You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકારના 36 મંત્રી જમ્મુ-કાશ્મીર કેમ જઈ રહ્યા છે, શું કરશે?
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યાને પાંચ મહિના કરતાં વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે.
મોદી સરકાર સતત કાશ્મીરમાં સબસલામતીના દાવા કરી રહી છે, તેમજ વિપક્ષ સબસલામતીના દાવાની ચકાસણી કરતા તેમને કેમ રોકવામાં આવી રહ્યા છે એવા પ્રશ્ન પૂછી રહ્યો છે.
વિપક્ષ વારંવાર ત્યાંના સ્થાનિક નેતાઓને નજરકેદ રાખવા બાબતે પણ સરકારની ટીકા કરી રહ્યો છે.
તેમજ ખીણપ્રદેશમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધને પણ વખોડી રહ્યો છે.
સરકાર અને વિપક્ષ વચ્ચેના આ જુબાનીજંગ વચ્ચે કેન્દ્ર સરકારના 36 મંત્રી 18થી 25 જાન્યુઆરી વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે.
આ કારણે કાશ્મીર જઈ રહ્યા છે મોદીના મંત્રી
ઑલ ઇન્ડિયા રેડિયો દ્વાર અપાયેલી માહિતી અનુસાર, આ તમામ મંત્રીઓ કલમ 370 ખતમ કરાયા બાદ લોકો સાથે આ નિર્ણયની અસર અંગે વાતચીત કરશે.
સાથે જ વિસ્તાર માટે સરકાર દ્વારા કરાઈ રહેલાં કાર્યો અંગે પણ લોકોને માહિતગાર કરવાનું કામ કરશે.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ સહિત પાંચ મંત્રી કાશ્મીરના ખીણપ્રદેશમાં રહેતા લોકો સાથે આ મુદ્દે વાતચીત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે અન્ય તમામ મંત્રીઓ જમ્મુ જઈને ત્યાંના લોકો સાથે વાતચીત કરશે.
વિપક્ષે સરકારના આ પગલાને પ્રૉપેગૅન્ડા ગણાવ્યો છે.
તેમણે આ પગલાની ટીકા કરતા કહ્યું હતું કે, "સરકાર પહેલાં કાયદો લઈ આવે છે પછી તેના સમર્થન માટે લોકોને સમજાવે છે."
તેમજ સરકારના આ પગલા અંગે ભાજપનું કહેવું છે કે, "આ તમામ મંત્રીઓ ક્ષેત્રમાં વિકાસકાર્યો માટે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ખેડશે, આ પ્રવાસ સાથે કોઈ રાજકારણ સંકળાયેલું નથી."
હાલ આ પ્રકારના પ્રવાસની કેટલી જરૂર છે તેમજ તેનાં પરિણામ કેવાં હશે, એ વિશે બીબીસી સંવાદદાતા માનસી દાશે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત સરકારનાં વાર્તાકાર રહી ચુકેલાં પ્રોફેસર રાધા કુમાર સાથે વાત કરી.
વાંચો પ્રોફેસર રાધા કુમારનો દૃષ્ટિકોણ :
'ખબર નહીં શું કરવા માગે છે'
મારા મતે આ એક મોટું અને ગજબ પગલું છે.
પહેલાં તો તમે લોકોની સલાહ વગર જ કલમ 370 નાબૂદ કરી દીધી અને હવે તમે તેમની સાથે વાત કરવા જઈ રહ્યા છો.
હવે તમે તેમને સમજાવવા માટે જઈ રહ્યા છો કે ખરેખર તમે કર્યું શું છે? એ પણ નિર્ણયના પાંચ મહિના બાદ, તેમને પૂછ્યા વગર.
સ્થાનિક રાજકારણીઓ કાં તો નજરકેદ છે કાં તો કસ્ટડીમાં.
તેમની પાસેથી ખાતરી માગવામાં આવી છે કે તેઓ કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ નહીં બોલે.
ગમે તેમ નેતાઓનું મોઢું બંધ કરી દેવાયું છે.
ઇન્ટરનેટ મામલે તો આપણે સુપ્રીમ કોર્ટની ટકોર વિશે જાણીએ જ છીએ, તેમણે એક અઠવાડિયાની અંદર શક્ય હોય એટલી રાહત લોકોને કરી આપવા જણાવ્યું છે.
હવે સુપ્રીમ કોર્ટના જવાબમાં આ સરકારે વધુ એક નોટિસ જારી કરી દીધી છે, જેમાં કહેવાયું છે કે તેઓ કેટલાક પ્રતિબંધો ચાલુ રાખશે.
આવી પરિસ્થિતિમાં સમજાઈ નથી રહ્યું કે આ લોકો ખરેખર કરવા શું માગે છે? અને હવે આ 36 લોકો કાશ્મીર જવા માટે રવાના થવાના છે.
પરિસ્થિતિને મૂલવવાની કવાયત?
જો સરકાર એવું વિચારી રહી હોય કે તેઓ હજુ પણ પોતાના નિર્ણયથી પીછેહઠ કરી શકે છે, તો હું કહીશ ચાલો તેમને કોઈ વાત તો સમજાઈ.
પરંતુ તેઓ આ પગલું તો ભરવા નથી જઈ રહ્યા.
તેમના જણાવ્યા પ્રમાણે આ લોકો તો સ્થાનિકોને સમજાવવા માટે જઈ રહ્યા છે.
પરંતુ અહીં પ્રશ્ન એ ખડો થાય છે કે તેઓ શું સમજાવવા માટે જઈ રહ્યા છે?
શું સરકારને લાગે છે કે લોકોને ખબર નહોતી કે ખરેખર કલમ 370માં શું હતું?
પહેલાં તો તમે જ કહી રહ્યા હતા કે કદાચ અમે 35-A ને મર્યાદિત સ્વરૂપે ફરીથી દાખલ કરી શકીએ છીએ.
આર્ટિકલ 371માં વધુ એક જોગવાઈ લઈને આવો કે જેથી બહારના લોકો મોટી સંખ્યામાં પહાડી વિસ્તારમાં જમીનો ન ખરીદી શકે, જેવું હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં છે.
હવે તેમણે આ વાતથી પણ ઇનકાર કરી દીધો છે. હવે તેઓ કહી રહ્યા છે કે આવું કરશો તો રોકાણ નહીં આવે.
બધા જાણે છે કે જે પ્રદેશમાં આ પ્રકારનું ઘર્ષણ ચાલી રહ્યું હોય ત્યાં આમ પણ રોકાણ નથી આવવાનું.
તો આવી પરિસ્થિતિમાં 'લૅન્ડ-ગ્રેબ' જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જશે.
લોકો જમીન ખરીદી લેશે અને પછી ભાવ વધવાની રાહ જોવા લાગશે.
આ પ્રવાસનું મહત્ત્વ કેટલું હશે?
પ્રવાસ કદાચ કૅમેરા અને ટીવી ચેનલો માટે છે.
આ સિવાય તો આ પ્રવાસના અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ કારણ દેખાઈ નથી રહ્યાં.
મોટી-મોટી ચેનલો આ પ્રવાસ બતાવશે અને વાહવાહી કરશે.
મારું માનવું છે કે સરકારના આ પગલાને તેની 'પીછેહઠ' તરીકે તો બિલકુલ ન જોવું જોઈએ.
અગાઉ તો આ લોકોએ જ ઉતાવળમાં, નોટિસ આપ્યા વગર, સૂચના વગર, ખરડા રજૂ કર્યાના કલાકોમાં જ આટલો મોટો નિર્ણય લઈ લીધો.
ઘર્ષણ ટાળવા માટે તેમણે પહેલાંથી જ લોકોને નજરકેદ કરી દીધા.
સૂચનાપ્રસારણનાં તમામ સાધનો પણ અપ્રાપ્ય બનાવી દીધાં.
તાજેતરમાં જ્યારે સરકાર નાગરિકતા સંશોધન ખરડો લઈ આવી ત્યારે તેમને પહેલાંથી જ ખબર હતી કે આ નિર્ણયનો વિરોધ થશે.
તેમ છતાં તેઓ આ ખરડો લઈ આવ્યા અને ખૂબ જ ટૂંકી ચર્ચા બાદ આ બિલને પણ કાયદાનું સ્વરૂપ આપી દેવાયું.
હવે સરકારના આ પગલા બાદ જે રીતે પ્રદર્શનો થઈ રહ્યાં છે એ આપણે બધા જોઈ જ રહ્યા છીએ.
એક તરફ લોકો આ કાયદો રદ કરવાની માગ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર આ નિર્ણયથી પીછેહઠ કરે એવું નથી લાગી રહ્યું.
તો આવી પરિસ્થિતિમાં એવું નથી લાગી રહ્યું કે સરકાર પોતાના નિર્ણય અંગે પુનર્વિચાર કરશે.
શું સરકાર લોકોને સમજાવવામાં અસફળ રહી?
લોકોને પોતાનો દૃષ્ટિકોણ સમજાવવાની તો હવે વાત જ નથી રહી.
પહેલાં દરેક મુદ્દે વિચાર-વિમર્શ કરવાનું હોય છે, એ તો યોગ્ય સમયે ન કર્યું.
તમે એક રાજ્યને સંપૂર્ણપણે બદલી નાખો, તેના સ્ટેટરને બદલી નાખો. તેના અધિકારો બદલી નાખો. અને આ બધું જ લોકોને પૂછ્યા વગર જ.
જો સરકાર લોકોની ભાવના વિશે જાણવા જ માગતી હોય તો, તેમણે પૂછવું જોઈએ કે શું સરકારે પોતાના આ નિર્ણયથી પીછેહઠ કરવી જોઈએ.
બધાને ખબર છે કે તેમણે શું કર્યું છે અને કેમ કર્યું છે? પરંતુ તેમને તો લાગે છે કે લોકોને વાત નથી સમજાઈ રહી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો