You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુદર્શન ન્યૂઝ : UPSCમાં મુસલમાનોની ભરતીના કાર્યક્રમ પર સુપ્રીમની રોક - TOP NEWS
મુસ્લિમોની સિવિલ સેવામાં પસંદગી અંગેના સુદર્શન ટીવીના કાર્યક્રમ પર સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે અને બાકી એપિસોડ દેખાડવા પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા ડી. વાઈ. ચંદ્રચૂડે કહ્યું કે આ ચેનલ દ્વારા કરાઈ રહેલા દાવા ઘાતક છે અને આનાથી યુપીએસસીની પરીક્ષાની વિશ્વસનીયતા પર લાંછન લાગી રહ્યું છે અને આ દેશને નુકસાન કરે છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "એક એન્કર આવીને કહે છે કે એક વિશેષ સમુદાય યુપીએસસીમાં ઘૂસણખોરી કરી રહ્યો છે."
"શું આનાથી વધારે ઘાતક કોઈ વાત હોઈ શકે. આવા આરોપોથી દેશની સ્થિરતા પર અસર થાય છે અને યુપીએસસી પરીક્ષાઓની વિશ્વસનીયતા પર લાંછન લાગે છે."
તેમણે કહ્યું કે યુપીએસસી માટે અરજી કરતી દરેક વ્યક્તિ પસંદગીની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને એવો ઇશારો કરવો કે કોઈ એક સમુદાય સિવિલ સેવાઓમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યો છે, તો આનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે.
ચીન અંગે 'મોદીજીએ દેશને ગુમરાહ કર્યા', રાહુલ ગાંધીનો આક્ષેપ
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારત-ચીનના વિવાદ મામલે આજે સંસદમાં નિવેદન આપતાં કહ્યું કે ચીને એલએસી અને આંતરિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈન્ય ટુકડીઓ અને શસ્ત્રો તહેનાત કર્યાં છે.
તેમણે કહ્યું કે પૂર્વ લદ્દાખ અને ગોગરા, કોંગકા લા અને પેંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ છેડે અનેક ઘર્ષણવાળા વિસ્તારો છે. આપણી સેના આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કરશે.
તેમણે એમ પણ જણાવ્યું કે ચીની કાર્યવાહીના જવાબમાં આપણી સેનાઓએ પણ આ ક્ષેત્રોમાં પૂરતી જવાબી તહેનાતી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેમણે એમ પણ કહ્યું કે ચીન અને ભારતે માન્યું છે કે સીમા પર શાંતિ જાળવી રખાશે. સરહદવિવાદ એક જટિલ મુદ્દો છે અને શાંતિપૂર્ણ વાતચીતથી જ સમાધાન મળશે.
કૉંગ્રેસે સંરક્ષણમંત્રીના ભાષણ પર પ્રતિક્રિયા આપતાં કેટલાક સવાલ કર્યા.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યું, "સંરક્ષણમંત્રીના નિવેદનથી એ સ્પષ્ટ છે કે મોદીજીએ દેશને ચીનના અતિક્રમણને લઈને ગુમરાહ કર્યા. આપણો દેશ હંમેશાંથી ભારતીય સૈન્યની સાથે ઊભો હતો, છે અને રહેશે. મોદીજી, તમે ક્યારે ચીનની વિરુદ્ધમાં ઊભા રહેશો? ચીન પાસેથી આપણા દેશની જમીન ક્યારે પરત લેશો? ચીનનું નામ લેવાથી ડરો નહીં."
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ ટ્વીટમાં કહ્યું, "દેશ સૈન્યની સાથે એકજૂટ છે. પરંતુ એ કહો, ચીને આપણી જમીન પર કબજો કરવાનું ખોટું સાહસ કેવી રીતે કર્યું? મોદીજીએ ચીન દ્વારા આપણા વિસ્તારમાં ઘૂસણખોરી ન કરવા વિશે ગુમરાહ કેમ કર્યા? ચીનને આપણી જમીન પરથી પરત ક્યારે મોકલીશું? ચીનને લાલ આંખ ક્યારે દેખાડીશું?"
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને વિપક્ષી પાર્ટીઓએ આ મામલે સંસદમાં ચર્ચાની માગ કરી હતી.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ચોથી સપ્ટેમ્બરે મોસ્કોમાં ચીનના સંરક્ષણમંત્રી વેઇ ફેંગે સાથે મુલાકાત કરી હતી.
એ પછી વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમાં ઘર્ષણના અંત માટે પાંચ સૂત્રીય યોજના પર સહમતિ સધાઈ હતી.
જયા બચ્ચન : બોલીવૂડમાં નામ કમાનારા લોકો હવે તેને ગટર કહે છે
સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને નામ લીધા વિના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશન પર નિશાન સાધ્યું છે.
જયા બચ્ચને શૂન્યકાળ દરમિયાન કહ્યું કે કેટલાક લોકોને કારણે તમે આખી ઇન્ડસ્ટ્રીની છબિ ખરાબ ન કરી શકો.
તેઓએ કહ્યું કે લોકસભામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવનારા લોકસભાના એક સભ્ય પર તેમને શરમ આવે છે.
સોમવારે રવિ કિશને લોકસભામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ દિશામાં કડક કાર્યવાહીની માગી કરી હતી.
તેઓએ લોકસભામાં શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે પાકિસ્તાન અને ચીનથી નશીલા પદાર્થોની દાણચોરી થઈ રહી છે અને આ દેશની યુવાપેઢીને બરબાદ કરી રહી છે. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ પહોંચી ગયું છું અને એનસીબી તેની તપાસ કરી રહી છે.
જયા બચ્ચને કહ્યું, "મનોરંજનઉદ્યોગમાં કામ કરતાં લોકો સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈ રહ્યા છે. જે લોકોએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કમાયું છે, તેઓ હવે તેને ગટર કહી રહ્યા છે. હું તેની સાથે સંપૂર્ણ અસહમત છું. હું આશા રાખું છું કે સરકાર આવા લોકોને આવી ભાષાનો ઉપયોગ નહીં કરવાનું કહેશે."
ભાજપના સાંસદ રવિ કિશને જયા બચ્ચનના જવાબમાં ટ્વીટ કર્યું, "આશા રાખું છું કે જયાજી મારી વાતનું સમર્થન કરશે. ઇન્ડસ્ટ્રીમાં દરેક ડ્રગ લેતું નથી, પરંતુ જે લેય છે, તેઓ ષડ્યંત્રનો ભાગ છે, જે દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બરબાદ કરવા માગે છે. જ્યારે હું અને જયાજી આવ્યા ત્યારે આવી સ્થિતિ નહોતી, પરંતુ હવે આપણે ઇન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે."
ગુજરાતમાં શાળાઓ ફરી ક્યારે શરૂ થશે?
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ સૂત્રોના હવાલાથી લખ્યું કે શાળાઓ ખોલવા માટે હજુ સુધી સરકાર અનિર્ણિત છે.
અખબાર અનુસાર, રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિવિધ શાળાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ હતી. જોકે બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નહોતો.
કેટલાકે દિવાળી વેકેશન પછી શાળાઓ ખોલવા રજૂઆત કરી હતી. જ્યારે કેટલાકે આવતાં વર્ષે સ્કૂલો ખોલવા સૂચનો કર્યાં હતાં.
એક સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મંત્રીએ પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
તો કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ શાળાઓ ફરી શરૂ કરવા અંગે વાલીઓ પાસેથી પ્રતિક્રિયા માગવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ મહામારીને કારણે બંધ પડેલી સ્કૂલો હજુ પણ ખોલવામાં આવી નથી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ટાંકીને અમદાવાદ મિરર લખે છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે "અમે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે પણ આ અંગે બેઠક યોજીશું. અને ચર્ચા કરીશું કે સ્કૂલો ક્યારે શરૂ કરવી જોઈએ અને શરૂ કરીએ તો શું-શું પ્રોટોકૉલનું પાલન કરવું જોઈએ."
25 સાંસદો કોરોના પૉઝિટિવ
સોમવારથી સંસદના ચોમાસુસત્રની શરૂઆત થઈ ગઈ છે, જોકે આ પહેલાં 25 સાંસદો કોરોના પૉઝિટિવ મળ્યા છે.
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, પૉઝિટિવ રિપોર્ટ આવેલા સાંસદોના 13 અને 14 સપ્ટેમ્બરે સંસદભવનમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
પૉઝિટિવ આવેલા સાંસદોમાં લોકસભાના 17 અને રાજ્યસભાના 8 સાંસદો સામેલ છે.
લોકસભાના કોરોના સંક્રમિત સાંસદોમાં સૌથી વધુ 12 સાંસદો ભાજપના છે, YRS કૉંગ્રેસના બે, શિવસેના, DMK અને RLPના એક-એક સાંસદ છે.
સૂત્રોના હવાલાથી એનડીટીવીએ લખ્યું કે સંસદ પરિસરમાં 12 સપ્ટેમ્બરે થયેલા RT-PCR Testsમાં કુલ 56 લોકો પૉઝિટિવ આવ્યા હતા, જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો સહિત અધિકારીઓ અને મીડિયાકર્મી પણ સામેલ છે.
ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ ટ્વીટ કરીને કહ્યું કે "મારો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. મારી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને હું રિપોર્ટ કરાવવાની અપીલ કરું છું. આપણે કોરોના સામે લડીશું અને જીતીશું."
ડુંગળીની નિકાસ પર સરકારે રોક લગાવી
ભારત સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવી દીધી છે.
આ પગલું ઘરેલુ માગને પહોંચી વળવા માટે ભરવામાં આવ્યું છે. હાલમાં દિલ્હીમાં ડુંગળી 35થી 40 રૂપિયે કિલો વેચાઈ રહી છે.
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રાલયે એક જાહેરનામું જાહેર કર્યું છે, જે પ્રમાણે વિદેશ વેપાર, (વિકાસ અને વિનિયમન) અધિનિયમ 1992ના સેક્શન 3માં આવેલી શક્તિઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસનીતિમાં સંશોધન કર્યું છે.
આ પ્રતિબંધની મર્યાદામાં બેંગલુરુ અને કૃષ્ણપુરમમાં ઊગતી ડુંગળી પણ આવી જાય છે.
અધિસૂચનામાં લખવામાં આવ્યું, "ડુંગળીની બધી પ્રકારની નિકાસ પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી દીધી છે. ટ્રાન્ઝિશનલ અરેજમૅન્ટની જોગવાઈ આ જાહેરનામા હેઠળ લાગુ નહીં થાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો