RCEP શું છે અને તેનો આટલો વિરોધ કેમ?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે RCEP છે શું? તમને કદાચ યાદ હશે કે વિશ્વ વ્યાપાર સંસ્થા સાથે આપણે 1990-95ના ગાળામાં કરાર પર સહી કરવાના હતા, ત્યારે ડંકન પ્રસ્તાવના વિરોધમાં લોકો સડક પર ઊતરી આવ્યા હતા.

આ સમજૂતીનો વ્યાપ પ્રમાણમાં ઘણો મર્યાદિત હતો અને પોતાના દેશમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોય તે સામે ખૂબ સસ્તી કિંમતે કોઈ દેશ ડમ્પિંગ કરીને સ્વદેશી ઉત્પાદકોને તોડી નાખવા માગે તો તે સામે પૂરતું રક્ષણ મેળવવાની સત્તા જે તે દેશ પાસે હતી.

આની સરખામણીમાં રિજ્યોનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP)એ એક મુક્ત વ્યાપાર સમજૂતી છે અને વ્યાપારના સરળીકરણનું કામ કરે છે.

એટલું જ નહીં જે તે દેશના કાયદા બદલવાનું કામ પણ કરે છે.

દા.ત., આપણે ત્યાં ખેડૂતને પૂરતું વળતર મળી રહે તે માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ સરકાર નક્કી કરે એટલે કમસે કમ કિસાનનો માલ આ ભાવથી નીચે તો નહીં જ વેચાતો.

દા.ત., અત્યારે સરકારે ઘઉંના ન્યૂનતમ ટેકાના ભાવ એક ક્વિન્ટલે રૂપિયા 1925 નક્કી કર્યા છે એટલે ખેડૂતને આટલો ભાવ તો મળશે જ.

આમ છતાંય ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે ક્યારેક ખેડૂત પોતાનું ઉત્પાદન સડક પર ફેંકી દેવા મજબૂર બને છે.

આપણે ત્યાં બહારથી માલ આવી જાય એટલે કે મુક્ત બજાર (Open Market) તો આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ હોય તે ભાવે આયાત માટેના કોઈ પણ ટૅક્સ વગર ઘઉં ભારતીય બજારોમાં આવી જાય.

પરિણામે ખૂબ જ નીચા ભાવે ઘઉં બજારમાં વેચાવા આવે અને ખેડૂત બરબાદ થઈ જાય.

આ પહેલાં WTO આવ્યું જે બહુપક્ષીય સમજૂતી હતી અને એમાં 'કૉન્ટિટિવ રિસ્ટ્રિક્શન' લગાડી શકાતું હતું. બીજું, WTOમાં સબસિડી ના આપી શકાય એવું ન હતું.

સબસિડી જુદાજુદા સ્લૅબ અથવા બોક્સિસમાં આપી શકાય. આ સામે RCEP માત્ર બજાર આધારિત ભાવની વાત કરે છે.

line
ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

RCEP આવશે તો WTOના માળખામાં જે કાંઈ સબસિડી છે તે ખતમ થઈ જશે. આ કારણથી RCEPનો દેશભરમાં વિરોધ શરૂ થયો છે.

સૌથી મોટો વિરોધ તો આની સામે ખેડૂત વર્ગમાંથી ઊઠ્યો છે. દેશભરના ખેડૂતોએ કહ્યું છે કે જો RCEP લાગુ થશે તો દૂધનો પુરવઠો અટકાવી દેવાશે.

એવું કહેવાય છે કે સરકાર ઉપર જેની વગ છે એવા આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને તેની શ્રમિક પાંખ ભારતીય મજદૂર સંઘ પણ આની વિરુદ્ધમાં છે.

પશુપાલન સાથે જોડાયેલી ઘણીબધી મહિલાઓએ દેશના વડા પ્રધાનને પત્ર લખી RCEP રોકવા માટે રજૂઆત કરી છે.

કેન્દ્ર સરકારે પણ RCEP સંબંધે પોતે શું કરવા જઈ રહી છે તે અંગે લોકસભામાં કે અન્ય કોઈ ફોરમમાં કાંઇ જાહેરાત કરી નથી.

આમ, સ્પષ્ટતા અને પૂરતી સમજણના અભાવે ઘણી બધી ગેરસમજો ઊભી થઈ છે અને એક યા બીજા સ્વરૂપે એ હવે બહાર આવવા માંડી છે.

આટલી ચર્ચા પછી આપણા મનમાં પહેલો પ્રશ્ન થવો જોઈએ કે આ રિજ્યોનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ એટલે કે RCEP આખરે છે શું?

પ્રથમ તો એ સમજી લઈએ કે આ RCEP એ ક્ષેત્રીય સમજૂતી છે, જે કૉમ્પ્રિહેન્સિવ એટલે કે સર્વસમાવેશક હશે અને ઉત્પાદિત માલસામાન તેમજ સેવાક્ષેત્રમાં લાગુ પડશે.

કૉમ્પ્રિહેન્સિવનો અર્થ એ થાય કે સ્ટીલ અથવા કાપડ કે એવા કોઈ એક ક્ષેત્ર માટે નહીં, પણ ઉત્પાદન કે સેવાના દરેક ક્ષેત્ર માટે આ સમજૂતી લાગુ પડે છે.

આનો અર્થ એ થાય કે WTO કરતાં ઘણી વ્યાપક અસર અને વ્યાપ ધરાવતી આ સમજૂતી છે. આ સમજૂતી ઇકૉનૉમિક કો-ઑપરેશન એટલે કે આર્થિક સહયોગ માટે છે.

line

સહયોગ કોના વચ્ચે થવાનો છે?

વિવિધ દેશના નેતાઓ

ઇમેજ સ્રોત, Getty Images

આ સહયોગ આશિયાનના દસ દેશો જેવા કે મ્યાનમાર, લાઓસ, થાઇલેન્ડ, કમ્બોડિયા, બ્રુનેઈ, ફિલિપિન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને સિંગાપોર વત્તા ફ્રી-ટ્રેડ ઍગ્રિમેન્ટના ભાગીદાર એવા છ દેશો જેમાં ચીન, ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે.

આ સોળ દેશો ભેગા મળીને 'મુક્ત વ્યાપાર ઝોન' બનાવે, જ્યાં એકબીજા દેશોના મોટા ભાગના ઉત્પાદનો અને સેવાઓ કોઈ પણ પ્રકારની રોકટોક કે કસ્ટમ ડ્યૂટીના બોજ વગર વેચી શકાય.

આજથી સાત વરસ પહેલાં 2012ના આશિયાન દેશોના વડાઓની મિટિંગમાં આ વિચાર મુકાયો અને 2013થી એ સંદર્ભમાં વાટાઘાટો એટલે કે નૅગોશિયેશનની શરૂઆત થઈ.

આમ છેલ્લાં સાત વરસથી આ ક્ષેત્રિય આર્થિક સહયોગ ભાગીદારીને નૅગોશિયેટ કરવા માટેની કોશિશ થઈ રહી છે.

આ કોશિશ જો સફળ થાય તો સોળ દેશોનો દુનિયાનો સૌથી મોટો 'ફ્રી ટ્રેડ ઝોન' એટલે કે 'મુક્ત વેપારક્ષેત્ર' અસ્તિત્વમાં આવે, જે દુનિયાની કુલ વસ્તીના 50 ટકા વસ્તી, વિશ્વની કુલ નિકાસનો 25 ટકા હિસ્સો અને વિશ્વના કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલુ ઉત્પાદન) નો 30 ટકા હિસ્સો ધરાવતું હોય.

ભારત અને ચીન બંને થઈને આજે લગભગ દુનિયાની ત્રીજા ભાગની વસ્તી ધરાવે છે.

એટલે જો આ સોળ દેશોના સમુદાયમાંથી ભારત અને ચીનને કાઢી નાખીએ તો આ મુક્ત વ્યાપાર ક્ષેત્ર ઘણું નાનું બની જાય.

આ કારણથી ભારત અને ચીન બન્નેને આ સમજૂતીની વ્યાપક અસર થાય, જે હકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ હોઈ શકે.

line

સમજૂતીનો હેતુ

રમકડાં

ઇમેજ સ્રોત, Getty Images

RCEPની સમજૂતીના મુખ્ય હેતુ નીચે મુજબ છે.

(1) સમગ્ર એશિયન ઇકૉનૉમીને જોડીને એક સંયુક્ત બજાર બનાવવું.

(2) આ સોળ દેશોમાં પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું આદાન-પ્રદાન સરળતાથી થઈ શકે તે રીતના ટ્રૅડ બેરિયર નીચા લાવવા, જેથી એક દેશમાંથી બીજા દેશમાં આયાત અથવા નિર્યાત કરવામાં આવે ત્યારે એના ઉપર વધારાની કસ્ટમ ડ્યૂટી કે ઍક્સ્ટ્રા ટેરિફ જેવા અવરોધો ન લગાવવામાં આવે.

(3) આ સમજૂતી હેઠળ - (1) ગૂડ્ઝ એટલે કે મૅન્યુફૅક્ચરિંગ આઇટમો, (2) સર્વિસ એટલે કે સેવાકીય પ્રવૃતિઓ, (3) ઇન્વૅસ્ટમેન્ટ ઇકૉનૉમી અને ટેકનિકલ કો-ઑપરેશન તેમજ (4) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આ મુદ્દે ચાર RCEP હેઠળ સર્વસામાન્ય અને સર્વસમાવેશક કાયદાઓ બનાવવા.

2013થી અત્યાર સુધી આ સમજૂતી ઘડી કાઢવા માટે લગભગ 25 મિટિંગ થઈ છે.

11-12 ઑક્ટોબર 2019માં બે દિવસ થાઇલૅન્ડમાં બૅંગકૉક ખાતે સોળ દેશોના કૉમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના મિનિસ્ટર્સ ચર્ચા માટે મળ્યા, જેમાં ભારત વતી પીયૂષ ગોયેલ હાજર રહ્યા હતા.

કોઈ ચોક્કસ સમજૂતી પર પહોંચ્યા વગર આ મિટિંગ પૂરી થઈ.

હવે આ સોળ દેશોના વડા પ્રધાન/રાષ્ટ્રપ્રમુખની લીડરશિપ લેવલ સમિટ મળી રહી છે, જેમાં RCEPને આખરી ઓપ આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.

વાણિજ્ય પ્રધાનોની બેઠક જોતા આ જોતાં નવેમ્બરની આ લીડરશિપ સમિટ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે અને RCEPને નક્કર સ્વરૂપ આપવામાં આવે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી.

આમ છતાંય ભારતમાં થોડા સમયથી જે રીતે આ વિષયને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમાં આરએસએસ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા પણ સાવચેતીના સૂર ઉચ્ચારવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લઈને જોઈએ તો ભારત આમાં કોઈ પણ રીતે આગળ વધતા પહેલાં સો ગળણે ગાળીને પીએ એ વાત નિશ્ચિત લાગે છે.

line

તો પછી ભારતીય ઉદ્યોગ આનાથી ચિંતિત કેમ છે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રનું માનવું છે કે ભારતની ઘરેલું બજાર ખૂબ મોટું છે. તેનો વ્યાપ તેમજ વૈવિધ્ય પણ એવાં જ પ્રબળ છે.

અહીં પાંચસો રૂપિયાના ખમીસ માટે પણ બજાર છે, પાંચ હજાર રૂપિયાનું ખમીસ પણ વેચાય છે અને ડિઝાઇનર ડ્રેસ તરીકે બજારમાં આવતાં શર્ટ પંદર હજારથી પચાસ હજાર સુધી પણ વેચાય છે.

ટૂંકમાં દરેક કિંમત અને ક્વૉલિટી માટે ખૂબ મોટું બજાર આપણે ત્યાં છે. આ બજારો પર અનેક માઇક્રો, લઘુ અને મધ્યમ તેમજ મોટા ઉદ્યોગો નભે છે.

એમાં પણ માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ઘરઆંગણાની આ બજાર ઑક્સિજનની ગરજ સારે છે.

ભારત દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર છે. 'India is a single largest free market in the world'. આ બજાર પર નભતા નાના ઉદ્યોગો રોજગારીનું એક મોટું સાધન છે.

એમનું કહેવું છે કે જેટલી છૂટ અન્ય દેશોને આપશો એટલી તેમની પ્રોડક્ટસ ઘરઆંગણાની બજારમાં દાખલ થઈને હરીફાઈ ઊભી કરશે. જેને કારણે સ્વાભાવિક રીતે ઘરઆંગણાના ઉદ્યોગો પર અસર પડશે.

દહેશત છે કે જુદાંજુદાં કારણસર ભારતીય ઉત્પાદકો, ચાઇનીઝ, ઑસ્ટ્રેલિયન તેમજ સાઉથ ઇસ્ટ એશિયન ઉત્પાદનો સાથે હરીફાઈ નહીં કરી શકે.

મર્યાદિત રીતે અત્યારે ચીનમાં બનેલ નાની-નાની વસ્તુઓ જેવી કે રમકડાં, ફટાકડા, દોરી, પ્લાસ્ટિકની આઇટમો, ડેકોરેશન માટેની એલઈડી સિરીઝ વગેરે ભારતના બજારમાં જેટલી નીચી કિંમતે વેચવામાં આવે છે, તે જોતાં જો ચીનના ઉત્પાદનો અહીંયાં શૂન્ય કસ્ટમ ડ્યૂટીથી આવતાં થાય તો ઘરઆંગણાના ઉદ્યોગોનો ખુરદો બોલી જાય.

આવી જ પરિસ્થિતિ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનાં ડેરીઉત્પાદનો આપણાં બજારમાં ઊભી કરે.

આથી ઊલટું ભારતનું સર્વિસ સૅક્ટર સારું એવું વિકસિત છે. એટલે કદાચ એ ક્ષેત્રે ફાયદો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં.

line
કામ કરતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતનો ફ્રી ટ્રૅડ ઍગ્રિમેન્ટનો રેકૉર્ડ પણ બહુ રાજી થઈએ તેવો નથી.

ભારતે ફ્રી ટ્રૅડ ઍગ્રિમેન્ટ એટલે કે FTA કેટલીક શરતો સાથે મુક્ત વેપાર માટેની સમજૂતીઓ કરી છે, જેમાં દક્ષિણ કોરિયાનો દાખલો લઈએ તો આ મુક્ત વેપાર સંસ્કૃતિ (FTA)નો ફાયદો દક્ષિણ કોરિયાને થયો છે.

દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થાનું કદ ભારત કરતાં ઘણું નાનું હોવા છતાં દક્ષિણ કોરિયા સાથેના વેપારમાં વેપારખાધ ભોગવે છે.

એટલે ઉદ્યોગોનું/આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે RCEP ભારતીય ઉદ્યોગો માટે નુકસાનીનો જ સોદો થાય.

કેટલાંક સૅક્ટરની વાત કરીએ તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝનો મોટો વિરોધ છે, જેનું કહેવું છે કે ભારત કરતાં ચીનનું સ્ટીલ ઘણું સસ્તું છે. એટલે ફાઈનલ પ્રોડક્ટમાં નુકસાન થાય અને ભારતીય સ્ટીલ ઉદ્યોગ તેનાં સંલગ્ન ઉત્પાદનો ધોવાઈ જાય.

સ્ટીલ અને સિમેન્ટ એ ઔદ્યોગિક ઉત્પાદન વ્યવસ્થાનો પાયો છે. તે જોતાં આ વાતની ગંભીરતા સમજી શકાય છે.

આવું જ કાંઈક ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કાપડ ઉદ્યોગનું છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા અને ત્યાં જે રીતે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે તે અત્યારે ભારતને હંફાવી રહ્યો છે.

હવે જો આપણે RCEPનો અમલ કરીએ તો ચીન પોતાના એકમો બાંગ્લાદેશમાં શિફ્ટ કરી ત્યાં ટેક્સટાઇલ માલનું ઉત્પાદન કરી ભારતમાં વેચવા માટે પ્રવૃત્ત થઈ શકે છે.

એટલે ચાઇનીઝ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝનો ભારતીય બજારમાં પ્રવેશ વધુ સરળ બને.

આમાં એક બીજો મુદ્દો ROO એટલે કે Rule Of Origin આવે. ચીન મ્યાનમાર જેવા દેશોમાં પોતાનું ઉત્પાદન શિફ્ટ કરે અને ત્યાં સ્મોલ કન્વર્ઝન એટલે કે નાના અમથા ફેરફારો કરે તો મિનિમમ વેલ્યુ એડીશન જાણે કે તે મ્યાનમારની જ પ્રોડક્ટ હોય.

ભારત, ફિલિપિન્સ અને મ્યાનમારના ઉત્પાદનો પર બહુ ટેરિફ વધારી શકતું નથી.

આમ ઔદ્યોગિક ક્ષેત્રે ઘર આંગણાનું મોટું બજાર ચીન જેવો દેશ સીધી અથવા આડકતરી રીતે ROO જેવા નિયમોનો ફાયદો લઈને સર કરી જાય.

line

જો RCEP અમલી બને તો ભારતને શું અસર થાય?

દુકાન

ઇમેજ સ્રોત, AFP

ભારતમાં અન્યત્રથી આવતા માલ પર 75થી 80 ટકા કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડવી પડશે. ખાસ કરીને ચાઈનીઝ પ્રોડક્ટ પર.

અત્યારે ઘણી બધી ચાઇનીઝ પ્રોડક્ટસ એટલી સરળતાથી નથી વેચાતી, કારણ કે બીજા દેશોની સરખામણીમાં ચાઇનીઝ માલ પર વધુ ડ્યૂટી લગાવાય છે.

ચીનની પ્રોડક્ટ પર 80 ટકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની પ્રોડક્ટ પર 86 ટકા ડ્યૂટી ઘટાડવી પડે. જોકે આ ડ્યૂટી રાતોરાત નથી ઘટડવાની.

એ માટે પાંચ, દસ કે પંદર વર્ષનો સમય આપીને ક્રમશઃ ડ્યૂટી ઘટાડવાની વાત થાય, પણ એનો કોઈ અર્થ નહીં રહે.

2017-18 ચીનમાંથી ભારતે 76 અબજ ડૉલરની આયાત કરી અને 10 અબજ ડૉલરની નિકાસ કરી. સરવાળે 66 અબજ ડૉલરની વેપાર ખાધ રહી.

જે 16 દેશોનો આ ફ્રી ટ્રેડ ઝોન બનવાનો છે તેમાંના 15 દેશો સાથે ભારતની કુલ વ્યાપારખાધ 104 અબજ ડૉલર છે, જેમાંથી 60 ટકા કરતાં વધુ ખાધ માત્ર ચીન સાથે છે.

દક્ષિણ કોરિયા 12 અબજ ડૉલર, ઇન્ડોનેશિયા 10.6 અબજ ડૉલર, જાપાન 7.9 અબજ ડૉલર, સિંગાપુર 4.7 અબજ ડૉલર, થાઇલૅન્ડ 3 અબજ ડૉલરની વ્યાપાર ખાધ 2017-18માં રહેવા પામી હતી.

આમ અત્યારે ભારત 104 અબજ ડૉલર એટલે કે 7 લાખ 28 હજાર કરોડની અંદાજિત વ્યાપાર ખાધ ભોગવે છે.

હવે જો લગભગ ડ્યૂટી ફ્રી કહી શકાય એવી આયાત માટે આ દેશના દરવાજા ખોલી નાખવામાં આવે તો આપણે વિદેશી હૂંડિયામણની દ્દૃષ્ટિએ પણ કેટલું મોટું નુકસાન વેઠવાનું આવે તે સમજી શકાય તેમ છે.

સૌથી મોટું નુકસાન ભારતના લઘુ, મધ્યમ અને માઇક્રો ઉત્પાદકોને થાય. ચીનનાં કોડિયાં જો ભારતના માટીનાં કોડિયાં સાથે હરીફાઈ કરતા હોય તો કેવી ખતરનાક પરિસ્થિતિ ઊભી થાય, તેની કલ્પના કરવી અઘરી નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો