You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપને માટે આ ચુકાદો કોઈ ખાસ મહત્ત્વ રાખતો નથી - દૃષ્ટિકોણ
- લેેખક, પદ્મ શ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી માટે
અયોધ્યાના વિવાદાસ્પદ માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું ત્યારે સતા પર કેન્દ્રમાં અને બીજે કોંગ્રેસ સરકાર હતી. 28 વર્ષ પૂર્વ આ ઘટના માટે ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, અને કેટલાક સાધુ સંતો પર આ અંગે મુકદમો ચલાવવામાં આવ્યો હતો. 30 સપ્ટેમ્બરે આવેલા ચુકાદા મુજબ તમામને આરોપમુક્ત કરવામાં આવ્યા છે. આ વિષે કેટલુંક નિરીક્ષણ આ પ્રમાણે છે.
આ પ્રશ્ન માત્ર ભાજપનો ન હતો. 500 વર્ષથી આ વિવાદ હતો અને ભારતમાં બહુમતી સમાજ માટે તે આસ્થા અને ગુસ્સાનો વિષય રહ્યો હતો તેને માટે અનેક વાર સંઘર્ષ પણ થયો. સ્વતંત્ર ભારતમાં પણ દેશવ્યાપી રામભક્તો, હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, શિવસેના, સાધુ સમાજ, રાષ્ટ્રીય સ્વયમ સંઘ, ભારતીય જન સંઘ વગેરે આ પ્રશ્નમાં સામેલ રહ્યા. કૉંગ્રેસમાં પણ એવા નેતાઓ હતા જેમને રામજન્મભૂમિની સ્થાપનામાં રસ હતો.
પરંતુ ભારત વિભાજન પછી હિન્દુ અને મુસ્લિમ એવા બે છેડા કોઈ ને કોઈ સવાલ પર સંવેદનશીલ રહ્યા છે, રમખાણો પણ થયાં અને વિવાદાસ્પદ માળખું પણ તેમાં બાકાત ના રહ્યું. ભાજપને એવું લાગતું હતું કે સત્તા પર બેઠેલો કૉંગ્રેસ પક્ષ વોટબૅન્ક માટે મુસ્લિમ લઘુમતી ને પંપાળી રહ્યો છે અને રામજન્મભૂમિ જેવા પ્રશ્નના ઉકેલને ટાળી રહ્યો છે. પરિણામે તત્કાલીન ભાજપ નેતા એલ.કે અડવાણીએ સોમનાથ યાત્રા કાઢી. એ પહેલાં જન સંઘ-ભાજપના તમામ ચૂંટણીઢંઢેરામાં આ પ્રશ્ન સામેલ કરવામાં આવ્યો હતો.
રામજન્મભૂમિ મુદે ભાજપે સમગ્ર હિન્દુ સમાજની લાગણીનો પડઘો પાડ્યો. પરંતુ જ્યારે આ યાત્રા વિવાદાસ્પદ માળખા પાસે પહોંચી ત્યારે અદાલતના જણાવ્યા પ્રમાણે ટોળું બેકાબૂ બન્યું અને માળખાને તોડી પાડ્યું. જો પૂર્વ નિયોજીત કાવતરું હોત તો રામલલ્લાને ખસેડી લેવાયા હોત. નેતાઓ માટે પણ આ ઘટના આશ્ચર્યજનક હતી અને અડવાણીએ તો તેને રોકવા પણ પ્રયત્ન કર્યો.
આ 28 વર્ષોમાં ભાજપના કેટલાક નેતાઓ રાજ્ય અને કેન્દ્રમાં સત્તાસ્થાને પણ પહોંચ્યા હતા. આમાંના કેટલાકના અવસાન થયાં છે. ડૉ.જોષી અને અડવાણી જેવા વયોવૃદ્ધ થયા છે. ઉમા ભારતીને સત્તાની રાજનીતિમાં હજી પદ મળ્યું નથી. વી.એચ.પીના અશોક સિંઘલ મૃત્યુ પામ્યા છે.
આ સંજોગોમાં ભાજપને માટે આ ચુકાદો કોઈ ખાસ મહત્વ રાખતો નથી. જે નવા નેતાઓ તૈયાર થયા અને સંગઠન અને સત્તામાં છે તેમને માટે આ ચુકાદાની કોઈ અસર છે નહીં અને રહેશે પણ નહીં. બેશક, સામાન્ય કાર્યકર્તાઓને કદાચ મથુરા અને કાશીના બે આસ્થા કેન્દ્રો વિષે સક્રિય થવાનું ગમશે.
છેવટે તો બંધારણ, ન્યાયતંત્ર, સરકાર અને પ્રજાનું એક પરંપરાગત સાંસ્કૃતિક અસ્તિત્વ છે તેને સેક્યુલરિઝમને નામે નષ્ટ કરી શકાય નહીં એટલી વાસ્તવિકતા આપણાં લોકતંત્ર એ સ્વીકારવી જોઈએ અને મુખ્યત્વ મુસ્લિમ લઘુમતી સમાજે પણ સમજણપૂર્વક તેનો સ્વીકાર કરવો જોઈએ.
હજી આ પ્રશ્ન ન્યાયતંત્ર માટે જો ચાલુ રહે તો પણ તેની સાર્વજનિક જીવન પર કોઈ અસર રહેવાની નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો