ભીમા કોરેગાંવ : આત્મસમર્પણ કરનાર દલિત લેખક આનંદ તેલતુંબડે કોણ છે?

આનંદ તેલતુંબડે

ઇમેજ સ્રોત, Youtube

ભીમા કોરેગાવ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે આપેલી મુદત પૂર્ણ થતાં લેખક આનંદ તેલતુંબડેએ મુંબઈના NIA કાર્યાલય ખાતે જઈને આત્મસમર્પણ કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પાસેથી મળતી માહિતી પ્રમાણે એ પછી NIA દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ અગાઉ આત્મસમર્પણ માટેની મુદત વધારતી વખતે જસ્ટિસ અશોક ભૂષણના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું હતું કે હવે આના પછી મુદત વધારી આપવામાં નહીં આવે.

કોરોના વાઇરસના સંક્રણના પગલે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ વચ્ચે તેમની અટકાયતને ટાળવા માટે દેશભરમાંથી કર્મશીલો આગળ આવ્યા હતા.

line

કોણ છે આનંદ તેલતુંબડે?

આનંદ તેલતુંબડે

ઇમેજ સ્રોત, Getty Images

આનંદ તેલતુંબડે લેખક અને દલિત કર્મશીલ છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના રાજુર ગામમાં થયો છે.

તેમણે નાગપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી ખાતે અભ્યાસ કર્યો છે.

કેટલાક સમય સુધી કામ કર્યા બાદ તેમણે અમદાવાદ સ્થિત ઇન્ડિય ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ ખાતે પ્રવેશ લીધો અને ત્યાં તેમને કેટલાક વિષયો પર સંશોધન કર્યું.

ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ, પેટ્રોનેટ ઇંડિયા જેવી સંસ્થાઓના મહત્ત્વપૂર્ણ પદો પર તેઓ રહી ચૂક્યા છે.

તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈઆઈટીમાં અધ્યાપનકાર્ય કર્યું છે અને હાલમાં તેઓ હોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટમાં કાર્યરત્ છે.

અત્યાર સુધીમાં 26 પુસ્તકો તેમનાં 26 પુસ્તકો પ્રકાશિત થયાં છે અને આ ઉપરાંત તેઓ અનેક વિચારપત્રોમાં લખે છે.

તેમના અનેક શોધનિબંધ પણ પ્રકાશિત થયા છે, જેમાં મૅનેજમૅન્ટ અને સામાજિક ચળવળ પરના શોધપત્રોનો સમાવેશ થાય છે.

line

ગૌતમ નવલખા કોણ છે?

ગૌતમ નવલખા જાણીતા માનવાધિકાર કર્મશીલ તથા લેખક-પત્રકાર છે,

પુણે પોલીસ દ્વારા ભીમા કોરેગાંવ કેસમાં તપાસ આદરવામાં આવી એ પછી સપ્ટેમ્બર 2018માં નવલખાની દિલ્હી ખાતેથી અટક કરવામાં આવી હતી.

તેલતુંબડે અને નવલખા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને એ ફરિયાદ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

જોકે એ અરજીને નકારી દેવાતાં જામીન માટે અરજી કરવામાં આવી હતી.

પુણેની અદાલતે તેમની અરજ નકારી કાઢતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

જોકે સુપ્રીમ કોર્ટે આપેલી મુદત બાકી હોવાથી તેમને મુક્ત કરવાના આદેશ અદાલતે આપ્યા હતા.

line

તેલતુંબડે અને ભીમા કોરેગાંવ

ભીમા કોરેગાંવ

31 ડિસેમ્બર 2017ના રોજ યોજાયેલી યલગાર પરિષદ બાદ ભીમા કોરેગાંવ હિંસના પ્રકરણમાં કેટલાક કર્મશીલોની અટકાયત 28 ઑગસ્ટ 2018ના રોજ કરવામાં આવી હતી.

આ દરમિયાન તેલતુંબડેના ઘરે પણ છાપો મારવામાં આવ્યો હતો.

તેલતુંબડેના મતે પોલીસ પાસે વૉરંટ નહોતું અને તેમની ઘેરહાજરીમાં ઝડતી લીધી હતી. એ વખતે તેલતુંબડે મુંબઈમાં હતા.

31 ઑગસ્ટ 2018ના રોજ પોલીસ અધિકારી પરમબીર સિંહ દ્વારા એક પત્રકારપરિષદ યોજવામાં આવી. તેલતુંબડે અને અન્ય પાંચ લોકો પર ભીમા કોરેગાવ પ્રકરણમાં સામેલગીરી હોવાનું જણાવ્યું હતું અને એ આરોપને પ્રમાણિત કરવા માટે એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસે ઉલ્લેખ કર્યો હતો કે એ પત્ર કોઈ 'કૉમેરડ' દ્વારા લખાયો હતો.

જોકે પોલીસના આરોપોને તેલતુંબડેએ નકારી કાઢ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો