You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Hyderabad case : બળાત્કારના આરોપીઓના ઍન્કાઉન્ટરનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
હૈદરાબાદના બહુચર્ચિત ડૉક્ટર રેપ કેસમાં ઝડપાયેલા ચાર આરોપી પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા છે.
આ ઍન્કાઉન્ટર હૈદરાબાદથી 50 કિલોમિટર દૂર મહેબૂબનગર જિલ્લાના ચટનપલ્લી ગામમાં થયું છે.
ઍન્કાઉન્ટર બાદ એક તરફ ડૉક્ટર યુવતીના પિતાએ પોલીસનો આભાર માન્યો છે અને કહ્યું છે કે હવે તેમની દીકરીની આત્માને શાંતિ મળી હશે.
તો બીજી તરફ માનવાધિકાર કાર્યકર્તા અને કાયદાના જાણકાર આ ઍન્કાઉન્ટરની નિંદા કરી રહ્યા છે.
રેબેકા જોહ્ન નામનાં માનવાધિકાર કાર્યકર્તાએ આ ઍન્કાઉન્ટરની નિંદા કરતાં પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે :
આપણે આ ન્યાયની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસે વિશ્વાસ ન આવે એ રીતે 4 લોકોને અડધી રાત્રે મારી નાખ્યા. શા માટે? કેમ કે તેમની જરૂર નહોતી
આ તો એવું થયું કે દિલ્હી પોલીસે એ લોકોને મારી નાખ્યા જેમના જોર બાગ અને મહારાણી બાગમાં રહેતા લોકો સાથે સંબંધ હતા. શું આપણી પાસે એટલા પુરાવા હતા કે જેનાથી એ સાબિત થઈ શકે કે તેમણે કોઈ ગુનો કર્યો હતો કે નહીં
શું કોઈ કોર્ટે એ પુરાવા જોયા હતા? શું તેમને કોઈ કોર્ટે આરોપી સાબિત કર્યા હતા? અને જો એવી ધારણા છે કે તેમણે કોઈ ગુનો કર્યો છે, તો તેના માટે પણ એક પ્રક્રિયા છે કે જેનું પાલન કરવું જરૂરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો એ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું, તો હવે આગળ તમારો વારો પણ હોઈ શકે છે.
બધા ધારાસભ્યો, રાજકીય પાર્ટીઓ અને કાર્યકર્તાઓ ન્યાય માટે નારા લગાવે છે... એ ન્યાય હવે તમને મળી ગયો છે. તમારું મિશન પૂર્ણ થયું. હવે તમે ઘરે જાઓ, જ્યૂસ પીવો. તમારી ભૂખહડતાળ પૂર્ણ થઈ ગઈ છે.
તમને ક્યારેય કોઈની ચિંતા ન હતી. જો તમને ચિંતા હોત, તો મહિલાઓ પર જે પ્રકારના હુમલા થાય છે તે થાત જ નહીં. ઉદાહરણ ગઈકાલે ઉન્નાવમાં બનેલી ઘટના જ છે.
બળાત્કાર પીડિતાને સપૉર્ટ આપવો એ લાંબી અને અઘરી પ્રક્રિયા છે. તમે તેમને ક્યારેય મળ્યા નથી, તેમની સાથે ક્યારેય વાત કરી હોતી નથી. તમને જરા પણ ખબર હોતી નથી કે તેમણે કેવી વસ્તુનો સામનો કર્યો છે અને તેઓ શું ઇચ્છે છે.
તમારાં માથાં શરમથી લટકાવી દો. થોડો ડર રાખો. એ યાદ રાખો કે તમે એ નથી આપી રહ્યા જે ખરેખર મહિલા ઇચ્છે છે. અમારા નામે તો જરા પણ નહીં.
માત્ર રેબેકા જ નહીં, બીજા પણ કેટલાક કાર્યકરો, નેતા, ટીવી સેલિબ્રિટી, પત્રકારો આ ઍન્કાઉન્ટરનો વિરોધ કરે છે.
ભાજપના ધારાસભ્ય મેનકા ગાંધીએ કહ્યું છે, "જે થયું તે દેશ માટે ખૂબ ભયાનક થયું છે. તમે તમારી ઇચ્છા પ્રમાણે ગમે તેને મારી શકતા નથી. તમે કાયદો તમારા હાથમાં લઈ શકતા નથી. આરોપીઓને કોર્ટ ફાંસીની સજા આપવાની જ હતી."
માનવાધિકાર કાર્યકર્તા બ્રિન્દા એડિજે પણ ટ્વીટ કરી કહ્યું છે, "દેશમાં દરરોજ 66 બળાત્કાર થાય છે, તો શું આપણો દેશ ઍન્કાઉન્ટરનો દેશ બની જશે?"
આ તરફ વકીલ કરુણા નંદીનું કહેવું છે, "હવે કોઈને ખબર નહીં પડે કે જે ચાર લોકોનું ઍન્કાઉન્ટર પોલીસે કર્યું છે તેઓ આરોપી હતા કે નિર્દોષ. પોલીસે પોતાની પ્રતિક્રિયા દર્શાવવા ઝડપથી ધરપકડ કરી લીધી."
"કદાચ બળાત્કારીઓ આજે ખુલ્લેઆમ ફરતા હોઈ શકે છે જેથી તેઓ વધુ મહિલાઓ પર બળાત્કાર કરે અને તેમને મારી નાખે."
તો માનવાધિકાર કાર્યકર્તા તેહસીન પૂનાવાલાએ કહ્યું છે, "બે ખોટી વાતો મળીને કંઈ સાચું કરી શકતી નથી. આપણે ધીમે-ધીમે અરાજકતા તરફ જઈ રહ્યા છીએ અને દેશમાં કાયદાનું કોઈ શાસન રહ્યું નથી."
"સરકાર આ રીતે ઍન્કાઉન્ટરને માન્યતા ન આપી શકે. શું આસારામ અને અન્ય હાઈ પ્રોફાઇલ લોકો જેમ કે સેંગર કે ચિન્મયાનંદનો અંત પણ આ જ રીતે થશે? કે પછી ઍન્કાઉન્ટર માત્ર ગરીબો માટે જ છે?"
તો પત્રકાર ફેય ડિસુઝાએ ટ્વીટ કરીને કહ્યું છે, "આ ન્યાય નથી. પોલીસ કાયદો તોડી રહી છે. આ ખતરનાર છે. કાયદો કોઈ કારણસર આપણે બનાવેલો છે."
વધુ એક પત્રકાર નિધી રાઝદાને ટ્વીટ કર્યું છે, "આ આશ્ચર્યજનક છે. પોલીસ ઍન્કાઉન્ટરની ઘટનાઓ આ રીતે સામાન્ય ન બની જવી જોઈએ. આપણી પાસે કોર્ટ અને કાયદાકીય પ્રણાલી છે."
શું હતી ઘટના?
28 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં એક ટૉલ પ્લાઝા પાસે 26 વર્ષીય એક ડૉક્ટરનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા પર બળાત્કાર થયો હતો અને ત્યારબાદ તેમની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.
ઘટના બાદ શંકાસ્પદોની ધરપકડ કરી તેમને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો