You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્ર સાથે એક લાઇનમાં જોવા મળશે પાંચ ગ્રહ, ગુજરાતમાં કઈ રીતે જોઈ શકાશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શનિવારથી એક અલૌકિક ખગોળીય ઘટના ગુજરાતમાં જોવા મળી રહી છે, આકાશમાં ચંદ્ર સાથે પાંચ ગ્રહો એક લાઇનમાં દેખાય છે. રવિવારે રાત્રે પણ આ નજારો જોવા મળશે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી શુક્ર, શનિ અને ગુરુ ગ્રહ નરી આંખે જોઈ શકાતા હતા.
જ્યારે શનિ અને રવિવાર, એમ બે દિવસ માટે આ ત્રણ ઉપરાંત યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ પણ ચંદ્ર સાથે એક જ રેખામાં દેખાઈ રહ્યા છે.
ખગોળવિદોના જણાવ્યા પ્રમાણે પૂનમ નજીક હોવાથી ચંદ્રના પ્રકાશને કારણે તે વધુ સારી રીતે જોઈ શકાય છે.
પ્લૅનેટ પરેડ : કઈ રીતે જોવા મળશે પાંચ ગ્રહો એક લાઇનમાં?
ખગોળવિદ ભાર્ગવ જોશી બીબીસી ગુજરાતીના સંવાદદાતા બાદલ દરજી સાથે વાત કરતાં કહે છે કે, "ગ્રહો અને ઉપગ્રહોની ભ્રમણની ગતિ જુદી-જુદી હોય છે. પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય એવા ત્રણ ગ્રહો છે."
તેઓ કહે છે કે તેમના ભ્રમણની જુદી-જુદી ગતિના કારણે શુક્ર, શનિ અને ગુરુ ગ્રહ છેલ્લા ત્રણ મહિનાથી એક જ લાઇનમાં જોઈ શકાય છે.
આ ઉપરાંત નરી આંખે ન જોઈ શકાય તેવા યુરેનસ અને નેપ્ચ્યુન પણ હાલમાં આ ત્રણ ગ્રહની રેખામાં જ છે.
તેમનું કહેવું છે કે "પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રની ભ્રમણગતિ પણ અલગ છે, અને આથી રવિવારે પણ પાંચ ગ્રહો ચંદ્રની સાથે એક રેખામાં દેખાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આ દુર્લભ નજારો નરી આંખે જોવો શક્ય નથી. આ અંગે ભાર્ગવ જોશી કહે છે કે, "નરી આંખે ચંદ્ર સાથે માત્ર શુક્ર, શનિ અને ગુરુ ગ્રહને જ જોઈ શકાશે."
"જ્યારે આ યુરેનસ અને નેપ્ચ્યુનને જોવા માટે બાયનોક્યુલર અથવા તો ટેલિસ્કોપની મદદ લેવી પડશે."
બાયનોક્યુલર કે ટેલિસ્કોપ ન હોય એવા લોકો ચંદ્ર સાથે ત્રણ ગ્રહોને એક જ લાઇનમાં નરી આંખે જોઈ શકશે.
ખગોળીય ઘટના જોતી વખતે શું ધ્યાન રાખવું?
અવકાશી નજારાઓને માણવા માટે હવામાન, પ્રદૂષણની સ્થિતિ, પ્રકાશ સહિત ઘણી બધી બાબતો અંગે ધ્યાન રાખવું પડે છે.
ગુજરાતમાંથી દેખાનારી આ ખગોળીય ઘટનાને જોવા માટે પણ કેટલીક બાબતો ધ્યાને રાખવી જરૂરી છે.
ભાર્ગવ જોશી કહે છે કે, "શક્ય હોય તો શહેરી વિસ્તારમાંથી દૂર એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં પ્રકાશ ઓછો હોય."
"શહેરી વિસ્તારમાં લાઇટ્સના કારણે ગ્રહો જોવામાં મુશ્કેલી પડી શકે છે. આ ઉપરાંત વાદળછાયુ વાતાવરણ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ."
તેઓ જણાવે છે કે, "યુરેનસ ગ્રહને બાયનોક્યુલરની મદદથી પણ જોઈ શકાય છે, પરંતુ નેપ્ચ્યુનને જોવા માટે ટેલિસ્કોપ અનિવાર્ય છે."
લિયોનાર્ડ ધૂમકેતુને પણ નરી આંખે જોઈ શકાશે
જાન્યુઆરી 2021માં પ્રથમ વખતે નજરે પડેલા ધૂમકેતુ લિયોનાર્ડને 12 ડિસેમ્બરથી રાત દરમિયાન ગુજરાતમાંથી જોઈ શકાશે.
ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના સીઈઓ મુકેશ પાઠકના જણાવ્યા પ્રમાણે, "અત્યાર સુધી આ ધૂમકેતુ વહેલી સવારે જ જોઈ શકાતો હતો, પરંતુ 12 ડિસેમ્બરથી તે સૂર્યાસ્ત બાદ મોડી રાત સુધી જોઈ શકાશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ખૂબ જ સુંદર દેખાતો આ ધૂમકેતુ ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો