અમદાવાદ : શ્રમજીવી પરિવારની અઢી વર્ષીય દીકરી પર અપહરણ બાદ દુષ્કર્મ આચરાયું

અમદાવાદના બોપલ-આંબલી રોડ પર રહેતા શ્રમજીવી પરિવારની અઢી વર્ષીય દીકરી પર અપહરણ બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે.

અમદાવાદ- એમ ડિવિઝનના એ.સી.પી. (આસિસ્ટંટ પોલીસ કમિશનર) વી. જી. પટેલ દ્વારા ભાર્ગવ પરીખને અપાયેલી માહિતી અનુસાર :

"રવિવારે સાંજે છ વાગ્યે બાળકીનાં માતા-પિતાએ બાળકી ગુમ થઈ હોવાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી."

"માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી બાળકી ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ વ્યક્તિગતપણે બાળકીને શોધવાના પ્રયાસો કર્યા બાદ પોલીસને જાણ કરી હતી."

બાળકી ગુમ થવાની જાણકારી મળ્યા બાદ પોલીસે બાળકીની શોધખોળ ચાલુ કરી, પરંતુ તેમની કોઈ જ ભાળ મળી શકી નહોતી.

ત્યાર બાદ અચાનક સોમવારે વહેલી સવારે 5.30 વાગ્યે બાળકી તેમના ઘરની આસપાસના વિસ્તારમાં એક ચોકીદારને રડતી મળી આવી.

ચોકીદારે પૂછપરછ કરતા બાળકીએ ઘરનું સરનામું જણાવ્યું, જે આધારે તેઓ પોતાનાં માતા-પિતાના ઘરે પહોંચી ગયાં.

ઠંડીમાં ઠુંઠવાતી રહી માસૂમ

બાળકી ઘરે પહોંચી ત્યાર બાદ તેમનાં માતા-પિતાને તેમની સાથે આચરાયેલા દુષ્કર્મની જાણ થઈ. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી બાળકીને વહેલી સવારે ઠંડીમાં ઠુંઠવાતી મૂકીને નાસી ગયો હોવાની વાત સામે આવી હતી.

જે બાદ પોલીસે મેડિકલ તપાસ અને પૂછપરછ આધારે પોક્સો ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધી ગુનેગારને શોધવાની તજવીજ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજને આધારે પોલીસને શંકા છે કે અજાણ્યા મોટરસાઇકલ-સવાર દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો છે.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારને સત્વરે શોધી લેવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો