WhatsAppમાં જાસૂસીની ગેરકાયદે રમતમાં મોદી સરકાર નિષ્ફળ ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિરાગ ગુપ્તા
- પદ, સુપ્રીમ કોર્ટના વકીલ અને સાઇબર કાયદાના જાણકાર
ઇઝરાયલી ટૅકનૉલૉજીએ વૉટ્સઍપની સુરક્ષા મામલે પત્રકારો, વકીલો અને માનવાધિકાર કાર્યકરની જાસૂસીના મામલે કેટલાક ખુલાસા કર્યા છે. જોકે, આ મામલે સંપૂર્ણ સત્ય હજુ સુધી સામે આવ્યું નથી.
ઇઝરાયલી કંપની 'એનએસઓ'ના સ્પષ્ટીકરણને જો સત્ય ગણી લેવાય તો સરકારી એજન્સીઓ જ 'પૅગાસસ' સોફ્ટવૅર થકી જાસૂસી કરી શકે છે.
પોતાનો પક્ષ રાખવાને બદલે સરકારે વૉટ્સઍપને જવાબ આપવા માટે જણાવ્યું છે.
કૅમ્બ્રિજ ઍનાલિટિકાના મામલે પણ ફેસબુક પાસેથી આવો જ જવાબ માગવામાં આવ્યો હતો.
કૅમ્બ્રિજના મામલે યુરોપિયન કાયદા અંતર્ગત કંપની પર દંડ કરાયો પણ ભારતમાં સીબીઆઈ હજુ પણ આંકડાનું વિશ્લેષણ કરી રહી છે.
કાગળો થકી જાહેર થયું કે વૉટ્સઍપમાં ગાબડું પાડીને કેટલાંય વર્ષો સુધી આ રમત રમાતી રહી છે.
હવે કૅલિફોર્નિયાની કોર્ટમાં વૉટ્સઍપ દ્વારા કેસ દાખલ કરવા પાછળ શું કોઈ મોટી રણનીતિ છે?

વૉટ્સઍપનો અમેરિકામાં કેસ

ઇમેજ સ્રોત, Getty Images
વૉટ્સઍપે અમેરિકાના કૅલિફોર્નિયામાં ઇઝરાયલની કંપની એનએસઓ અને તેની સહયોગી કંપની Q સાઇબર ટૅકનૉલૉજીઝ્ લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે વૉટ્સઍપ સાથે ફેસબુક પણ આ કેસમાં પક્ષકાર છે. ફેસબુક પાસે વૉટ્સઍપની માલિકી છે પણ આ કેસમાં ફેસબુકને વૉટ્સઍપની સર્વિસ પ્રોવાઇડર ગણાવાઈ છે, જે વૉટ્સઍપને માળખાગત સુવિધા અને સુરક્ષાકવચ પૂરું પાડે છે.
ગત વર્ષે જ ફેસબુકે સ્વીકાર્યું હતું કે તેના ગ્રૂપ દ્વારા વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામનો ડેટા ઇન્ટ્રીગ્રેટ કરીને તેનો વ્યવસાયિક ઉપયોગ કરાઈ રહ્યો છે.
ફેસબુકે પણ સ્વીકાર્યું હતું કે તેના પ્લૅટફૉર્મ પર અનેક માધ્યમો થકી ડેટા-માઇનિંગ અને ડેટાનો કારોબાર થાય છે.
કૅમ્બ્રિજ ઍનાલિટિકા આવી જ એક કંપની હતી, જેના માધ્યમ થકી ભારત સહિતનાં કેટલાંય રાષ્ટ્રોમાં લોકતંત્રની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરાયો હતો.
વૉટ્સઍપ પોતાની સિસ્ટમમાં જ કરાયેલાં કૉલ, વીડિયો-કૉલ, ચૅટ, ગ્રૂપ-ચૅટ, ઇમેજ, વીડિયો વૉઇસ મૅસેજ અને ફાઇલ ટ્રાન્સફરને ઇન્ક્રિપ્ટૅડ ગણાવી, પોતાના પ્લૅટફૉર્મને હંમેશાં સુરક્ષિત ગણાવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટમાં દાખલ કેસ અનુસાર ઇઝરાયલની કંપનીએ મોબાઇલ ફોનના માધ્યમ થકી વૉટ્સઍપની સિસ્ટમને પણ હૅક કરી લીધી.
આ સોફ્ટવૅર એક મિસ્ડકૉલ થકી સ્માર્ટફોનની અંદર વાઇરસ ઇન્સ્ટૉલ કરી તમામ જાણકારી મેળવી લે છે. ફોનના કૅમેરા થકી એ પણ જાણવા મળે છે કે વ્યક્તિ ક્યાં જાય છે, કોને મળે છે અને શું વાત કરે છે.
સમાચાર અનુસાર ઍરટેલ અને એમટીએનએલ સહિત ભારતનાં 8 મોબાઇલ નેટવર્કનો આ જાસૂસી માટે ઉપયોગ કરાયો.
કોર્ટમાં દાખલ કરાયેલા કેસ અનુસાર ઇઝરાયલી કંપનીએ જાન્યુઆરી 2018થી 2019 વચ્ચે ભારત સહિત અનેક દેશોના લોકોની જાસૂસી કરી.
અમેરિકાની અદાલતમાં દાખલ કરાયેલા કેસ અનુસાર વૉટ્સઍપે ઇઝરાયલી કંપની પાસેથી વળતરની માગ કરી છે.
પણ અહીં સવાલ છે કે ભારતમાં જે લોકોના મોબાઇલની સિક્યૉરિટીમાં ગાબડું પાડવામાં આવ્યું એમને ન્યાય કઈ રીતે મળશે?

વૉટ્સઍપ, સિટીઝન લૅબ અને NSO

ઇમેજ સ્રોત, Getty Images
NSO ઇઝરાયલની કંપની છે પણ તેની માલિકી યુરોપની છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં યુરોપની એક ખાનગી કંપનીએ 'નૉવાલ્પિના કૅપિટલ એલએપી'એ NSOને 100 કરોડ ડૉલરમાં ખરીદી હતી.
બિઝનેસ ઇન્સાઇડરનાં બૅકી પીટરસનના અહેવાલ અનુસાર એનએસઓએ ગત વર્ષે 125 મિલિયન ડૉલરનો નફો કર્યો હતો.
જાસૂસી કરનારી અજાણી કંપનીઓ હવે અબજો રૂપિયા કમાઈ રહી છે તો ફેસબુક જેવી કંપનીઓ પોતાની સહયોગી કંપનીઓ સાથે ડેટા વેચીને કેટલો નફો રળી રહી હશે?
NSO અનુસાર તેમને સોફ્ટવૅર સરકાર કે સરકારના અધિકૃત એજન્સીને બાળ યૌન ઉત્પીડન, ડ્રગ તેમજ આતંકવાદીઓ વિરુદ્ધની લડાઈ માટે આપવામાં આવે છે અને માનવાધિકાર કાર્યકરો વિરુદ્ધની જાસૂસી માટે આ સોફ્ટવૅરનો ઉપયોગ કરવો અયોગ્ય છે.
એ બાદ શંકાની સોય હવે ભારત સરકાર તરફ મંડાઈ છે. અહેવાલો અનુસાર 10 ડિવાઇઝને હૅક કરવા માટે લગભગ 4.61 કરોડ રૂપિયાનો ખર્ચ અને 3.55 કરોડ રૂપિયાનો ઇન્સ્ટૉલેશન ખર્ચ આવે છે.
હવે પ્રશ્ન એ છે કે ઇઝરાયલી સોફ્ટવૅરના માધ્યમથી અનેક ભારતીયોની જાસૂસી માટે કરોડોનો ખર્ચ સરકારની કઈ એજન્સીએ કર્યો હશે?
જો આ જાસૂસી કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા બિનઅધિકૃત રીતે કરવામાં આવી છે તો આનાથી ભારતીય કાયદા અને સુપ્રીમ કોર્ટનાં દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન થયું છે.
જો જાસૂસીને વિદેશી સરકાર કે ખાનગી સંસ્થાઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હોય તો આ સમગ્ર દેશ માટે જોખમની ઘડી છે.
બન્ને સ્થિતિમાં સરકારે તથ્યાત્મક સ્પષ્ટીકરણ આપીને એએનઆઈ કે અન્ય સક્ષમ એજન્સી પાસેથી આ મામલે તપાસ કરાવવી જોઈએ.
કેનેડાની યુનિવર્સિટી ઑફ ટૉરન્ટોની સિટીઝન લૅબે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કહ્યું હતું કે 45 દેશોમાં NSOના માધ્યમ થકી વૉટ્સઍપની સુરક્ષામાં ગાબડું પાડી શકાય એમ છે.
ભારતમાં 17 લોકોની માહિતી હજુ સુધી સામે આવી છે, જેમાંથી મોટા ભાગના લોકોને આ અંગેની જાણકારી સિટીઝન લૅબના માધ્યમથી મળી છે.
સવાલ એ છે કે વૉટ્સઍપના યૂઝર્સ સાથેના કરારમાં ક્યાંય પણ સિટીઝન લૅબનો ઉલ્લેખ નથી. તો પછી વૉટ્સઍપે પોતાના ભારતીય ગ્રાહકોને સુરક્ષામાં પડેલા આ ગાબડા અંગે તુરંત જ અને સીધો જ સંપર્ક કેમ ન કર્યો?

ડિજિટલક્ષેત્રે અરાજકતા

ઇમેજ સ્રોત, AFP
ભારતમાં ટેલિગ્રાફ ઍક્ટ હેઠળ પરંપરાગત સંચારવ્યવસ્થાને નિયંત્રિત કરવામાં આવે છે.
PUCL (પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ)ના ચુકાદામાં ફોન ટેપિંગ અંગે કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી. તાજેતરમાં બૉમ્બે હાઈકોર્ટે પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
વૉટ્સઍપ જાસૂસી મામલે વધુ એક વખત સ્પષ્ટ થઈ ગયું છે કે મોબાઇલ અને ઇન્ટરનેટના જમાનામાં જૂના કાયદા અસંગત છે.
ગત એક દાયકા દરમિયાન 'ઑપરેશન પ્રિઝમ'માં ફેસબુક જેવી કંપનીઓ દ્વારા ભારતીયોના ડેટાની જાસૂસીના પુરાવા છતાં દોષિત કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી થઈ નથી.
સુપ્રીમ કોર્ટના નવ જજોની બેન્ચએ પુટ્ટાસ્વામી કેસમાં ઠેરવ્યું હતું કે 'રાઇટ-ટુ-પ્રાઇવસી'એ બંધારણ અનુચ્છેદ 21 હેઠળ 'જીવન જીવવાના અધિકાર' સાથે અભિપ્રેત છે, ત્યારે વૉટ્સઍપ તથા ફેસબુક જેવી કંપનીઓ ભારતના કરોડો યૂઝર્સની અંગત જીવનમાં ડોકિયું કરીને તેમના જીવન સાથે ખેલ કઈ રીતે ખેલી શકે?
સોશિયલ મીડિયા કંપનીઓ સંબંધિત કેસો સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે પોતાની પાસે લઈ લીધા છે.
મોબાઇલ તથા ડિજિટલ કંપનીઓ દ્વારા સરકાર આ દિશામાં કોઈ કાર્યવાહી કરે તેવું નથી લાગતું ત્યારે સુપ્રીમ કોર્ટે કડકાઈપૂર્વક જવાબદારી નક્કી કરવી જોઈએ.
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે તેને પ્રણવ મુખર્જી તથા જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહની જાસૂસી સાથે જોડીને તેને પક્ષ આધારિત મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો.
વાસ્તવમાં આ મુદ્દો સામાન્ય જનતાની સુરક્ષા તથા પ્રાઇવસી સાથે સંકળાયેલો મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.
કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ (જનતાદળ સેક્યુલર)ની સરકારે કથિત રીતે ભાજપના નેતાઓની જાસૂસી કરાવી હતી. નેતાઓ ઉપરાંત જજોના ટેલિફોન ટેપ કરવાના આરોપ પણ લાગ્યા છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં આવી કોઈપણ પ્રકારની જાસૂસી એ ભારતીય નાગરિકના જીવનમાં દખલ તથા તેના બંધારણીય અધિકારોના ભંગ સમાન છે. ભારતમાં 40 કરોડથી વધુ વૉટ્સઍપ યૂઝર્સ છે.
ઇઝરાયલના સોફ્ટવૅર દ્વારા ફોન ટ્રૅક કરીને ઇસ્તાંબુલ ખાતેના સાઉદી અરેબિયાના દૂતાવાસમાં 'વોશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા કરી દેવામાં આવી હતી.
આ ખુલાસાને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારે પારદર્શક તથા નક્કર પગલાં લઈને જાસૂસીના ગોરખધંધા ઉપર કાયદેસર લગામ કસવી જોઈએ.

વૉટ્સઍપની વ્યૂહરચના

ઇમેજ સ્રોત, Getty Images
NSO જેવી ઇઝરાયલની અનેક કંપનીઓ ડિજિટલ જાસૂસીની સુવિધાઓ આપે છે.
અમેરિકાની મોટા ભાગની ઇન્ટરનેટ તથા ડિજિટલ કંપનીઓમાં ઇઝરાયલની યહૂદી લોબીનું પ્રભુત્વ છે.
ફેસબુક જેવી કંપનીઓ તેની ઍપ્સ ડેટા બ્રોકરના માધ્યમથી ડેટાના વેપાર તથા જાસૂસીને પ્રોત્સાહન આપે છે.
તો પછી વૉટ્સઍપે NSO તથા તેની સહયોગી કંપની સામે અમેરિકાની કોર્ટમાં કેસ કેમ દાખલ કર્યો?
સોશિયલ મીડિયા કંપનીઓના નિયમન માટે વર્ષ 2008માં ભારતે તેના કાયદાકીય માળખામાં વ્યાપક ફેરફાર કર્યા હતા. વર્ષ 2009 અને 2011માં ઇન્ટરમીડિયટીયરી કંપનીઓ તથા ડેટા સુરક્ષા માટે નિયમો ઘડવામાં આવ્યા.
એ નિયમોનું પાલન કરાવવામાં તત્કાલીન યુપીએ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












