TOP NEWS: નિત્યાનંદ આશ્રમના વિવાદ બાદ વિદેશ ભાગી ગયા?

અમદાવાદમાં નિત્યાનંદ વિરુદ્ધ બાળકોનું અપહરણ અને તેમની પાસે બાળમજૂરી કરાવવાની ફરિયાદ થયા બાદ નિત્યાનંદ વિદેશ ભાગી ગયા હોવાની અટકળો છે.

'ડૅક્કન હૅરાલ્ડ'ના અહેવાલ મુજબ પોલીસ તેમનું લોકેશન મેળવવા કોશિશ કરી રહી છે. નિત્યાનંદ કેસની તપાસ કરી રહેલા એસપી આર. વી. અસારીએ કહ્યું કે તેઓ ભાગીને ક્યાં ગયા છે, તે અંગે હજુ કોઈ માહિતી મળી શકી નથી.

આ દરમિયાન ગુરુવારે અમદાવાદ પૂર્વમાં આવેલી કૅલોરેક્સ ગ્રુપની દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્ય વિરુદ્ધ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ તેમના પર પોલીસને જાણ કર્યા વિના પાંચ વર્ષ માટે નિત્યાનંદને જમીન આપવાનો આક્ષેપ છે.

અસારીએ કહ્યું કે ડીપીએસ(ઇસ્ટ)ના આચાર્ય હિતેશ પૂરીએ નિત્યાનંદના આશ્રમ સાથેના કરાર પર સહી કરી હતી. જે મુજબ આશ્રમને પાંચ વર્ષ માટે દર વર્ષે એક રૂપિયાના ભાડે હીરાપુર ગામની જમીન આપવામાં આવી હતી.

અસારીના જણાવ્યા અનુસાર પૂરી પર આઈપીસીની કલમ 188 મુજબ ફરિયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત આશ્રમને હીરાપુરના 'પુષ્પક સિટી'માં ત્રણ બંગલો ભાડે આપવા માટે બકુલ ઠક્કર નામની વ્યક્તિ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે.

મહારાષ્ટ્રમાં મોડી રાત્રે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક યોજાઈ

મહારાષ્ટ્રમાં સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ હોવા છતાં ગુરુવારે મોડી રાત્રે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના પ્રમુખ શરદ પવાર વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, પક્ષના સાંસદ સંજય રાઉત અને એનસીપીના નેતા અજીત પવાર પણ હાજર રહ્યા હતા.

આ પહેલાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે દરેક મુદ્દા પર સહમતિ થઈ ગઈ છે અને હવે શિવસેના સાથે વાત કરવામાં આવશે.

હવે શુક્રવારે બંને પક્ષના નેતાઓ અન્ય સભ્યો સાથે વાત કરે તેવી શક્યતા છે. તે ઉપરાંત શિવસેના અને એનસીપી બંને અઢી-અઢી વર્ષ માટે મુખ્ય મંત્રી તેમજ કૉંગ્રેસ નાયબ મુખ્ય મંત્રીના પદ માટે સહમત થાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

ઇઝરાયલના વડા પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ

ઇઝરાયલના ઍટર્ની જનરલે વડા પ્રધાન નેતન્યાહુ પર ત્રણ અલગ-અલગ મામલામાં લાંચ લેવાનો, છેતરપિંડી કરવાનો અને વિશ્વાસ તોડવાનો આરોપ લગાવ્યો છે.

તેમનો આક્ષેપ છે કે નેતન્યાહુએ પૈસાદાર વેપારીઓ પાસેથી ભેટો સ્વીકારી અને પોતાના પક્ષમાં વધુ પ્રેસ-કવરેજ મેળવવા માટે પક્ષપાત કર્યો.

નેતન્યાહુએ આરોપોનો ઇન્કાર કરીને કહ્યું છે કે તેઓ 'વિચ-હન્ટ'નો શિકાર થયા છે. તેમનું કહેવું છે કે ડાબેરી વિરોધી અને મીડિયાએ તેમને નિશાન બનાવ્યા છે.

નેતન્યાહુનું કહેવું છે કે તેમને પદભ્રષ્ટ કરવા માટે બળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

નેતન્યાહુ પોતાના પદ પર કેસ ચાલતો અટકાવી શકે એવું બિલ સંસદમાં પાસ કરાવવાની કોશિશ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ઇઝરાયલમાં એપ્રિલ મહિનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીનું કોઈ પરિણામ આવી શક્યું નહોતું.

નેતન્યાહુ સામે વડા પ્રધાનપદની રેસમાં હરીફ ગણાતા બેની ગૅટ્ઝે કહ્યું કે સંસદમાં તેમની પાસે બહુમત હોવા છતાં તેઓ ગઠબંધન સરકાર બનાવી નહોતા શક્યા.

મહીસાગર જિલ્લામાં ત્રણ પુત્રીઓની હત્યા બાદ માતાની આત્મહત્યા

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિતવાસ ગામમાં એક માતાએ પોતાની ત્રણ પુત્રીઓ સાથે કૂવામાં પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે.

પુત્ર ન હોવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શંકાઓ વ્યક્ત થઈ રહી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ગુરુવારે વહેલી સવારે આ ઘટના ઘટી હતી.

27 વર્ષનાં મંગુ ડામોર ઘરમાંથી ગાયબ હોવાથી તેમના પતિ રમણ અને પરિવારજનોએ શોધ આદરી હતી. જે દરમિયાન સંબંધિત ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકના પતિએ પોલીસને જણાવ્યા અનુસાર મંગુ બુધવારથી ચિંતિત અને મૌન હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો