ કરી હતી. તેઓ 2012માં રાજ્યસભાના સભ્ય તરીકે ગુજરાતથી ચૂંટાયા અને 2018માં ફરીથી ચૂંટાઈ આવ્યા હતા.
1972માં જન્મેલા માંડવિયા 28 વર્ષની વયે ધારાસભ્ય બન્યા અને નાની વયના ધારાસભ્યોમાંથી તેઓ હતા. 2002ની ચૂંટણીમાં તેની પાલિતાણાથી જીત થઈ હતી.
બીબીસી ગુજરાતીએ મનસુખ માંડવિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન પર તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે તેમના વિશે અને તેમની કામગીરી વિશે બીબીસીએ ઘણા નેતાઓ સાથે વાત કરી હતી.
મોટા ભાગના લોકોનું માનવું છે કે પાર્ટીમાં તેમનો ઝડપી વિકાસ થયો, તેનાં મુખ્ય કારણો વિધાનસભા અને લોકસભા ચૂંટણી વખતનો તેમનો લોકસંપર્ક અને નમ્ર સ્વભાવ છે.
ભાજપ નેતા હેમંત ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "મનસુખભાઈ RSSમાં સક્રિય હતા, એથી લોકો તેમને ઓળખતા હતા. સ્વયંસેવકો અને તેમના પરિવારજનો સાથે તેમના સારા સંપર્ક છે, જેના કારણે તેઓ પાલિતાણાનાં અંતરિયાળ ગામડાં સુધી પહોંચી શક્યા છે."

કન્યાકેળવણીની પદયાત્રાથી આવ્યા ચર્ચામાં

ઇમેજ સ્રોત, Mansukh mandaviya fb
2004ના વર્ષે તેમણે કન્યાકેળવણી માટે 145 કિલોમિટર લાંબી પદયાત્રા કરી, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
તેમને જાણનારા લોકો જણાવે છે કે એબીવીપીમાં સક્રિય હતા, એ વખતે પણ તેઓ કન્યાકેળવણી માટે કામ કરી રહ્યા હતા.
ધારાસભ્ય બન્યા બાદ 2005માં તેમણે પાલિતાણા તાલુકાનાં 40 જેટલાં ગામડાઓમાં 'કન્યાકેળવણી જ્યોત પદયાત્રા'નું આયોજન કર્યું હતું. એ બાદ પાલિતાણા વિધાનસભામાં આવતાં આશરે 100 ગામડાંની 2007માં પદયાત્રા કરી હતી.
તેમનો સાઇકલ ચલાવવાનો પ્રેમ પણ અનેક વખત ચર્ચામાં આવ્યો છે. પ્રથમ વખત રાજ્યકક્ષાના મંત્રી બન્યા ત્યારે શપથવિધિમાં તેઓ પોતાના ઘરેથી સંસદ સુધી સાઇકલ પર ગયા હતા. સાઇકલ પર સંસદ પહોંચવાની તેમની તસવીર વાઇરલ પણ થઈ હતી.
તેઓ મોદી સરકારની પ્રથમ ઇનિંગમાં રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપૉર્ટ, હાઇવે, કેમિકલ અને ફર્ટિલાઇટર, તેમજ શિપિંગના મંત્રી રહી ચૂક્યા છે.

મુખ્ય મંત્રીની રેસમાં નામ આવ્યાનો વિવાદ

ઇમેજ સ્રોત, mansukh mandaviya fb
2017માં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી સમયે મનસુખ માંડવિયાના સમર્થકોએ તેમનું નામ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી તરીકે આગળ મૂક્યું હતું.
તે સમયે વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા, પરંતુ તેમનું નામ લેઉવા પટેલ તરીકે પાટીદાર નેતાગીરીએ આગળ મૂક્યું હતું.
2020ના મે મહિનામાં અનેક છાપાંમાં તેમનું નામ ફરીથી ચર્યાયું, એવા સમાચારો પ્રસિદ્ધ થયા હતા કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી બદલાઈ શકે છે અને વિજય રૂપાણીની જગ્યા મનસુખ માંડવિયા લઈ શકે છે.
જોકે આ સમાચાર પછી વિવાદ થયો અને ગુજરાતના એક પત્રકાર વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

ABVPના સભ્યથી સાંસદસભ્ય

ઇમેજ સ્રોત, mansukh mandaviya fb
1992માં તેઓ વિદ્યાર્થીનેતા તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને ટૂંક સમયમાં જ ABVPની ઍક્ઝિક્યુટિવ કમિટીમાં સ્થાન મેળવી લીધું.
સક્રિય રાજનીતિમાં તેઓ 1996માં પ્રવેશ્યા અને ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા, માત્ર બે જ વર્ષમાં તેઓ પાલિતાણા ભાજપના પ્રમુખ બન્યા અને 2002માં તેઓ તે ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી યુવા ચહેરા તરીકે ઊભરીને આવ્યા.
2004 અને 2006માં તેઓ કન્યાકેળવણી માટે પદયાત્રાઓ યોજીને રાજ્યની નેતાગીરીની નજરમા આવ્યા અને તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ તેમને બિરદાવ્યા.
2010માં તેઓ ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન બન્યા, 2012માં તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા.
2013માં તેમનું નામ ગુજરાત ભાજપના સ્ટેટ સેક્રેટરી તરીકે પણ ચર્ચાયું હતું. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડ્યા, ત્યારે ભાજપે મોટા પાયે સભ્ય બનાવવાની ઝુંબેશ ચલાવી હતી.
તે સમયે ગુજરાતમાંથી સભ્ય બનાવવાની જવાબદારી માંડવિયાને સોંપાઈ હતી.
ભાજપ નેતા ભરત પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "તેમણે ખૂબ સારી રીતે આ જવાબદારી નિભાવી અને સૌથી વધુ સભ્ય ગુજરાતમાંથી બન્યા હતા."
2015માં તેઓ ગુજરાત રાજ્યના ભાજપના સૌથી યુવા જનરલ સેક્રેટરી બન્યા.

રાષ્ટ્રીય નેતાગીરીમાં સ્થાન

ઇમેજ સ્રોત, mansukh mandaviya fb
નરેન્દ્ર મોદીની પ્રથમ કૅબિનેટનાં બે વર્ષ બાદ 2016માં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું.
2018માં ફરીથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, 2019માં ગાંધીવિચારના પ્રસાર માટે તેમણે એક પદયાત્રા કરી, તે સમયે ઇન્ટરનેટ મારફતે નરેન્દ્ર મોદી જોડાયા હતા અને આ પ્રકારનું આયોજન કરવા બીજા સાંસદોને પણ અપીલ કરી હતી.
મહિલા સશક્તિકરણ માટે UNICEFએ તેમને મૅન ફૉર મૅન્સ્ટ્રુએશન ઍવૉર્ડ આપ્યો હતો, 2020માં ડેવોસ ખાતે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
2008માં ભાજપની કારોબારી મિટિંગમાં રાજ્યની તમામ નેતાગીરી હાજર હતી, ત્યારે સંબોધન તે સમયના મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનસુખ માંડવિયા અને ભરત પંડ્યાનાં જાહેરમાં વખાણ કર્યાં હતાં.
આ વિશે વાત કરતાં ભરત પંડ્યા બીબીસી ગુજરાતીને કહે છે, "લોકોની સાથે સંપર્ક રાખીને કેવી રીતે કામ કરવું તે વાતનું ઉદાહરણ આપતાં સાહેબે અમારા બન્નેનાં નામ લીધાં હતાં."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













