You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Donald Trump in India : ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં હિંસા, કાશ્મીર અને CAA મામલે શું બોલ્યા?
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકલા જ નવી દિલ્હીમાં પત્રકારપરિષદને સંબોધી હતી, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પત્રકાર પરિષદમાં સામેલ થયા નહોતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેપાર, ધાર્મિક સ્વતંત્રતા, ઇસ્લામિક કટ્ટર ત્રાસવાદ, પાકિસ્તાન અને કાશ્મીર જેવા કેટલાક મુદ્દાઓ પર પ્રશ્નોના જવાબ આપ્યા.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં અને ભારતની પણ સરાહના કરી હતી.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે સૌથી સારા સંબંધ છે.'
ટ્રમ્પે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક સ્વતંત્રતાની તરફેણમાં છે.
નાગરિકતા સંશોધન કાયદા બાબતે દિલ્હીમાં થયેલી હિંસા વિશે ટ્રમ્પે કહ્યું, "ધાર્મિક સ્વતંત્રતા બાબતે પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. મોદી ધાર્મિક સ્વતંત્રતાની તરફેણમાં છે અને ભારત આ બાબતે બહુ ગંભીર છે અને સારું કામ કર્યું છે."
તેમણે કહ્યું કે મોદી ઇચ્છે છે, " બધાને ધાર્મિક આઝાદી મળે. જો બાકી જગ્યાની સરખામણીમાં જોઈએ તો ભારત ધાર્મિક સ્વતંત્રતા બાબતે ગંભીર છે. મેં દિલ્હીની હિંસા વિશે સાંભળ્યું છે, પરંતુ પીએમ મોદી સાથે આ વિશે વાત નથી કરી."
નાગરિકતા સંશોધન કાયદા વિશે તેમણે કહ્યું કે "હું આ બાબતને ભારત પર છોડી દઇશ અને મને આશા છે કે તેઓ પોતાના લોકો માટે બરાબર નિર્ણય કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન અને કાશ્મીર પર શું બોલ્યા ટ્રમ્પ?
પાકિસ્તાનથી ઉદ્ભવતા ત્રાસવાદના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાન વિશે અમારી ચર્ચા થઈ છે, ઇમરાન ખાન સાથે પણ મારી સારી મિત્રતા છે."
જોકે કાશ્મીર મુદ્દે ટ્રમ્પે કહ્યું કે દરેક કહાણીની બે બાજુ હોય છે.
તેમણે કહ્યું કે "કાશ્મીર મુદ્દો એક સમસ્યા છે એ વાતને નકારી ન શકાય. ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનો ઉકેલ કાઢશે."
''કાશ્મીરમાં સમસ્યા છે, પરંતુ 370 વિશે મેં કંઈ નથી કહ્યું. કાશ્મીર સમસ્યાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન કરી શકે છે. મેં કહ્યું છે કે મારાથી બનતી મદદ હું કરીશ, કારણ કે બંને દેશના વડા પ્રધાન સાથે મારે સારા સંબંધ છે."
"મોદી અને મેં આ બાબતે વિસ્તારથી ચર્ચા કરી છે. મોદી બહુ ધાર્મિક અને શાંત વ્યક્તિ છે, પરંતુ તેઓ બહુ મજબૂત વ્યક્તિ છે. મેં તેમને ઍક્શનમાં જોયા છે, તેઓ આ વિષયની સંભાળ લેશે.''
અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે ચાલી રહેલી શાંતિવાર્તા વિશે તેમણે કહ્યું, "19 વર્ષ પછી અમે ઇચ્છીએ કે અમેરિકાના લોકો ત્યાંથી પાછા આવે, અમે શાંતિ ઇચ્છીએ છીએ."
તેમણે કહ્યું કે સીરિયામાં કથિત ઇસ્લામિક સ્ટેટને અમેરિકાએ ખતમ કર્યું છે.
તેમણે એવું પણ કહ્યું કે "આંતક વિરુદ્ધ બીજા દેશોએ પણ કાર્યવાહી કરવી જોઈએ. સીરિયામાંથી અમેરિકન સૈનિકોને પરત બોલવવામાં આવ્યા છે. સીરિયામાં હવે શાંતિ છે."
ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારત મુલાકાત દરમિયાન સોમવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ગયા હતા અને તેમણે મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ત્યાર બાદ તેમણે આગ્રા ખાતે તાજમહાલની પણ મુલાકાત લીધી હતી. મંગળવારે તેમણે નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો