You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્ભયા કેસમાં ફાંસીથી બચવા દોષિતોની આખરી આશા છે એ દયાની અરજી શું હોય છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વર્ષ 2012માં થયેલા જઘન્ય અપરાધ 'નિર્ભયા બળાત્કાર કેસ'ના ચાર દોષિતોને દિલ્હીની એક કોર્ટ દ્વારા 22 જાન્યુઆરી, 2020ના રોજ ફાંસી આપવાનો નિર્ણય અપાયો હતો.
કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ચાર આરોપીઓમાંથી વિનય કુમાર અને મુકેશ સિંહ નામના આરોપીઓએ સર્વોચ્ચ અદાલતમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ. વી. રમન્નાના વડપણવાળી પાંચ જજોની બેન્ચ દ્વારા મંગળવારે આરોપીઓની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી હતી.
હવે બંને આરોપીઓ પૈકી મુકેશ સિંહ દ્વારા ફાંસીની સજાથી બચવા માટેના આખરી ઉપાય તરીકે દયાઅરજી કરી હતી.
જોકે, બુધવારે દિલ્હી સરકારે આ અરજી નકારી, ઉપરાજ્યપાલને વિચારણા માટે મોકલી આપી છે.
ત્યારે જાણો શું હોય છે દયાઅરજી અને શું ખરેખર રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારના ગુનાના દોષિતની કોઈ પણ પ્રકારની સજા માફ કરી શકે કે ઘટાડી શકે છે ખરા?
એ પહેલાં જાણીએ શું હોય છે ક્યૂરેટિવ પિટિશન?
ક્યૂરેટિવ પિટિશનને અંતિમ ન્યાયિક રસ્તો પણ કહેવાય છે.
અદાલતમાં જે-તે નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરવા માટે તે અંતિમ પગલું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમલેશ જૈન જણાવે છે કે ક્યૂરેટિવ પિટિશન સામાન્ય પુનર્વિચાર અરજીઓથી કંઈક અલગ છે.
તેમાં નિર્ણયના સ્થાન સમગ્ર કેસના એ મુદ્દા કે વિષયોને રેખાંકિત કરવામાં આવે છે, જે અંગે અરજી કરનારના મતે પુનર્વિચારની દરકાર હોય.
જોકે, ક્યૂરેટિવ પિટિશન અંગે કેટલાક નિર્ધારિત નિયમો પણ છે.
ક્યૂરેટિવ પિટિશન દાખલ કરનાર પક્ષને કોર્ટને સ્પષ્ટતા કરવાની હોય છે કે આકે તેઓ કયા આધારે નિર્ણયને પડકારી રહ્યા છે.
આ અરજી દાખલ કરવા માટે અરજી સિનિયર વકીલ દ્વારા પ્રમાણિત હોય એ પણ જરૂરી છે.
આ ક્યૂરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર મોસ્ટ જજ પાસે અને જે જજોએ નિર્ણય લીધો હોય, તેમની પાસે પણ મોકલવું જરૂરી હોય છે.
દયાઅરજી
લીગલ સર્વિસ ઇન્ડિયા ડૉટ કોમ અનુસાર દયાઅરજીનો હેતુ કોઈ નિર્દોષ વ્યક્તિને ન્યાયિક નિર્ણયનો ભોગ બનવાથી બચાવવાનો છે.
તે ભારતીય લોકશાહીમાં એક અપરાધી માટે માફીની માગણી માટે ઉપલબ્ધ આખરી વિકલ્પ છે.
ભારત સહિત અમેરિકા, ઇંગ્લૅન્ડ અને કૅનેડામાં પણ ગુનેગારો માટે દયાઅરજીનો વિકલ્પ હોય છે.
ભારતનું બંધારણ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને અનુક્રમે કલમ 72 અને 161 થકી ગુના અંગે માફી આપવાની સત્તા આપે છે.
આ જોગવાઈ દેશની ન્યાયિક વ્યવસ્થાની માનવીય દૃષ્ટિકોણ આપે છે.
આ જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ગુનાના કાયદાકીય પાસા પર ધ્યાન આપ્યા વગર ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓના આધારે માફી અંગેનો નિર્ણય લઈ શકે છે.
જોકે, બંધારણની આ કલમોમાં અપાયેલી સત્તા રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સ્વવિવેક પર આધારિત છે.
દયાઅરજી અંગે નિર્ણય લેવા માટે બંધારણમાં કોઈ સમયમર્યાદા નિર્ધારિત કરાઈ નથી.
સ્ક્રોલ ડૉટ ઇનના અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ગમે તે વ્યક્તિને ગમે તે ગુના માટે માફ કરી શકે છે કાં તો તેમની સજા ઘટાડી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો