કોરોના વાઇરસનું લૉકડાઉન : હાર્ટઍટેક આવતાં હાથલારીમાં નાખી હૉસ્પિટલ પહોંચ્યાં પરંતુ ન બચી શક્યો જીવ

જેમનું અવસાન થયું તે જયંતિભાઈ

ઇમેજ સ્રોત, Kanubhai Patel

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં દાખલ 46 વર્ષીય મહિલાનું શનિવારે બપોરે મૃત્યુ થયું છે.

ગુજરાતમાં કુલ પૉઝિટિવ કેસનો આંકડો 53એ પહોંચ્યો છે.

કોરોના વાઇરસને કારણે ગુજરાતમાં લૉકડાઉન છે અને આ સમયે ઉત્તર ગુજરાતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

દવા અને શાકભાજી લેવા ગામડેથી સિદ્ધપુર ગયેલા એક ખેડૂતને અચાનક ઍટેક આવતાં ગામના સ્થાનિકોએ એમ્બ્યુલન્સ આવે તેની રાહ જોયા વિના જ હાથલારીમાં નાખીને દવાખાને લઈ ગયા હતા, પણ આધેડનું રસ્તામાં જ મોત થઈ ગયું.

અલબત્ત, મૃતકનો પરિવારનો એમ જ કહે છે કે, "ભગવાનની મરજી હશે એટલે આવું થયું."પણ સિદ્ધપુરના લોકો માને છે કે, જો લૉકડાઉન ના હોત તો ખાનગી વાહનમાં અમે એમને દવાખાને સમયસર પહોંચાડી શક્યા હોત અને આ વ્યક્તિનો જીવ બચી શકાયો હતો.ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

line
કોરોના વાઇરસ
line

દવા-શાકભાજી લેવા ગયા અને મોત થયું

પરિવારજનો

ઇમેજ સ્રોત, Kanubhai Patel

ઇમેજ કૅપ્શન, મૃતકના સગા કનુભાઈ પટેલ

ઉત્તર ગુજરાતના નાનકડા એવા બિલિયા ગામના ખેડૂત જયંતીભાઈ પટેલ શુક્રવારે બપોરે પોતાના ગામેથી નીકળી દવા અને શાકભાજી લેવા મોટરસાઇકલ પર સિદ્ધપુર ગયા હતા.

સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે એ મોટરસાઇકલ લઈને ઊભા હતા ત્યાં જ અચાનક એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને ઢળી પડ્યા.

ગામના કેટલાક જવાનિયાઓ તાત્કાલિક એમને હાથલારીમાં નાખીને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં 52 વર્ષીય જયંતીભાઈનું મૃત્યુ થઈ ગયું હતું.

બાવન વર્ષીય જયંતીભાઈના બે દીકરા ચેતન અને દર્શક ગાંધીધામ અને અમદાવાદમાં નોકરી કરે છે જ્યારે જયંતીભાઈ ગામમાં ખેતી કરતા હતા.

જયંતીભાઈ પાસે ખેતીની મોટી જમીન છે અને એ કનુભાઈ નામના એમના સાથી સાથે ભાગીદારીમાં ખેતી કરે છે.

જયંતીભાઈના નિકટના સગા કનુભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જયંતીભાઈ અને અમારે કૌટુંબિક સંબંધ છે. હું, એમના મોટાભાઈ દેવાભાઈ પટેલ સાથે ધંધો કરીએ છીએ. બે દિવસથી જયંતીભાઈ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હતા. ગઈ કાલે બપોરે એક પોતાની પાસેની દવા લઈ મોટરસાઇકલ લઈ સિદ્ધપુર શાકભાજી અને દવા લેવા ગયા હતા."

"સામાન લઈને એ સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે જેવા મોટરસાઇકલ પર બેસીને વાહન ચાલુ કરવા ગયા ને ત્યાં ઢળી પડ્યા. અને સ્થાનિકોએ એમને હાથલારીમાં લઈને લઈ ગયા. આ દરમિયાન અમે સિદ્ધપુર પહોંચ્યા ત્યારે ખબર પડી કે એમનું અવસાન થયું છે."

line

'પ્રભુને ગમ્યું તે ખરું'

પરિવારજનો

ઇમેજ સ્રોત, Kanubhai Patel

ઇમેજ કૅપ્શન, મૃતકના પરિવારજનો

પરિવારના સભ્યોને ડૉક્ટરે કહ્યું કે કોઈની સામે ફરિયાદ કરવી છે? તો મૃતકના સગાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

કનુભાઈએ જણાવ્યું કે "અમને ડૉક્ટરોએ કહ્યું કે કોઈની સામે ફરિયાદ કરવી છે? પણ હવે ભગવાનને ગમ્યું તે ખરું એમ સમજી અમે ફરિયાદ કરવાનું ટાળ્યું છે અને અમે એમને અમારા ગામ લઈને આવ્યા. અહીં તાત્કાલિક માત્ર 5 માણસોની હાજરીમાં એમની અંતિમક્રિયા કરી, જેથી લોકોનાં ટોળાં ભેગાં ન થાય."

"અમારી ઇચ્છા છે કે ગામમાં સ્મશાનયાત્રાના નામે લોકો વધુ ભેગા ન થાય એટલે અમે એમનું બેસણું પણ બહુ જ ઓછા લોકોની હાજરીમાં રાખ્યું છે. જેમાં પાંચ જ લોકો હાજર રહેશે."

આ વિસ્તારના સામાજિક કાર્યકર બ્રિજેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "જો આ લૉકડાઉન ન હોત તો સિદ્ધપુરના કોઈ પણ વ્યક્તિની ખાનગી ગાડીમાં નાખીને એમને અમે ઝડપથી હૉસ્પિટલ પહોંચાડ્યા હોત તો કદાચ એમનું મૃત્યુ ન થયું હોત."

તેઓએ વધુમાં જણાવ્યું, "લૉકડાઉનને કારણે કોઈ ખાનગી વાહનો નહોતાં. અમારા ગામના યુવાનોએ 108ને ફોન કર્યો પણ એ વખતે 108 એમ્બ્યુલન્સ અન્ય જગ્યાએ હતી. એમણે નજીકથી બીજી એમ્બ્યુલન્સ ડૉક્ટર સાથે મોકલી આપવાની વાત કરી હતી.

"આ અજાણી વ્યક્તિ જે રીતે મોટરસાઇકલ પર બેસતા ઢળી પડી હતી એ જોતાં સિદ્ધપુરના યુવાનો કોઈ વાહન ન હોઈ હાથલારીમાં નાખીને એમને દોડતાંદોડતાં સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પાટણ જિલ્લાના 108ના કો-ઑર્ડિનેટર મનીષ જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારી પર એ વખતે 108 એમ્બ્યુલન્સ માટે ફોન આવ્યો હતો. પેશન્ટ જ્યાંથી નજીક હતું ત્યાંની એમ્બ્યુલન્સ આ પહેલાં જ એક કેસ માટે નીકળી ગઈ હતી."

"અમે આ ફોન કરનાર વ્યક્તિને ડૉક્ટર સાથે બીજી એમ્બ્યુલન્સ મોકલવાની તૈયારી બતાવી હતી, પરંતુ અમે ડૉક્ટર સાથેની બીજી એમ્બ્યુલન્સ મોકલીએ તે પહેલાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા."મનીષ જોશીએ કહ્યું કે "બીજી એમ્બ્યુલન્સ નીકળી તે વખતે તે નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યાં સંપર્ક સાધ્યો હતો, પરંતુ એમણે એમ્બ્યુલન્સની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું."

"અમારા તરફથી પૂરતી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ દર્દી જ્યાં હતા. તેની નજીકની એમ્બ્યુલન્સ બીજા એક પેશન્ટને લેવા પહોંચી ગઈ હતી એટલે અમે તાત્કાલિક બીજી વ્યવસ્થા કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં આ લોકો નીકળી ગયા હતા."

પાટણના ચીફ હેલ્થ ઑફિસર આર.પી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "જ્યારે સિવિલમાં હૉસ્પિટલમાં આ પેશન્ટને લાવવામાં આવ્યું ત્યારે એમનું અવસાન થઈ ચૂક્યું હતું."

"અમે દર્દીને તપાસી દર્દીનાં સગાં આવ્યાં ત્યારે એમની ફરિયાદ પણ સાંભળી હતી. એમને અમારી કામગીરીથી સંતોષ હતો એટલે એ લોકો મૃતદેહને લઈને બિલિયા ગામ જવા રવાના થઈ ગયા હતા."

આ અંગે બીબીસીએ સ્વ. જયંતીભાઈના દીકરા ચેતન અને દર્શકનો સંપર્ક સાધતાં એમણે આ અંગે કહીં પણ કહેવાનો ઇન્કાર કરી કહ્યું કે "પ્રભુને ગમ્યું તે ખરું."

તો એમના સગા કનુભાઈ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ભગવાને કદાચ જયંતીભાઈનું અવસાન નિમિત્ત કર્યું હશે એટલે જ અમે કોઈની સામે કોઈ ફરિયાદ કરવા માગતા નથી."

તેમણે એમ પણ કહ્યું કે "અમે અંતિમક્રિયામાં પાંચ માણસોને લઈને જ કરી છે. કોરોનાના કારણે બેસણામાં પણ ઘરના ચાર કે પાંચ માણસ હશે અને દરેકને વૉટ્સઍપ કરી બેસણાની જાણ કરીશું. અને વૉટ્સઍપથી એમને શોકસંદેશો પાઠવી શકે."

સામાજિક કાર્યકર બ્રિજેશ પટેલનું કહેવું છે કે ગામડાના અંતરિયાળ ભાગોમાં લૉકડાઉનના કારણે ઘણી સમસ્યા ઊભી થઈ છે."જો લૉકડાઉન ન હોત તો કોઈ પણ ખાનગી કારમાં આ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાઈ હોત અને હૃદયરોગથી મૃત્યુ રોકી શક્યા હોત. પરંતુ બસ સ્ટેન્ડથી હાથલારીમાં લઈ જતા વધુ સમય લાગ્યો."

આ અંગે રાજ્યકક્ષા આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરી છે અને કોઈ કસૂરવાર ઠરશે તો પગલાં લેવાશે.

તેમણે વધુમાં કહ્યું, "અમારા ધ્યાનમાં આ કિસ્સો આવ્યો છે અને તેની ગંભીર નોંધ લીધી છે. આ અંગે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 108ની પૂરતી વ્યવસ્થા છે, આમ છતાં આવું કેમ થયું તેની અમે અચૂક તપાસ કરીશું. અને જો એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તો એની સામે કડક પગલાં લઈશું."

"અમે 108ની સેવામાં ક્યારે ફોન આવ્યો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળથી કેટલે દૂર હતી તે સમગ્ર વિગતોની તપાસ શરૂ કરી છે. અને આમાં જો કોઈ લાપરવાહી દેખાશો તો કોઈ પણ અધિકારીને છોડવામાં નહીં આવે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો