You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉદ્ધવ ઠાકરે બની શકે છે મહારાષ્ટ્રના CM, આજે સરકાર રચવા મહત્ત્વનો દિવસ
મુંબઈના નહેરુ સેન્ટરમાં શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે શિવસેના-એનસીપી-કૉંગ્રેસના ટોચના નેતાઓની બેઠક થઈ હતી.
બેઠક પૂર્ણ થયા બાદ સૌથી પહેલા એનસીપી પ્રમુખ શરદ પવાર બહાર નીકળ્યા અને તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનના નેતૃત્વને લઈને કોઈ ગેરસમજ નથી અને તે ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે.
શરદ પવારે કહ્યું કે મુખ્ય મંત્રી પદ મામલે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી સધાઈ છે અને શનિવારે તમામ વિગતો જાહેર કરવામાં આવશે.
એનસીપીના પ્રવક્તા નવામ મલિકે મીડિયા સાથેની વાતચીતમાં શુક્રવારે કહ્યું હતું કે અમે શુક્રવારે રાત્રે અથવા શનિવારે સવારે સરકાર રચવાનો દાવો કરી શકીએ છીએ.
શરદ પવાર પછી બેઠકમાંથી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત નીકળ્યા.
ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર કહ્યું કે ત્રણેય પાર્ટીના નેતાએ બેઠક કરી અને અમે સરકાર બનાવતાં પહેલાં તમામ મુદ્દાનો ઉકેલ લાવવા માગતા હતા.
આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર, પ્રફુલ્લ પટેલ, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને પૃથ્વીરાજ ચવ્હાણ સહિત મહારાષ્ટ્રના ટોચના નેતાઓ સામેલ હતા.
'છથી આઠ મહિના ચાલશે સરકાર'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધન વિચારોનું નહીં પણ અવસરવાદનું ગઠબંધન છે.
તેમણે કહ્યું કે બન્નેના વિચાર અને સિદ્ધાંત અલગ-અલગ છે અને મહારાષ્ટ્રમાં સ્થિર સરકારની જરૂર છે.
ગડકરીએ ઉમેર્યું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હિંદુત્વ પર ટકેલું છે અને તેના કારણસર જ બન્નેનું ગઠબંધન ઘણા લાંબા સમય સુધી ચાલ્યું.
ગડકરીએ કહ્યું,"ત્રણેય પાર્ટીઓ માત્ર ભાજપને સત્તાથી દૂર રાખવાના લક્ષ્યથી એક થઈ છે."
"મને શંકા છે કે સરકાર ક્યારે બનશે. જો એ બને છે તો પણ તે છથી આઠ મહિના સુધી નહીં ચાલી શકે."
ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત
21 ઑક્ટોબરે થયેલા મતદાન બાદ 24 ઑક્ટોબરે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં, ત્યારે ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યો હતો.
ચૂંટણી પહેલાં ભાજપ-શિવસેના અને એનસીપી-કૉંગ્રેસનું ગઠબંધન હતું.
ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી, જ્યારે એનસીપીને 54 તથા કૉંગ્રેસને 44 બેઠકો મળી હતી.
288 બેઠકોની વિધાનસભામાં બહુમત માટે 145 બેઠકોની જરૂર છે.
ભાજપ-શિવસેના પાસે સરકાર બનાવવા માટે બહુમત હતો, પરંતુ શિવસેનાએ કહ્યું કે 'ભાજપને તો જ સમર્થન આપશે, જો તેઓ તેમનો વાયદો પૂરો કરશે.'
શિવસેનાનું કહેવું છે કે તેમણે ભાજપ સાથે એ જ શરત પર ગઠબંધન કર્યું હતું કે અઢી-અઢી વર્ષ બન્ને પાર્ટીના મુખ્ય મંત્રી હશે.
જોકે, ભાજપ આ મામલે સંમત ન થઈ એટલે શિવસેનાએ તેને સમર્થન આપવાથી ઇન્કાર કરી દીધો અને બાદમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું પડ્યું હતું.
આ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેના અને બાદમાં એનસીપીને પણ સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ તેમણે સરકાર બનાવવાનો દાવો ન કર્યો.
આ દરમિયાન શિવસેના-કૉંગ્રેસ-એનસીપીની વાટાઘાટો ચાલી રહી હતી.
વળી એ સમયે ત્રણેય પાર્ટીઓની વિચારધારા પર પણ સવાલ ઉઠાવાતા રહ્યા, પરંતુ આ મામલે કોઈ નેતાએ વધુ વાત નહીં કરી.
શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત એનસીપી અને કૉંગ્રેસ સાથે મસલતો કરતા રહ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો