JNU પર ચેનલના સ્ટિંગમાં દાવો - ABVPના સભ્યોએ કરી હતી મારપીટ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા અંગે સોશિયલ મીડિયામાં એક સમાચાર ચેનલના સ્ટિંગ ઑપરેશને ચર્ચા જગાવી છે.

સમાચાર ચેનલ 'આજ તક'માં પાંચ જાન્યુઆરીએ દિલ્હીની જેએનયુમાં વિદ્યાર્થીઓ પર કરાયેલા હુમલા અંગે એક સ્ટિંગ ઑપરેશન બતાવાયું છે.

આ સ્ટિંગ ઑપરેશનમાં સમાચાર ચેનલે જેએનયુમાં વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરનારા બુકાનીધારીઓ સાથે વાતચીત કરીને સમગ્ર મામલાની પોલ ખોલવાનો દાવો કર્યો છે.

જ્યારે જેએનયુમાં હિંસાના સમાચાર આવ્યા હતા ત્યારે કેટલાક બુકાનીધારીઓની તસવીરો અને વીડિયો થયાં હતાં. તેમાં એક યુવતી પણ નજરે પડી હતી.

ચેનલે દાવો કર્યો છે કે એ યુવતીનું નામ કોમલ શર્મા છે અને તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયનાં વિદ્યાર્થિની છે. વિદ્યાર્થિની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલાં છે.

ચેનલનું કહેવું છે કે એ વાતની પુષ્ટિ કરાઈ છે કે પાંચ જાન્યુઆરીએ કોમલ શર્મા જેએનયુમાં હાજર હતાં.

કૅમેરા સમક્ષ સ્વીકાર

આના એક દિવસ પહેલાં જ ચેનલે JNUTapesના પ્રથમ ભાગ અંતર્ગત એક વીડિયો બતાવ્યો હતો. જેમાં એક યુવકે કૅમેરા સમક્ષ હિંસામાં સામેલ રહેવાની વાત સ્વીકારી હતી.

ચેનલે દાવો કર્યો છે કે અક્ષત અવસ્થી જેએનયુમાં ફ્રેન્ચ ડિગ્રી પ્રોગ્રામમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી છે અને પોતાને એબીવીપીના સભ્ય ગણાવે છે. આ ઉપરાંત રોહિત શાહ નામના યુવકે પણ હિંસામાં સામેલ રહેવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

ચેનલે દાવો કર્યો હતો કે સ્ટિંગમાં દેખાઈ રહેલા વિદ્યાર્થી દ્વારા અપાયેલી માહિતા આધારે દિલ્હી પોલીસે વૉટ્સઍપ ગ્રૂપની જાણકારી મેળવી છે, જેમાં હિંસાને લને વાતચીત થઈ હતી અને તેમાં 60થી 50 સભ્યોની ઓળખ કરાઈ હતી.

ચેનલે પોતાના સ્ટિંગમાં એ પણ દેખાડ્યું છે કે ડાબેરી સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ પાંચ જાન્યુઆરીની ઘટનાના એક દિવસ પહેલાં વિશ્વવિદ્યાલયના ઇન્ટરનેટનું સર્વર ઉખાડી નાખ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો