TOP NEWS: વિજય રૂપાણીએ શાહીનબાગના પ્રદર્શનને સાંપ્રદાયિક ગણાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનને 'સાંપ્રદાયિક' ગણાવ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને 'ધ ટેલિગ્રાફ' અખબારે જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરવા દિલ્હી આવેલા રૂપાણીએ ભાજપના નેતાઓનાં તાજેતરનાં વિવાદાસ્પદ નિવેદનોનો બચાવ કરતાં જણાવ્યું છે કે 'તેઓ દેશની એકતા માટે ઊભા છે, જ્યારે બીજી બાજુ વિરોધમાં છે.'
પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં રૂપાણીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી મફત વીજળી, વાહનવ્યવહારની સેવાનો વિરોધ કર્યો.
તેમણે જણાવ્યું કે આવી 'સસ્તી લોકપ્રિયતા' થકી રાજ્યોનો વિકાસ ન થઈ શકે અને મફત સુવિધાઓ માટે અપાઈ રહેલા પૈસા માળખાકીય સુવિધાઓ અને યોજનાઓ પાછળ ખર્ચવા જોઈએ, જેથી લોકોની આવક વધી શકે.
શાહીનબાગના પ્રદર્શનનો વિરોધ કરતા રૂપાણીએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સંશોધન કાયદો કોઈનું નાગરિકત્વ આંચકી લેવા માટે નથી બનાવાયો એટલે શાહીનબાગના પ્રદર્શનનો કોઈ અર્થ નથી.
તેમણે કહ્યું, "શાહીનબાગમાં બેઠેલા લોકો કોણ છે? કયા સમુદાયના છે? તેઓ શા માટે બેઠા છે? આ સંપૂર્ણ સાંપ્રદાયિક છે. એટલે બીજા લોકોને ચિંતા થાય એ સ્વાભાવિક છે."
"કમનસીબી છે કે શાહીનબાગના પ્રદર્શનની પાછળ એ લોકો છે, જે દેશની એકતા વિરુદ્ધ કામ કરી રહ્યા છે."

કોરોના વાઇરસથી મરનારા લોકોની સંખ્યા 170 થઈ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, REUTERS
ચીનમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા બુધવારે 170 થઈ ગઈ અને આ સાથે જ વાઇરસથી નવા 1700 લોકો સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરાઈ છે.
નવા આંકડા સામે આવ્યા બાદ આખા વિશ્વમાં કોરોના વાઇરસથી સંક્રિમત થનારા લોકોની સંખ્યા 7711 થઈ ગઈ છે, જ્યારે 12,167 લોકોને શંકાસ્પદ ગણાવાયા છે.
તબીબોના જણાવ્યા અનુસાર સંક્રમિત લોકોમાંથી દર પાંચમાંથી એક વ્યક્તિમાં ગંભીર ન્યુમોનિયાનાં લક્ષણો જોવાં મળ્યાં છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ટૅડ્રોસ ઍડહેનોમે કહ્યું, "ગુરુવારે એ બાબત પર નિર્ણય લેવામાં આવશે કે કોરોના વાઇરસને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવો કે કેમ?"
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે 'આ સમસ્યા વૈશ્વિક સ્તરે ફેલાય એવી આશંકા છે અને વિશ્વભરે તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ.'

યુરોપિયન સંસદમાં CAA પર મતદાન નહીં થાય

ઇમેજ સ્રોત, EUROPIAN PARLIAMENT
યુરોપિયન સંસદમાં ભારતના નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રજૂ કરાયેલા પ્રસ્તાવો પર 30 જાન્યુઆરીએ મતદાન થવાનું હતું.
જોકે, મંગળવારે આ મુદ્દે ચર્ચા બાદ યુરોપિયન સાંસદોએ મતદાનની પક્રિયાને માર્ચ સુધી ટાળી દીધી છે.
આને ભારતની કૂટનૈતિક જીત ગણાવાઈ રહી છે.

CAA : પ.બંગાળમાં વિરોધપ્રદર્શન દરમિયાન બેનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, SANJAY DAS
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જાલંગીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ થયેલાં પ્રદર્શન અને બંધ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા થઈ હતી.
આ હિંસામાં બે લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થઈ છે.
પોલીસની ગોળી વાગવાથી અનવારુલ વિશ્વાસ(55) અને મકબુલ શેખનાં મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે.
ફાયરિંગમાં ઘાયલ બે લોકો રિઝાનુર, અલાઉદ્દીન અને મંટુ મંડલને મુર્શિદાબાદ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
આ દરમિયાન હિંસક ઝડપ પણ થઈ, જેમાં અનેક ઘરોમાં તોડફોડ કરાઈ, મોટરસાઇકલોમાં આગ લગાવવામાં આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













