You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Donald Trump India Visit : ટ્રમ્પે કહ્યું, 'આતંકવાદ સામે અમેરિકા-ભારત મળીને કામ કરશે'
અમેરિકાના રાષ્ટ્રપમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મિલેનિયા તથા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમનાં પત્ની મિલેનિયાએ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના અંશો
- ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 8000 માઇલ દૂર એ કહેવા આવ્યો છું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સાચા મિત્ર છે અને એમની આગેવાનીમાં ભારત સારું કામ કરી રહ્યું છે.
- એમણે ભાષણમાં નરેન્દ્ર મોદીની ચાવાળાથી દેશના વડા પ્રધાન બનવા સુધીની સફરની વાત કરી અને કહ્યું કે એક ભારતીય ધારે તે કરી શકે છે એનું નરેન્દ્ર મોદી જીવંત ઉદાહરણ છે.
- ટ્રમ્પે ભાષણ અટકાવીને મોદીનું ફરી અભિવાદન કર્યું.
- લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા તો ટ્રમ્પે કહ્યું કે, બધાને મોદી ગમે છે પણ હું તમને કહું છું કે એ બહુ ટફ છે.
- ટ્રમ્પે કહ્યું કે મોદીના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે
- ટ્રમ્પે શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલે દુલહનિયાં લે જાયેંગેનો ઉલ્લેખ કરીને બોલિવૂડની વાત કરી.
- એમણે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીને સચીન તેંડુલકરને અને વિરાટ કોહલીનો પણ ઉલ્લેખ કર્યો.
- એમણે કહ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ધરાવતો દેશમાં મોદીના નેતૃત્વ મોટા ભાગના ઘરમાં ગેસ પર ખાવાનું બનાવાવમાં આવી રહ્યું છે અને અહીં દર મિનિટ 12 લોકો ગરીબીમાંથી બહાર આવે છે.
- ટ્રૅડ-ડિલ અંગે કહ્યું કે હું અને મોદી સાથે મળીને રસ્તો કાઢીશું. ટ્રમ્પે બીજી વાર ઉલ્લેખ કર્યો કે નરેન્દ્ર મોદી ટફ નેગોશિએટર છે.
- પાકિસ્તાન સાથે અમારા સંબંધો સારા છે.
- આતંકવાદની સામે અમેરિકા ભારતની સાથે મળીને કામ કરશે.
શાનદાર રોડ શો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યાં છે.
ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ઍરપૉર્ટ પર આવકાર આપ્યો છે.
નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટી પડ્યા હતા અને હાજર મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો.
ઍરપૉર્ટથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ટ્રમ્પ-મોદીનો રોડ શો શરૂ થયો હતો અને તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
ગાંધી આશ્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને અમેરિકના પ્રથમ મહિલા મિલેનિયા ટ્રમ્પે ચરખો કાંત્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા ઉપર ટ્રમ્પની ભારતયાત્રાના સમર્થન તથા વિરોધમાં ટ્રૅન્ડ ચાલી રહ્યા છે.
કથિત રીતે ગરીબીને ઢાંકવા માટે બનાવાયેલી દીવાલની ઉપર પોલીસનો પહેરો ગોઠવી દેવાયો છે.
બીજી બાજુ, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરામાં ટ્રમ્પના આગમન પહેલાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
'મારા વીરા ટ્રમ્પભાઈને લાડી લઈ દઉ...'અને 'નગર મે જોગી...'
ટ્રમ્પના આગમન પહેલાં સ્ટેડિયમમાં હાજર લોકોનું મનોરંજન થઈ રહ્યું છે.
આ મનોરંજનમાં જાણીતા ગાયિકા કિંજલ દવેએ 'અમે લહેરી લાલા...' ગીત રજૂ કર્યું.
તેમનું પ્રખ્યાત ગીત 'ચાર-ચાર બંગડીવાળી ગાડી...' પણ રજૂ થયું હતું.
જેમાં એમણે ગાયું કે, 'મારા વીરા ટ્રમ્પભાઈને લાડી લઈ દઉં....'
તો કીર્તિદાન ગઢવીએ 'મોગલ...' અને 'નગર મે જોગી આયા..' ગાઈને લોકોને મનોરંજન કરાવ્યું.
એ પછી એમણે એક પ્રજ્ઞાચક્ષુએ છોકરી સાથે 'મારી લાડકી...' ગીત રજૂ કર્યું.
'ગૉ-બૅક ટ્રમ્પ' ટૅન્ડ્રમાં ફરી દીવાલની ચર્ચા
કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદ ઍરપૉર્ટના રસ્તે ઇંદિરા બ્રિજ પાસે ચણવામાં આવેલી દીવાલ પર પોલીસ જોવા મળી રહી છે.
પોલીસે વિવાદાસ્પદ પર અને ફરતે ચાંપતો સુરક્ષાબંદોબસ્ત ગોઠવી દીધો હતો.
એ જ વિવાદિત દીવાલ આજે #WallOfDivision અને 'ગૉબૅકટ્રમ્પ' હૅશટેગ સાથે 'ટ્રમ્પ-મોદી મીટ' સોશિયલ મીડિયામાં પણ ટૅન્ડ્ર થઈ રહ્યાં છે.
સરકારે આ દીવાલને ટ્રમ્પની મુલાકાતને લીધે છે તે વાતનો ઇન્કાર કર્યો હતો.
લેખક અને બલૉગર હંસરાજ મીણાએ ટ્વીટ કર્યું, 'ટ્મ્પ દીવાલની બીજી બાજુની પણ મુલાકાત લો અથવા પાછા જાવ.'
ટ્રાઇબલ આર્મી સ્વાગત માટે સ્વાગત માટે 26,000 બાળકોને ખડેપગે રાખવામાં આવ્યા હોવાનો આરોપ મૂકી વિરોધ નોંધાવ્યો છે.
સવારે 9.30 કલાકે - મોટેરા સ્ટેડિયમમાં લોકોનો પ્રવેશ શરૂ
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં લોકોનો પ્રવેશ શરૂ થઈ ગયો છે. અલગ-અલગ રંગના ડિવિઝન મુજબની બેઠકવ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકો ખાસ આપવામાં આવેલા ઓળખપત્રો સાથે સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકોને સમાવવાની ક્ષમતા છે.
સવારે 8.30 વાગે ઍરપૉર્ટ પાસે આવો છે માહોલ
ઍક્ટિવિસ્ટ દેવ દેસાઈની અટકાયત
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને કોઈ વિરોધપ્રદર્શન ન થાય તે માટે ગુજરાત પોલીસે જાણીતા ઍક્ટિવિસ્ટ દેવ દેસાઈની અટકાયત કરી છે.
અનહદ સંસ્થાના ટ્રસ્ટી એવા દેવ દેસાઈને રવિવારે મોડી રાત્રે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સંસ્થાના શબનમ હાશમીએ આપી છે.
શબનમે દેવ દેસાઈને મુક્ત કરવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે દેવ દેસાઈ અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદા, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં અગ્રેસર છે.
સવારે 8 કલાકે :કલાકારોમાં થનગનાટ
ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક આવકાર માટે ખૂબ મોટી તૈયારીઓ થઈ છે.
અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવવા કલાકારો વિવિધ મંચ પર વહેલી સવારથી હાજર છે.
કાર્યક્રમના રૂટ પર 16 જેટલા સ્થળોએ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરેક વૉટર પોઇન્ટ પર અમદાવાદા મ્યુનિસિપલ કૉર્પોરેશનનના અધિકારીઓ હાજર છે.
મોટેરા સ્ટેડિયમ પર અભેદ્ય સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રમ્પે કહ્યું અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન
ડોનાલ્ડ ભારત આવવા નીકળતા પહેલાં પત્રકારોને કહ્યું કે, ''તેઓ ઉત્સાહિત છે અને આ ભારતનું આજ સુધીનું સૌથી મોટું આયોજન છે.''
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ''હું ભારતના કરોડો લોકોને મળવા ઉત્સુક છું. મોદી સાથે મારા સંબંધો સારા છે. વડા પ્રધાન મોદી મારા દોસ્ત છે. મેં ખૂબ પહેલાં એમને આ યાત્રાનું વચન આપ્યું હતું અને હવે હું ભારત જવા માટે ખૂબ ઉત્સાહિત છું.''
ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, ''ફસ્ટ લેડી પણ આવી રહ્યાં છે અને અન્ય કેટલાક લોકો પણ સાથે આવે છે.''
ટ્રમ્પે કહ્યું કે, ''વડા પ્રધાન મોદીએ એ એમને કહ્યું છે કે આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે.''
ટ્રમ્પે કહ્યું કે, ''આ ખૂબ રોમાંચક થવાનું છે. હું ત્યાં ફક્ત એક રાત રોકાઈશ. આ બહુ વધારે નથી.''
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ''આ સન્માનની વાત છે કે તેઓ સોમવારે આપણી સાથે હશે. અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમથી યાત્રા શરૂ થશે.''
ઐતિહાસિક તૈયારીઓ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદમાં મોટાપાયે તૈયારીઓ થઈ છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ તરીકે વિખ્યાત સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
રોડશો અને મોટેરા સ્ટેડિયમ ઉપરાંત મોડેકથી નક્કી થયેલ ગાંધી આશ્રમ ખાતે પણ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ગયો છે.
ઍરપૉર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના 22 કિલોમીટરના રસ્તાની બંને બાજુની દિવાલોને રોડશો માટે રંગબેરંગી ચિત્રો તથા રોશનીથી શણગારવામાં આવી છે.
પોલીસ દ્વારા રૂટ તથા તેની આજુબાજુની જગ્યાએ ચાંપતો સુરક્ષાબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કાફલો જે-જે રસ્તા પરથી પસાર થશે, ત્યાં નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ તથા મિલેનિયાની તસવીરવાળા હજારો બેનર અને હૉર્ડિંગ લગાડવામાં આવ્યા છે, તેના લખાણમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટને બંને દેશ વચ્ચેના સંબંધ માટે 'ઐતિહાસિક' ગણાવવામાં આવી રહી છે.
આખું શહેર જાણે પોલીસ થાણામાં ફેરવાઈ ગયું છે, રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ખાખી કપડાંમાં પોલીસ જોવા મળે છે. વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર રૂટનું પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટ પરથી પસાર થાવ એટલે સાઇરનનો અવાજ સંભાળતો રહે છે.
રસ્તા પર કડક ચેકિંગ
લોકો રસ્તા ઉપર કાળું કપડું કે અન્ય કોઈ ચીજ ન ફેંકે, જેવી નાનીનાની બાબતને પણ ધ્યાને લેવાઈ રહી છે.
રસ્તાની ઉપર ચકાસણી માટે 'તપાસ કૅબિન' ઊભી કરી દેવાઈ છે, તપાસ બાદ જ રોડશો માટે ઊભા રહેવા દેવાશે.
સમગ્ર રૂટ ઉપર લોખંડની રેલિંગથી બૅરિકેડિંગ કરી દેવાયું છે. અમદાવાદ શહેરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડી.સી.પી.) વિજય પટેલના કહેવા પ્રમાણે, સુરક્ષાવ્યવસ્થા માટે 12 હજાર પોલીસ કર્મચારી તહેનાત કરાશે.
બહુસ્તરીય સુરક્ષા
આ સિવાય સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જેવા આજુબાજુના જિલ્લામાંથી પોલીસ કર્મચારી, રિઝર્વ પોલીસ તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
ઇવેન્ટના સ્થળો ઉપર અમેરિકાની ગુપ્તચર સંસ્થા, ભારતના નેશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (એન.એસ.જી.) તથા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપના (એસ.પી.જી.) જવાનો સુરક્ષા સંભાળી રહ્યા છે.
રસ્તા સંદિગ્ધ ડ્રોનના ખતરાને જોતાં ઍન્ટિ-ડ્રોન ટેકનૉલૉજી તહેનાત કરવામાં આવી છે. રસ્તામાં ઠેરઠેર (એન.એસ.જી.)ની સ્નાઇપર્સ તહેનાત કરવામાં આવ્યા છે.
રવિવારે, સમગ્ર રસ્તા ઉપર માત્ર એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિલ કૉર્પોરેશન), પોલીસ તથા માર્ગ અને ભવન નિર્માણ વિભાગના વાહનો જ જોવા મળી રહ્યાં હતાં, જે છેલ્લી ઘડીની વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત હતા.
રવિવારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કરીને નાગરિકોને રોડશોમાં સામેલ થઈને વિશ્વને ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યની ઝાંખી કરાવવા અપીલ કરી હતી.
મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ રોડશોને 'ઇન્ડિયા રોડ શો' એવું નામ આપવામાં આવ્યું છે, રસ્તા ઉપર એક લાખ લોકો સામેલ થશે એવો તંત્રને અંદાજ છે.
અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે અલગ-અલગ મંચ ઊભા કરવામાં આવ્યા છે. બંગાળ તથા રાજસ્થાનની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સ્ટેજ ઍરપૉર્ટ સર્કલ પાસે જ ઊભા કરવામાં આવ્યા છે.
રૂટ પર એ.એમ.સી.નો રખડતા ઢોર પકડવા માટેના વિભાગના વાહન રાઉન્ડ-ધ-ક્લૉક પેટ્રોલિંગ કરી રહ્યાં છે. પરિણામસ્વરૂપે રસ્તા ઉપર ક્યાંય ગાયો નજરે નથી પડતી.
વનવિભાગ દ્વારા ઍરપૉર્ટ તથા આજુબાજુના વિસ્તારમાંથી 50 વાંદરા પકડવામાં આવ્યા છે.
રુટ ઉપરના દુકાનદારોને સત્તાધીશોએ સોમવારે દુકાનો બંધ રાખવા સૂચના આપી છે.
આમ એકઠી થશે ભીડ
અમદાવાદ જિલ્લા હેઠળ 16 વિધાનસભા બેઠકો આવે છે. રોડશો દરમિયાન જે-તે ક્ષેત્રના લોકોને નિશ્ચિત જગ્યા ઊભા રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જેમ કે, વેજલપુર મતવિસ્તારના નાગરિકોને સદર બજાર ખાતે વાહન પાર્ક કરવા તથા અમદાવાદ કૅન્ટોન્મૅન્ટ ખાતે ઊભા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
આવી જ રીતે બાપુનગરથી આવનાર લોકો શ્રીમરન ફાર્મ પાસે કૅન્ટોન્મૅન્ટના મુખ્ય દરવાજા પાસે ઊભા રહેશે.
એલિસબ્રિજ મતવિસ્તારમાંથી લગભગ બે હજાર લોકો હનુમાન કૅમ્પ પહોંચશે. સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહે બી.બી.સી. ગુજરાતીને જણાવ્યું :
"અમે સવારે નવ વાગ્યે પહોંચીશું અને કાફલો પસાર થશે, ત્યાર સુધી ત્યાં ઊભા રહીશું. કાર્યકરોની અવરજવરની વ્યસ્થા માટે રવિવારે મોડે સુધી બેઠકો મળી."
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે, તથા નિશ્ચિત પૉઇન્ટ્સની આજુબાજુ હંગામી ધોરણે શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે.
જ્યાર સુધી મહાનુભાવોનો કાફલો પસાર ન થાય, ત્યાર સુધી રોડશોમાં સામેલ થનાર લોકોને બહાર નીકળવાની મંજૂરી આપવામાં નહીં આવે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો