You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC ISWOTY : ભારતનાં ઉત્તમ મહિલા ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?
- લેેખક, વંદના
- પદ, બીબીસી સંવાદદાતા
26 વર્ષીય ભવાની દેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનારાં ભારતનાં પ્રથમ ફેન્સર છે. હાલમાં તેઓ ટોક્યો ઓલિમ્પિક્સ માટે પોતાનું સ્થાન સુરક્ષિત કરવા તૈયારી કરી રહ્યાં છે.
ફેન્સિંગ એક એવી રમત છે જે ભારતમાં હજુ સુધી સંપૂર્ણપણે સ્થાપિત નથી થઈ. ભારત જેવા દેશમાં ફેન્સિંગમાં કારકિર્દી બનાવવી હોય તો અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
કોરોનાની માર સહન કરી રહેલા વર્ષ દરમિયાન ખેલાડીઓની તાલીમ રદ થઈ હતી અને જિમ પણ બંધ હતા. તેવામાં ભવાનીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેમણે પોતાના ઘરની છત પર ઈંટોની મદદથી એક ડમી પાર્ટનર બનાવ્યો હતો જેથી તેઓ તાલીમ ચૂકી ન જાય.
તેઓ કહે છે જ્યારે જિમ ખુલ્યાં ત્યારે મેં અન્ય એક યુવા ખેલાડી અને કુસ્તીબાજ દિવ્યા કાકરન સાથે દિવસ ગાળ્યો હતો. અમે તેમના જ્યોર્જિયન કોચ સાથે એક આકરું ટ્રેનિંગ સત્ર કર્યું હતું જેમાં વીડિયો કોલ દ્વારા કોચ સતત માર્ગદર્શન આપતા હતા.
કોરોના રોગચાળા દરમિયાન પણ આ ભારતીય મહિલા ખેલાડીઓના જુસ્સા અને મનોબળને કોઈ અસર થઈ નથી. તેમની નજર હવે ટોક્યો ઑલિમ્પિક્સ પર છે.
આવી પૃષ્ઠભૂમિમાં બીબીસી 8 ફેબ્રુઆરીએ બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરની બીજી આવૃત્તિ રજૂ કરી રહ્યું છે જેમાં ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીઓની સિદ્ધિને બિરદાવવામાં આવશે.
તેની પાછળનો હેતુ રમતગમત ક્ષેત્રે મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો અને ભારતીય ખેલાડીઓના યોગદાનની કદર કરવાનો છે જેમાં પેરા એથ્લીટ્સ પણ સામેલ છે.
ભારતીય મહિલા ખેલાડીઓની આગેકૂચ
રિયો ઑલિમ્પિક્સ ખાતે ભારત બે મેડલ જીત્યું હતું અને બંને મેડલ મહિલા ખેલાડીઓએ અપાવ્યા હતા. આ વર્ષે પણ ભારતમાંથી ઘણી મહિલા ખેલાડીઓ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે ભારતીય મહિલા ખેલાડીએ પ્રથમ ઑલિમ્પિક્સ મેડલ જીત્યો હતો તેને પણ ગયા વર્ષે 20 વર્ષ થયા.
વર્ષ 2000માં વેઇટ લિફ્ટર કર્નમ મલ્લેશ્વરીએ સિડની ઑલિમ્પિક્સ ખાતે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 19 સપ્ટેમ્બર, 2000ની તારીખ આજે પણ મારી સ્મૃતિમાં કોતરાઈ ગઈ છે.
ત્યાર બાદ સાઈના નેહવાલ, સાક્ષી મલિક, મેરી કોમ, માનસી જોશી અને પી વી સિંધુ જેવી ખેલાડીઓએ ભારત માટે ઑલિમ્પિક્સ મેડલ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સ જીતી છે.
કોરોનાના કારણે ચાલુ વર્ષમાં સ્પોર્ટ્સ કેલેન્ડર મર્યાદિત રહ્યું છે. આમ છતાં એશિયા અને વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપ્સ, ચેસ ઑલિમ્પિયાડ મહિલા હોકી માટે ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ યોજાયા છે તથા ભારતીય મહિલા ખેલાડીઓએ કેટલીક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવોર્ડ આ સિદ્ધિઓને સન્માનિત કરવા તથા તેમના પ્રશ્નો અને પડકારો તરફ ધ્યાન દોરવાની દિશામાં એક પહેલ છે.
મહિલા ખેલાડીઓને સમાન સ્થાન અપાવવું
તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે માર્ચ 2020માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી.
તે સમયે મહિલાઓની સ્પોર્ટિંગ ઇવેન્ટ માટે 90,185 દર્શકોનો વિક્રમ તૂટતા સહેજમાં રહી ગયો હતો. જોકે, ICC મુજબ વૈશ્વિક સ્તરે મહિલાઓની ક્રિકેટ મૅચમાં દર્શકોની સંખ્યાનો સૌથી મોટો આંકડો નોંધાયો હતો.
રસપ્રદ વાત એ છે કે ભારતીય મહિલા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ્સ જીતી રહી છે, પરંતુ તેમની સિદ્ધિઓની તુલનામાં તેમની ઓનલાઈન હાજરી ઓછી છે.
વિકિપિડિયા પર પણ ઘણી ભારતીય મહિલા ખેલાડીઓની બહુ ઓછી અથવા શૂન્ય માહિતી ઉપલબ્ધ છે. તેથી પુરુષોની સરખામણીમાં મહિલા ખેલાડીઓ ઓનલાઈન હાજરીમાં પાછળ છે.
‘બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર’ના ભાગરૂપે બીબીસી વિકિપિડિયા સાથે મળીને એક એક હેકેથોનનું આયોજન કરશે જેમાં સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ ભારતીય મહિલા ખેલાડીઓ વિશે 50 વિકી એન્ટ્રી કરશે. મહિલાઓને સમાન સ્થાન અપાવવાનો આ એક પ્રયાસ છે.
‘બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર’ ઍવૉર્ડ એ ખાસ કરીને ટોક્યો ઑલિમ્પિક્સ અગાઉ મહિલાઓ અને યુવાનોને રમતગમત સાથે વધારે સાંકળવાના બીબીસીના પ્રયાસનો હિસ્સો છે.
વિજેતાની પસંદગી કઈ રીતે થશે?
બીબીસી દ્વારા પસંદ કરવામાં આવેલી જ્યુરીએ ભારતીય મહિલા ખેલાડીઓની એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં ભારતના અગ્રણી સ્પોર્ટ્સ પત્રકારો, નિષ્ણાતો અને લેખકો સામેલ છે.
જ્યુરીના સભ્યો તરફથી સૌથી વધુ મત મેળવનારી ટોચની પાંચ મહિલા ખેલાડીઓને જાહેર ઓનલાઇન વોટિંગ માટે નૉમિનેટ કરવામાં આવી છે. વોટિંગ 8 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 24 ફેબ્રુઆરી 2021 સુધી ચાલશે.
બીબીસી જ્યુરી ‘બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર’ને પણ પસંદ કરશે જેમાં ઍડિટોરિયલ બોર્ડ દ્વારા ‘લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ’ માટે રમતગમત ક્ષેત્રના એક વિખ્યાત ખેલાડીને નૉમિનેટ કરવામાં આવશે.
2019માં સૌપ્રથમ ‘બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર’નો ઍવૉર્ડ રિયો ઑલિમ્પિક્સના મેડલિસ્ટ પી.વી. સિંધુ જીત્યાં હતાં જ્યારે દોડવીર પી.ટી. ઉષાને ‘લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ’ અપાયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો