યસ બૅન્ક : પુનઃગઠનને સરકારની મંજૂરી, નાણાં ઉપાડવાની મર્યાદા હઠશે TOP NEWS

યસ બૅન્ક મામલે મોદી સરકારની કૅબિનેટની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કૅબિનેટે યસ બૅન્કના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી દીધી છે.

આ સાથે સરકારે નૉટિફિકેશન બહાર પાડી બુધવાર સાંજથી ખાતામાંથી નાણાં ઉપાડવાની રૂ. 50 હજારની ટોચમર્યાદા હટાવી દેવા માહિતી આપી છે.

હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કૅબિનેટની મંજૂરી બાદ ચાર ખાનગી બૅન્ક રોકાણ માટે સામે આવી છે અને તે યસ બૅન્કમાં 3100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

જ્યારે સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા યસ બૅન્કમાં 7,250 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

જે ચાર બૅન્કોએ યસ બૅન્કમાં રોકાણની જાહેરાત કરી છે, તેમાં ICICI બૅન્ક, HDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને કોટક બૅન્કનું નામ સામેલ છે.

ICICI અને HDFC યસ બૅન્કમાં એક-એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જ્યારે ઍક્સિસ બૅન્ક 600 કરોડ રૂપિયા અને કોટક બૅન્ક 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે યસ બૅન્કને સંકટમાંથી કાઢવા માટે તીવ્ર ગતિએ કામ ચાલી રહ્યું છે.

પહેલાં તેની કૅપિટલ 1100 કરોડ હતી, જે હવે વધારીને 6200 કરોડ કરી દેવામાં આવી છે.

'મારી અને મારી કૅબિનેટ પાસે જન્મનું પ્રમાણપત્ર નથી'

દિલ્હી વિધાનસભામાં શુક્રવારે NPR અને NRC વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો.

NDTV માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં અધ્યક્ષને કહ્યું, "મારી નાગરિકતા સાબિત કરવા મારી પાસે પણ જન્મ પ્રમાણપત્ર નથી."

"મારાં પત્ની પાસે પણ નથી, મારાં માતાપિતા પાસે પણ નથી. બસ બાળકોનાં છે. શું દિલ્હીના મુખ્ય મંત્રી અને તેમના પરિવારને ડિટેન્શન સેન્ટર મોકલી દેવામાં આવશે?"

"મારા આખા કૅબિનેટ પાસે પણ જન્મનું પ્રમાણપત્ર નથી. અધ્યક્ષ મહોદય, તમારી પાસે પણ નથી."

દિલ્હી વિધાનસભાએ NPR અને NRC વિરુદ્ધ શુક્રવારના રોજ પ્રસ્તાવ પાસ કર્યો. એનપીઆર અને એનઆરસી પર ચર્ચા માટે બોલાવવામાં આવેલા એક દિવસીય વિશેષ સત્રમાં મુખ્ય મંત્રી કેજરીવાલે તેને પરત લેવાની અપીલ કરી.

મહત્ત્વનું છે કે સામાન્ય જનતામાં ધારણા છે કે ભારત સરકાર જનતા પાસે નાગરિકતા સાબિત કરવા માટે દસ્તાવેજ માગશે અને પ્રાપ્ત દસ્તાવેજો અને નવા એન.પી.આર.ના આધારે એક નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન તૈયાર કરશે.

હાઈકોર્ટની સુઓમોટો અરજી

ગુજરાત હાઈકોર્ટે કોરોના વાઇરસની સ્થિતિ અંગે સુઓ મોટો નોંધ લીધી છે અને કોરોના વાઇરસ સામે લડવા અંગે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે અહેવાલ માગ્યો છે.

કાયદાકીય કેસોની માહિતી આપતી વેબસાઇટ લાઇવ લૉના અહેવાલ પ્રમાણે, જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

ખંડપીઠે નોંધ્યું હતું કે સરકારના હાથ મજબૂત કરવા માટે સુઓ મોટો જાહેર હિતની અરજી ધ્યાને લીધી છે.

બેન્ચે ગુજરાત સરકાર, કેન્દ્ર તથા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, બાર ઍસોસિયેશન, હાઈકોર્ટના સ્ટાફને કોરોનાનો પ્રસાર અટકાવવા માટે નિર્દેશ પણ આપ્યા હતા.

ગુજરાત પોલીસને મળશે 9000 બૉડી કૅમેરા

ગુજરાત પોલીસ નવી ટૅકનૉલૉજીથી સજ્જ થવા જઈ રહી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે કે રાજ્યની પોલીસને જલદી બૉડી કૅમેરા, ટેઝર ગન અને ઍન્ટી ડ્રૉન સિસ્ટમ મળશે.

વિધાનસભામાં પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે 9000 બૉડી કૅમેરાની મદદથી પોલીસને ઘણી મદદ મળશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે આવા જ આઠ હજાર કૅમેરા ફિલ્ડ ઑફિસર્સને પણ આપવામાં આવશે.

તેમણે કહ્યું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ગુજરાત મુલાકાત બાદ પોલીસને મૉડર્ન સાધનો આપવાની વાત પર સહમતી સધાઈ હતી.

ટેઝર ગનની વાત મામલે પ્રદિપસિંહે કહ્યું કે દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જેની પાસે ટેઝર ગન હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો