You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોલીસના બૂટને એક સંસદસભ્યે કિસ શું કામ કરી?
દેશના અનેક ભાગોમાં નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને થઈ રહેલા વિરોધમાં પોલીસ પર બળપ્રયોગનો આરોપ થઈ રહ્યો છે ત્યારે એક અનોખી ઘટનામાં સાંસદે પત્રકારપરિષદ યોજી પોલીસના બૂટને પપ્પી કરી છે.
આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના લોકસભા સાંસદે પત્રકારપરિષદ બોલાવી હતી અને એક પોલીસકર્મીના બૂટ સાફ કરી તેને ચૂમી લીધો.
પોલીસનો બૂટ ચૂમનાર સાંસદનું નામ ગોરંતલા માધવ છે અને રસપ્રદ વાત એ છે સાંસદ બન્યા અગાઉ તેઓ પોતે પણ પોલીસ સેવામાં રહી ચૂક્યા છે.
કેમ બની આ ઘટના?
ગોરંતલા માધવને ટીડીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ જેસી દિવાકર રેડ્ડીના એક નિવેદન સામે વાંધો પડ્યો હતો.
જેસી દિવાકર રેડ્ડીએ 18 ડિસેમ્બરે અનંતપુરમાં પાર્ટીની એક બેઠકમાં કથિત રીતે પોલીસવાળા પર એક આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
ટીડીપી નેતા જેસી દિવાકર રેડ્ડીએ કથિત રીતે એવું નિવેદન આપ્યું હતું કે જો એમનો પક્ષ સત્તામાં આવશે તો તેઓ પોલીસ પાસે જૂતાં સાફ કરાવશે.
આ નિવેદનને પગલે વિવાદ થતા અનંતપુર પોલીસ ઑનર્સ ઍસોસિયેશને એમની સામે માનહાનિનો કેસ દાખલ કરવાનું કહ્યું હતું અને બિનશરતી માફીની માગણી કરી હતી.
મીડિયા બોલાવી પોલીસનો બૂટ સાફ કરી ચૂમનાર સાંસદ ગોરંતલા માધવે કહ્યું કે દિવાકર રેડ્ડી સામે વિરોધ દર્શાવવા માટે મેં અનંતપુરમાં ડ્યૂટી દરમિયાન બલિદાન આપનાર પોલીસકર્મીના બૂટ સાફ કર્યા અને તેને ચૂમ્યા. પોલીસવાળાઓ લોકોની જિંદગી બચાવવા અને રાષ્ટ્રની એકતા માટે જીવન આપી દેતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસકર્મીના બૂટ સાફ કરીને ચૂમનાર ગોરંતલા માધવ અનંતપુર જિલ્લામાં હિંદુપુર બેઠકના સાંસદ છે.
આ વર્ષે ચૂંટણી લડ્યા તે અગાઉ તેઓ કાદિરી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર હતા.
એમણે એમ પણ કહ્યું કે જો પાર્ટી કહેશે તો સાંસદપદેથી રાજીનામું આપી ફરીને પોલીસમાં જોડાઈ જશે અને આવું નિવેદન આપનારને સબક શીખવશે.
બીજી તરફ કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ટીડીપી નેતા જેસી દિવાકર રેડ્ડીએ કહ્યું કે એમની ટિપ્પણી પોલીસતંત્ર સામે નહીં પરંતુ એ કેટલાક પોલીસવાળાઓ સામે હતી જેઓ વાયએસઆર કૉંગ્રેસની કઠપૂતળીની જેમ વર્તે છે અને ટીડીપી કાર્યકર્તાઓને પરેશાન કરે છે.
એમણે એમ પણ કહ્યું કે ગુસ્સામાં એમની જીભ લપસી ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો